લગ્નમાં ગીતો ગાઈને ગુજરાન ચલાવતો આ છોકરો બન્યો ‘ઇન્ડિયન આઇડલ-10’નો વિજેતા, રડી પડ્યો પરિવાર

લાઇવ વૉટિંગનાં આધારે સલમાન અલીને વિનર જાહેર કરવામાં આવ્યો

2010-11માં ઝી ટીવીનાં જાણીતા પ્રોગ્રામ ‘સારેગામાપા લિટિલ ચેમ્પ્સ’માં રનઅપ રહેલા હરિયાણાનાં મેવાતનાં સલમાન અલીએ રિયાલિટી શૉ ‘ઇન્ડિયન આઇડલ-10’નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. સલમાન અલી શરૂઆતથી જ આ રીયાલિટી શૉનો સૌથી મનગમતો કંટેસ્ટેંટ હતો.

ઉલ્લેખનીય છે કે શૉમાં થયેલી લાઇવ વૉટિંગનાં આધારે સલમાન અલીને વિનર જાહેર કરવામાં આવ્યો છે. તો બીજા નંબરે હિમાચલ પ્રદેશનો અંકુશ ભારદ્વાજ અને ત્રીજા નંબરે નીલાંજના રે છે. આ જીત સાથે સલમાનને ટ્રૉફી ઉપરાંત 25 લાખ રૂપિયા અને એક કાર આપવામાં આવી છે.

ફાઇનલમાં ‘ઝીરો’ની ટીમ જોવા મળી હતી

‘ઇન્ડિયન આઇડલ-10’ની ફાઇનલમાં ‘ઝીરો’ની ટીમ જોવા મળી હતી. જ્યાં શાહરૂખ, કેટરીના અને અનુષ્કાએ લોકોનું ઘણું જ મનોરંજન કર્યું હતુ. આ ઉપરાંત ફાઇનલમાં મહાન સંગીતકાર જોડી લક્ષ્મીકાંત પ્યારેલાલનાં પ્યારેલાલ શર્મા, બપ્પી લાહિરી અને શિલ્પા શેટ્ટી જેવા દિગ્ગજો પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં શરૂ કરવામાં આવેલા શૉનાં ફાઇનલ રાઉન્ડમાં સલમાન અલી, નીલાંજના રે, નિતિન કુમાર, વિભોર પરાશર અને અંકુશ ભારદ્વાજ પહોંચ્યા હતા.

પરિવાર લગ્નમાં ગીતો ગાઈને ગુજરાન ચલાવે છે

સલમાન અલીને મેવાતમાં ‘મલંગ’ તરીકે ઓળખવામાં આવે છે. તે એક ગરીબ પરિવારમાંથી આવે છે. સલમાનનો પરિવાર મિરાસી સમાજથી છે, જેઓ ગીત વગાડવાનું કામ કરે છે. આવામાં સલમાનમાં ગીત ગાવાની પ્રતિભા બાળપણથી જ હતી. નાની ઉંમરથી જ સલમાન જાગરણોમાં ગીત ગાતો હતો.

સલમાનનો પરિવાર લગ્નમાં ગીતો ગાઈને ગુજરાન ચલાવે છે. સલમાનની આ સફળતા પર તેમના પિતા કાસિમ અલીએ કહ્યું કે તેમને દીકરાની આવડત પર ગર્વ છે.