મુકેશ અંબાણી હવે રિલાયન્સ પેટ્રોલનો પથારો સંકેલી નાંખશે ? મુકેશ અંબાણીએ આ વ્યક્તિને જવાબદાર ઠેરવ્યો. જાણો વધુ

ગુજરાત માં આશરે ચાર દાયકા પહેલાં સૌરાષ્ટ્રના ગામડાંમાં લગ્નલાયક દીકરીનું માંગું આવે અને દીકરીનો બાપ પૂછે કે ‘મૂરતિયો શું કરે છે?’ એ સવાલના જવાબમાં કહેવામાં આવે કે, ‘એને ક્યાં કંઈ કરવાની જરૂર જ છે, એનાં બાપને તો પેટ્રોલ પમ્પ છે!’ આ જવાબ સાંભળીને પછી દીકરીનો બાપ વધુ કોઈ પૂછપરછ કર્યા વગર હોંશેહોંશે સગપણ પાકું કરી નાંખે. પેટ્રોલ પમ્પ તો બહુ મોટી વાત છે, રેશન ની દુકાને કેરોસિન વેચવાનું લાયસન્સ ધરાવતા વેપારીના પગ પણ જમીનથી વેંત અદ્ધર પડતાં હોય એ મોભો બહુ દૂરનો ભૂતકાળ નથી.

પેટ્રોકેમિકલ્સ એટલે કે ખનીજતેલ કે રાસાયણિક અવશેષ કે ફોસિલ ફ્યુઅલ… આશરે પોણા બસો વર્ષથી જગતના ચાલકબળ તરીકે દરજ્જો ભોગવતું ખનીજતેલ આધુનિક વિશ્વની દરેક ક્ષેત્રની હરણફાળનો પાયો ગણાય છે. ઈસ. 1848માં સ્કોટિશ રસાયણશાસ્ત્રીએ પથ્થરની ખાણના ઊંડાણમાંથી ઝમતાં ચીકણાં, ઘાટા રગડાને ઉકાળીને ઠાર્યો અને તેમાંથી મશીનમાં ઉંજવાનું તેલ, ઠરેલું મીણ અલગ તારવીને તેનો વ્યવસાય શરૂ કર્યો ત્યારથી શરુ થયેલી ખનીજતેલ નિસ્યંદનની કહાની આજે દુનિયાની વિરાટ રિફાઈનરી અને મહાકાય તેલકૂવા સુધી વિસ્તરીને પોતાનો અને સમગ્ર માનવજાતની પ્રગતિનો અનોખો ઈતિહાસ રચી ચૂકી છે. જોકે, નામ તેનો નાશ એવું સનાતન વાક્ય જરૂર છે અને એ ખનીજતેલને ય એટલું જ લાગું પડે છે. પરંતુ બીજું ય એક સનાતન વાક્ય એવું છે કે, વખત જોઈને વળે એ જ જીવતો મળે. પહેલાં વાક્યની સચોટતા સ્વિકારીને બીજા વાક્યનો વહેવારું અમલ કરવામાં મુકેશ અંબાણીએ પરંપરાગત ગુજરાતી કોઠાસૂઝ દર્શાવી છે.


Loading...

ખરેખર તો આ કોઠાસૂઝ જ અંબાણી ઘરાણાને અન્ય તમામ વ્યવસાયી ખાનદાનોથી બે વેંત મોખરે રાખે છે. અગાઉ ધીરુભાઈ અંબાણીએ ટેક્સ્ટાઈલ્સ બિઝનેસનો ચડતો સિતારો હતો ત્યારે ઓન્લી વિમલની કમાણી પેટ્રોકેમિકલ્સમાં નાંખવા માંડી હતી. કારણ કે તેઓ બદલાતો વખત સૌથી પહેલાં પારખી શક્યા હતા. આજે મુકેશ અંબાણી પણ એ જ કરી રહ્યા છે. સમયની બદલાતી હવા બે દાયકા પહેલાં પારખીને હવે તેઓ પેટ્રોકેમિકલના ધિકતા કારોબારને ડેટામાં વાળી રહ્યા છે. સાઉદી અરેબિયાની ધરખમ કંપની અરામ્કોને રિલાયન્સનો 20 ટકા હિસ્સો વેચવાનો તેમનો એ નિર્ણય ઐતિહાસિક અને ભવિષ્યમાં વેપારી કોઠાસૂઝના આદર્શ નમૂના સમાન ગણાવાનો છે.

પેટ્રોકેમિકલ બિઝનેસમાં મુકેશ અંબાણી અને રિલાયન્સ અત્યારે જગતભરમાં નામના ધરાવે છે. આમ છતાં તેમણે આ ક્ષેત્રને સનસેટ ઈન્ડસ્ટ્રિઝ (જેનાં દિવસો આથમી રહ્યા છે એવું ક્ષેત્ર) ગણીને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ઊગતા સુરજને પૂજવાની દિશામાં આગળ વધવા માંડ્યું છે. રિલાયન્સ અને મુકેશ અંબાણીની આ બેહદ વ્યુહાત્મક ગણતરી પાછળ એક માણસને જવાબદાર ગણવો પડશેઃ તેનું નામ છે ટોની સેબા.

મુંબઈમાં કેમિકલ એન્જિનિયરિંગ ભણ્યા પછી મુકેશ અંબાણી અમેરિકાની મશહુર સ્ટેનફોર્ડ યુનિ.માં એમ.બી.એ. કરવા ગયા હતા અને એ અભ્યાસક્રમ પૂરો કર્યા વગર જ બિઝનેસમાં જોડાઈ ગયા હતા. એ જ સ્ટેનફોર્ડ યુનિ.માંથી એમબીએ થયેલો અને આજે એ જ યુનિ.માં ભણાવતો ટેક્નોક્રેટ ટોની સેબા મુકેશ અંબાણી જ નહિ, દુનિયાભરના ધનકુબેરો ઉપરાંત ટોચના અર્થશાસ્ત્રીઓનું પણ ધ્યાન ખેંચી રહ્યો છે.

જગતના ચાલકબળ તરીકે ખનીજતેલના ભંડાર કદીક તો ખૂટશે જ એ નિશ્ચિત છે. કારણ કે લાખો, કરોડો વર્ષની નૈસર્ગિક ઉથલપાથલ પછી ધરતીના પેટાળમાં જીવાશ્મિઓના અવશેષો સ્વરૂપે મળી આવતાં હાઈડ્રોકાર્બન ફ્યુઅલ એટલે કે ખનીજતેલની પ્રાપ્તિ કરતાં તેનો વપરાશ અનેકગણો વધારે છે. ભૂગર્ભના સ્ત્રોત ઝડપભેર પુરા થતા જાય છે અને વધુને વધુ ઊંડા જતા જાય છે. વપરાશ વધે, પૂરવઠો ઘટે ત્યારે અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ કિંમત વધે. કિંમત એક હદથી વધી જાય ત્યારે તેના વિકલ્પો ઊભા થાય અથવા તો વિકલ્પો શોધવાની ફરજ પડે.

આ મુદ્દા ને ધ્યાનમાં રાખીને સ્ટેનફોર્ડ યુનિ.એ વિવિધ વિષયોના તજ્જ્ઞો પાસે એક અહેવાલ તૈયાર કરાવ્યો હતો, જેમાં ટોની સેબા મુખ્ય હતો. આ અહેવાલનો પ્રાથમિક હેતુ એ હતો કે જગતમાં ખનીજતેલની પ્રાપ્તિ ક્યાં સુધી સસ્તી કિંમતે મળતી રહેશે? પેટ્રોલ-ડિઝલ સંચાલિત વાહનો ક્યાં સુધી ચાલતા રહેશે? પેટ્રોલ-ડિઝલના વાહનોનો વિકલ્પ શું હશે? બે વર્ષ પહેલાં રજૂ થયેલા Rethinking Transportation નામના આ અહેવાલનું તારણ બહુ જ ચોંકાવનારું હતું, જેમાં સ્પષ્ટપણે તમામ આધારો ટાંકીને કહેવાયું હતું કે વર્ષ 2030 સુધીમાં પેટ્રોલ-ડિઝલ સંચાલિત આંતરિક ઉર્જા દહન એન્જિન ધરાવતા વાહનોનો મૃત્યુઘંટ વાગી જશે અને તેનું સ્થાન ઈલેક્ટ્રિક અથવા સૌરઉર્જા સંચાલિત વાહનો લેશે.

