દિવાળીએ રાત્રે 8 થી 10 અને ક્રિસમસ પર રાત્રે 11.55 થી 12.30 વચ્ચે જ ફટાકડાં ફોડી શકાયઃ સુપ્રિમ

અમદાવાદઃ તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી અસરો સંદર્ભે સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રે 8 થી 10 કલાક સુધી તથા ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન રાત્રે 11.55 થી 12.30 કલાક સુધીજ ફટાકડા ફોડી શકાશે.

ઓછા એમિશન વાળા ફટાકડાં પર જ વેચાણ અને ઉત્પાદનની છૂટઃ સુપ્રિમ કોર્ટ

ગુજરાત રાજ્ય ગૃહ વિભાગની એક યાદીમાં જણાવ્યું છે કે, સુપ્રિમ કોર્ટમાં થયેલી પીટીશન સંદર્ભે જે માર્ગદર્શિકાઓ અપાઇ છે તદ્અનુસાર સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડાં જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે. તેનાં જ ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયનાં તમામ પ્રકારના ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઓનલાઈન ફટાકડાંના વેચાણ પર સુપ્રિમનો પ્રતિબંધ

ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓએ જ કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રિમ કોર્ટનાં તા.૨૩/૧૦/૨૦૧૮નાં આદેશનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.

ઉપરાંત તમામ ઇ-કોમર્સ વેબસાઇટ પર તમામ પ્રકારના ફટાકડાંના ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકાયો છે.

Facebook Comments