ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

રંક બન્યો રાજા: જાણો કઈ રીતે ભગવાન સ્વામિનારાયણએ કર્યું હતું સગરામ વાઘરીનું જીવન પરિવર્તન

હાલમાં ગુજરાતમાં સ્વામીનારાયણ ભગવાન કે નીલકંઠ વર્ણી પર સવાલ ઉઠાવનારાઓ અને અમુક રાજકીય મહત્વાકાંક્ષા સમજીને સમાજના નામનો ઉપયોગ કરીને લોકોને ગેરર્માર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે, ત્યારે અમુક એવી હકીકતો કે જે સ્વામીનારાયણ ભગવાન એટલે કે નીલકંઠ વર્ણી સાથે જોડાયેલી છે તે જાણવી જરૂરી છે. આ સંદેશ તમામ વિઘ્ન સંતોષીઓ સુધી પહોચાડજો જેથી કોઈ ખોટો લાભ ન ખાટી જાય.

ભગવાન સ્વામીનારાયણએ નાતજાત ધર્મ ના ભેદ વગર તમામ ગણાતી, જતી ધર્મ ના લોકોને સદ્માર્ગે વાળવાનું કાર્ય કર્યું હતું. જેમાં દાયકાઓથી અન્યાય ભોગવતો દેવિપુજ્ક સમાજ શામેલ હતો. અખિલ સ્વામીનારાયણ સંપ્રદાયમાં દેવીપુજક હરીભક્ત થઈ ગયા છે. સગરામ ભગત સુરેન્દ્રનગર જિલ્લાના, લીમલી (તા. મુળી) ગામના સંત હતા. તેઓ દેવીપુજક-વાઘરી સમાજના ઉઘરેજીયા અટકના હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનન્ય અને દ્રઢ હરીભક્ત તરીકે જાણીતા છે.

ભગવાન સ્વામિનારાયણ અડધી રાત્રે એક વખત સગરામ ના ઘરે અડધી રાત્રે જઈને વધેલો સુકો રોટલો અને દહીં જમીને તેનાથી અછૂત રહેતા અન્ય લોકોને સંદેશો આપેલ કે ભગવાન તો સૌનું જમે અને કલ્યાણ કરે. ભગવાન કોઈ સાથે ભેદ ન રાખે. અને સગરામની ઝૂંપડી પાવન કરી હતી.

એક વખત ભાવનગર ગયેલ તે સમયેમાં વજેસિંહ ઠાકોરને કોઈકે કહ્યું કે, “બાપુ, સ્વામિનારાયણે તો વાઘરી વૈષ્ણવ કર્યા.” ત્યારે કે’, “એવું હોય નહિ. વાઘરી તે વૈષ્ણવ થાય? એ તો કોઈથી બને નહિ.” ત્યારે કે, “બાપુ, આપણા રાજ્યમાં છે.” ત્યારે કે, “કયા ગામમાં?” “લીંબલીમાં સગરામ વાઘરી છે તે એવો ધર્મ પાળે છે.” ત્યારે ઠાકોર સાહેબ કહે, “ક્યાં હશે? એને બોલાવો.” ત્યારે કોઈકે કહ્યું કે, “એ તો આજ આંહીં આવ્યો છે.” પછી તેને બોલાવી લાવ્યા તે દરબારમાં ગયો. ધોબી જેવાં ધોયેલ ધોળાં લૂગડાં પહેરેલાં તેને ઠાકોરે ઢોલિયા પાસે બેસાર્યા ને કહે, “સગરામા, તું સ્વામિનારાયણિયો થયો છે?” ત્યારે કે, “હા, બાપુ.” ત્યારે ઠાકોર કહે, “તને વાઘરીને વળી ઈ શું સૂઝ્યું? તને કાંઈ સ્વામિનારાયણે પરચો દીધો?” ત્યારે કે, “હા, બાપુ. પરચા વિના કોઈ માને છે?” ત્યારે ઠાકોર કહે, “તને શું પરચો દીધો તે કહે.”

ત્યારે સગરામ કહે, “બાપુ, કો તો હમણાંનો કહું ને કો તો આગળનો કહું.” ત્યારે કે, “હમણાંનો કહે.” ત્યારે સગરામ કહે, “હું જાતે વાઘરી છું અને તમે અઢારસેં પાદરના ધણી છો તે તમને સાંભરે છે કે મેં કોઈ દિવસ વાઘરી સાથે વાતું કરી? ને તમારા નોકરના જોડા પડ્યા હોય ત્યાં અમને ઊભા રહેવા ન દે તે તમે ઢોલિયા પાસે બેસારીને મારી સાથે વાતો કરો છો. તે હું સ્વામિનારાયણિયો થયો ત્યારે ને? એ જ મોટો પરચો.” ત્યારે દરબાર કહે, “એ તો સાચું. પણ સગરામા, લોકમાં એમ કહે છે કે સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે છે. એ વાત સાચી? ક્યાંય ગધેડાને ગાય કરી?” ત્યારે સગરામ કહે, “સાહેબ, એક તો મને કહો જે અમે વાઘરી તે ચોરી, છીનાળી, દારૂ, માંસ કરીએ ને ધર્મમાં તો કાંઈ સમજીએ નહિ તે અમે ગધેડા જેવા પણ સ્વામિનારાયણે નિયમ દીધાં તે ચોરી, છીનાળી, દારૂ, માંસ કાંઈ કરીએ નહિ ને પાણી પણ ગાળીને પીએ ને જૂ-માંકડને પણ મારીએ નહિ ને મારે છેડા વ્રતમાન છે, પરસ્ત્રીને અડવું નહિ ને નાતમાં ખાવું નહિ ને દૂધ ગાળીને ખાવું ને સવારમાં ઊઠીને નાવું ને પાઠપૂજા તે બ્રાહ્મણના જેવો ધર્મ પાળીએ છીએ તે સ્વામિનારાયણે ગધેડાની ગાય કરી.” ત્યારે ઠાકોર કહે, “વાઘરી છે પણ ખરો ભક્ત છે.”

એક સમયે ઈ.સ. ૧૮૧૩ના કારમા દુષ્કાળમાં સગરામ ભગત અને તેમની પત્ની પોતાનું પેટિયું રળવા કાઠિયાવાડથી ગુજરાત તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે રસ્તામાં તેને ચાંદીનો મોટો તોડો મળ્યો. પાછળ ચાલી આવતી પોતાની પત્નીને એ લેવાની લાલચ ન જાગે એ હેતુથી એણે તોડા પર ધૂળ વાળી દીધી. પત્નીએ નજીક આવતાં એ અંગે સગરામ ભગતને પૂછ્યું અને જાણ્યું ત્યારે તેેમની પત્નીએ સગરામ ભગતને ખુમારીથી જવાબ આપ્યો, ‘તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? ભગવાન સ્વામિનારાયણ મળ્યા ત્યારથી હું પારકી વસ્તુને ધૂળ જ સમજુ છુ.

સૌરાષ્ટ્રના ઝાલાવાડમાં આવેલા લીમલી ગામના સગરામ વાઘરીને સ્વામિનારાયણનો સત્સંગ થયો અને એનું સમગ્ર જીવન સૌને પરમ આશ્ચર્ય ઉપજાવતું રહ્યું. એક વખત સગરામ મુસાફરીએ જઈ રહ્યો હતો. તેને તરસ લાગી. રસ્તામાં નદીએ પાણી પીવા ગયો. એ જ વખતે શિયાણી ગામના શિવરામ ભટ્ટ પણ પાણી પીવા માટે નદીએ આવ્યા હતા. શિવરામ ભટ્ટે સીધું જ ખોબે ખોબે પાણી પી લીધું. અને સગરામે પોતાનો લોટો કાઢ્યો. લોટાને રેતીથી સાફ કર્યો અને એના ઉપર ગરણું મૂકી થોડું પાણી ગાળેલું ભર્યું.

એનાથી વળી લોટો વીંછળ્યો. પછી ફરીથી ગરણું મૂકી એમાં પાણી ગાળ્યું. અને ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરી પાણી પીધું. શિવરામ ભટ્ટ એક વાઘરીની આટલી ચોખ્ખાઈ અને નિયમ દ્રઢતા જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયા. પોતે બ્રાહ્મણ હોવા છતાં જે શુચિતાનું પાલન કરી શકતા નહોતા, તે એક વાઘરી સ્વામિનારાયણીય સંસ્કારથી ઉચ્ચ વર્ણનો બનીને પાળી રહ્યો હતો !

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.