દારૂડિયાઓને છોડાવવા BJPના ધારાસભ્યના પુત્રએ પોલીસ મથક માથે લઇ પી.આઇને ધમકી આપી

પુણા પોલીસે પકડેલા દારૂડિયાઓને છોડાવવા માટે પોલીસ સ્ટેશન જઈ પોલીસ સ્ટેશન માથે લીધા બાદ પીઆઇ ને ફોન પર ધમકી આપનાર કામરેજના ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ પીઆઇ…

પુણા પોલીસે પકડેલા દારૂડિયાઓને છોડાવવા માટે પોલીસ સ્ટેશન જઈ પોલીસ સ્ટેશન માથે લીધા બાદ પીઆઇ ને ફોન પર ધમકી આપનાર કામરેજના ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ પીઆઇ એ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પૂણા પોલીસે આજરોજ કેટલાક દારૂડિયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તેમના બ્લડ સેમ્પલ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

દરમિયાન, આ અંગેની જાણ થતા કામરેજના ધારાસભ્ય ઝાલાવડિયાના પુત્ર શરદે પોલીસ સ્ટેશન આવી કોઇપણ પ્રકારની કાર્યવાહી વિના તમામ ને છોડી મૂકવા પોલીસને જણાવ્યું હતું.

જોકે, પૂણા પોલીસ મથકના પી.એસ.ઓ એ બ્લડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે તેવું જણાવતા ધારાસભ્યના પુત્ર એ કોઈપણ કાર્યવાહી વિના તમામ ને છોડી મૂકો તેમ કહી પોલીસ સ્ટેશન માથે લીધું હતું અને કાગળીયા ફાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેને અટકાવ્યો હતો.

પોલીસ સ્ટેશન માથે લીધા બાદ શરદે પુણા પીઆઈ આર.આર ભાંભળાને ફોન કરી ધમકી આપી હતી કે કોઇપણ પ્રકારની કાર્યવાહી વિના તમામ ને છોડી દો નહીં તો હું તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિજીલન્સ ની રેઇડ પડાવીશ. પીઆઈએ શરૂઆતમાં તેને સમજાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ શરદે ધમકી આપવાનું ચાલુ રાખતા પીઆઇ એ આખરે આ અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *