‘અગ્નિપથ યોજના’ થી ડિપ્રેશનમાં આવીને વધુ એક 19 વર્ષીય યુવાને ટુંકાવ્યું જીવન – સેનામાં ભરતી થવા કરી રહ્યો હતો તૈયારી 

Published on: 3:02 pm, Thu, 23 June 22

રાજસ્થાન(Rajasthan): 19 વર્ષીય યુવક અગ્નિપથ યોજનાને કારણે એટલો ડિપ્રેશનમાં આવી ગયો હતો કે તેણે મંગળવારે આત્મહત્યા કરી લીધી. સંબંધીઓ દ્વારા જણાવામાં આવ્યું છે કે, તે સેનામાં ભરતીની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ નવી પોલિસીની જાહેરાત બાદથી તે ચિંતિત રહેવા લાગ્યો હતો. પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં આપઘાતનું કારણ પણ આ જ દર્શાવ્યું છે.

આ સમગ્ર ઘટના રાજસ્થાનમાં ઝુંઝુનુના ચિરાવા શહેરની છે. અહીંના સ્ટેશન રોડ પર રહેતા અંકિતે તેની બહેન પૂનમ (23)ના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. બંને ઝુંઝુનુના કોલસિયાના નેહરા કી ઢાણીના રહેવાસી છે. પૂનમ ઝાંઝોટની સરકારી શાળામાં એલડીસી પદ પર કાર્યરત છે.

સંબંધીઓએ જણાવ્યું કે, અંકિત સોમવારે જ ભોડકીથી બહેન પૂનમના ઘરે ગયો હતો. મંગળવારે યોગ દિવસના કાર્યક્રમના કારણે તે શાળાએ ગયો હતો. સવારે 8 વાગ્યાની આસપાસ અંકિતે રૂમમાં પંખા પર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. માહિતી મળતાંની સાથે જ પૂનમ જ્યારે ઘરે પહોંચી, ત્યારે તેના ભાઈની લાશ ફાંસીથી લટકતી જોઈને તે બેહોશ થઈ ગઈ હતી. અંકિત ગુડાગૌરજીની શ્રદ્ધાનાથ કોલેજમાં બી.એ.ના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. અંકિતના પિતા કરોડરજ્જુની સમસ્યાને કારણે પથારીવશ છે.

સંબંધીઓએ જણાવ્યું કે, અંકિત 14 મેના રોજ રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ માટે હાજર થયો હતો, પરંતુ પેપર લીક થવાને કારણે બીજી શિફ્ટનું પેપર રદ કરવામાં આવ્યું હતું. આ વાતની પણ તેને ચિંતા થવા લાગી. ત્યારબાદ તેણે સેના માટે અરજી કરી અને તેની તૈયારી કરવા લાગ્યો, પરંતુ નવી ભરતી નીતિ લાગુ થયા બાદ તે ડિપ્રેશનમાં સરી પડ્યો હતો.

અંકિતના કાકા લેખરાજે અહેવાલ આપ્યો છે કે, તેનો ભત્રીજો પોલીસ અને આર્મી ભરતીની તૈયારી કરી રહ્યો હતો. અગાઉ પોલીસ ભરતીનું એક પેપર રદ કરવામાં આવ્યું હતું. આ પછી હવે કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે. જેના કારણે અંકિત પરેશાન થઈ ગયો અને તેણે આત્મહત્યા કરી લીધી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને સ્વજનોને સોંપી દીધો હતો અને મામલાની તપાસ શરૂ કરી હતી.

અગ્નિપથ સ્કીમ આવ્યા બાદ રાજસ્થાનમાં સેનાની તૈયારી કરી રહેલા બે યુવકોએ પણ આત્મહત્યા કરી લીધી છે. એક દિવસ અગાઉ ભરતપુરમાં પણ એક યુવકે આપઘાત કર્યો હતો. તે પણ સેના માટે તૈયારી કરી રહ્યો હતો, જોકે તેની આત્મહત્યાના સ્પષ્ટ કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.