આ અહેવાલ સમગ્ર જગત માટે ભારે ચોંકાવનારો બની રહ્યો છે. કારણ કે છેલ્લી દોઢ સદીથી સમગ્ર દુનિયાનું તંત્ર ખનીજતેલની આસપાસ ફરતું રહ્યું છે. ખનીજતેલ એ હજારો વર્ષોની નૈસર્ગિક રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ છે. મતલબ કે, લેબોરેટરીમાં બનાવી શકાતું નથી. પરિણામે દરેક ખનીજ તત્વોની માફક કુદરતી રીતે મળી આવતું ખનીજતેલ પણ મર્યાદિત જથ્થામાં જ છે. કોઈ એક દિવસ તો તેની ડેડલાઈન આવવાની જ છે અને હવે ખબર પડે છે કે એ ડેડલાઈન સાવ ઢૂંકડી છે.

હાલ એવું મનાય છે કે ખનીજતેલની પ્રાપ્તિનો રોજિંદો ઉપયોગ ગત વર્ષે આવી ગયો. સાદા શબ્દોમાં સમજીએ તો, એક દિવસમાં વધુમાં વધુ જેટલું ખનીજતેલ પ્રાપ્ત થઈ શકે એ આંકડો ગત વર્ષે સર થઈ ગયો. હવે પેટાળમાંથી ખનીજતેલ ઉલેચવાની પ્રક્રિયા રિવર્સ ગિયરમાં દોડવાનો પ્રારંભ થઈ ગયો છે. મતલબ કે, ઉત્પાદન ક્રમશઃ ઘટતું જશે અને ખનીજતેલના કુવાઓ ક્રમશઃ ઊંડે ઉતરતા જશે. તેની સામે વપરાશ તો સતત વધતો જ જાય છે. પરિણામે ભાવ સતત વધવાના છે. આ વધતા ભાવ એક તબક્કે એટલાં વધી જશે કે એ કોઈ કાળે પોષાય જ નહિ.

હવે વિચાર કરો, જો પેટ્રોલ-ડિઝલની પ્રાપ્તિ જ મુશ્કેલ અથવા અસહ્ય મોંઘી હોય તો પછી પેટ્રોલ-ડિઝલના જોરે દોડતાં વાહનોનું શું થશે? વાહનોના સ્પેરપાર્ટ્સ, રબર ઈન્ડસ્ટ્રિઝથી માંડીને એલ્યુમિનિયમ અને રોડ સાઈડ મિકેનિકથી લઈને પંચરવાળા સુધીના, ઓટોમોબાઈલ સાથે જોડાયેલા બિઝનેસનું શું થશે? ટોની સેબાના રિપોર્ટમાં આ દરેક સવાલોના બહુ ચોંકાવનારા જવાબો છે અને એ દરેક જવાબ છેવટે ઈલેક્ટ્રિક અથવા સૌરઉર્જા જેવા વિકલ્પોને જગતના નવા ચાલકબળ તરીકે જોડે છે.

અલબત્ત, ટોની સેબાનો અહેવાલ તો પેટ્રોબિઝનેસના મૃત્યુઘંટ તરફ આંગળી ચિંધે છે પરંતુ સનરાઈઝ ઈન્ડસ્ટ્રીઝ યાને આવતીકાલના ઉગતા સુરજની દિશા હવે ડેટા છે એ મુકેશ અંબાણીની પોતાની કોઠાસૂઝ છે. આવતીકાલના ઉજાસને આજે પારખવાની કળામાં જે માહેર હોય એ જ અગ્રેસર રહે. દસ વર્ષ પહેલાં સ્માર્ટફોન ચમત્કાર લાગતો હતો. ટીવી પર આટલી બધી ચેનલ્સ હશે એવું 20 વર્ષ પહેલાં માનવું મુશ્કેલ હતું. એ ટીવી પોતે ય ત્રીશ વર્ષ પહેલાં છાકો પાડી દેતી લક્ઝરી ગણાતું હતું.સમય હવે બદલાવ ની નવી વ્યાખ્યા નક્કી કરી રહ્યો છે. કહેવા માટે આ ફક્ત રિલાયન્સના 20 ટકા હિસ્સાનું અરામ્કોને થયેલું વેચાણ છે. પરંતુ સુક્ષ્મ રીતે જોઈએ તો આ ઝડપી રીતે નવી દિશા માં વહેતાં થયેલાં પવનની લહેરખી છે, જેના સહભાગી આપણે પણ બન્યાં છીએ.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...