બ્રાહ્મણ પરિવારમાં છવાયો સન્નાટો: ભાઈ-બહેનનું એક સાથે મોત, યુવકે લગનના દિવસે જ લીધા અંતિમ શ્વાસ

હાલસમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. રાજ્યમાં અનેક પરિવારોનાં માળા વિખેરાયા છે. ત્યારે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના વતની અને મહેસાણામાં રહેતા બ્રાહ્મણ પરિવારમાં સગાં…

હાલસમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. રાજ્યમાં અનેક પરિવારોનાં માળા વિખેરાયા છે. ત્યારે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના વતની અને મહેસાણામાં રહેતા બ્રાહ્મણ પરિવારમાં સગાં ભાઈ-બહેનનાં કોરોનાથી મોતને (Brother Sister Death) પગલે માતમ છવાઇ ગયો છે. બ્રાહ્મણ પરિવાર ઉપર કોરોનાનું કાળ ચક્ર ફરી વળતાં સમગ્ર ચંદ્રુમાણા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

હ્રદય હચમચાવી નાખતી આ ઘટનામાં મુખ્ય વાત તો એ છે કે, મૃતક જય દવેનાં રવિવારના રોજ લગ્ન હતાં અને એ જ દિવસે મોડી રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા. તો પોતાના લાડલા ભાઇને રંગચંગે પરણાવવા ચણિયાચોળીથી લઇને દાગીના સુધીની બધી જ તૈયારીઓ કરી ચૂકેલી બહેન પૂજાને પણ ભાઇનાં પોંખણાં કરે તે પહેલાં જ કાળમુખો કોરોના ભરખી ગયો. જે ઘરમાં આજે લગ્નની શરણાઇઓની ગૂંજ સંભળાવાની હતી ત્યાં આજે મરશીયાં ગવાઇ રહ્યાં છે.

છેલ્લા 20 વર્ષથી પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના વતની મહેશભાઈ અંબાલાલ દવે મહેસાણા ખાતે રામોસણા ગામની વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહી કર્મકાંડ કરે છે. તેમને સંતાનમાં એક દીકરો જય (24) અને દીકરી પૂજા હતી. આ પરિવારને ગત 15 એપ્રિલે કોરોનાએ સકંજામાં લઇ લેતાં બંને ભાઈ-બહેનને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં બહેન પૂજાની તબિયત નાજુક હોઇ અને કોઈ જગ્યાએ વેન્ટિલેટરની સુવિધા નહીં મળતાં આખરે તેણીને ભાવનગર લઈ જવાઇ હતી. જ્યાં ગત 21 એપ્રિલના રોજ તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

એક બાજુ પરિવાર પુત્રીના મોતના વિરહમાં સરકી પડ્યો હતો ત્યારે બીજી બાજુ અમદાવાદ ખાતે સારવાર હેઠળ જયને પણ ત્યાંથી રિફર કરી મહેસાણા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. રવિવારે મોડી રાત્રે જયની તબિયત વધુ ખરાબ થતાં 4 વાગે તેણે પણ આંખો મીંચી દીધી અને અનંતની વાત પકડી લીધી. ભાઇ-બહેનના મોતથી પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો છે.

મૃતક જય દવેના મામાના દીકરા ભાઇ કરણ દવે (ધરમોડા)એ જણાવ્યું કે, જયના 25 એપ્રિલને રવિવારે હિમાની નામની યુવતી સાથે મહેસાણા પરામાં સરદાર હોલ ખાતે લગ્ન લેવાયાં હતાં. લગ્નની કંકોત્રીઓ સ્વજનોમાં વહેંચાઈ ગઇ હતી. બંને પરિવારોએ લગ્નની ખરીદી કરી લીધી હતી, લગ્નનો ઉમંગ વર્તાતો હતો. પરંતુ કુદરતે બીજું જ કંઇક ધાર્યું હતું. બંને ભાઇ-બહેનને 15 એપ્રિલે કોરોનાને લઇ હોસ્પિટલમાં દાખલ કરાયાં અને 21 એપ્રિલે બહેન પૂજા અને 26 એપ્રિલે ભાઇ જયનું અવસાન થયું. જે અમારા પરિવારો માટે આઘાત જનક છે.

મૃતક જયના મામા હર્ષદભાઈ દવેએ જણાવ્યું કે, જયની મોટી બહેન પૂજા વિરેન્દ્રકુમાર પંડ્યાને પાટણ તાલુકાના સંખારીના વતની અને અમદાવાદ ખાતે રહેતા પંડ્યા પરિવારમાં પરણાવાઇ હતી. ભાઇ જયના લગ્ન હોઇ તે મહેસાણા આવી હતી અને લગ્નમાં પહેરવા માટે ચણિયા ચોળી સહિત અવનવા શણગારો સહિત 70 હજારની ખરીદી કરી રાખી હતી. જોકે, તેણીના મોત બાદ લગ્ન મોકૂફ રાખ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ ભાઈને બહેનના મોતની વાતથી અજાણ રખાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. 
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *