સુરતના ધારાસભ્યનો રાજ્યસભામાં વોટ અપાવવાના નામે ભરતસિંહને 12 કરોડમાં કોણે નવડાવી દીધા?

Published on: 5:21 pm, Fri, 13 May 22

ગત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ દાવેદારી કરી હતી અને ભારે રસાકસી બાદ શક્તિસિંહ ગોહિલ નો વિજય થયો હતો અને ભરતસિંહ સોલંકી ની કારમી હાર થઇ હતી. રાજ્યસભામાં પહોંચવાના સપના જોતા ભરતસિંહ સોલંકીએ કેટલાક ભાજપના ધારાસભ્યોના વોટ ખરીદવા માટે લાંબા ટૂંકા રૂપિયા ખર્ચ્યા હોવાનું સામે આવ્યું છે.

સુરતના એક ભાવનગરી ઉદ્યોગપતિએ ભરતસિંહ ના કહેવાથી સુરતના એક ધારાસભ્યના દીકરા સાથે બેઠક કરાવી આપી હતી અને ભરતસિંહ સોલંકીએ આ ઉદ્યોગપતિને પોતાને એક મત અપાવવા માટે ૧૨ કરોડ રૂપિયા આપ્યા હતા. આ ઉદ્યોગપતિએ ધારાસભ્યના પુત્રના નામે એક અન્ય યુવાનને બેઠક કરાવડાવીને રકમ મેળવી હતી અને ભરતસિંહનો દાવ કરી નાખ્યો હતો. પાછળથી આ વાત રાજકીય ગલીયારામાં બહાર આવતા ધારાસભ્યના દીકરાએ આ ઉદ્યોગપતીને સાણસીમાં લઈને બેઠક કરવા બોલાવતા 12 કરોડમાંથી 4 કરોડની રકમ ધારાસભ્યના દીકરાને આપી હતી. અને મામલો પતાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા હોર્સ ટ્રેડિંગ કરીને કોંગ્રેસી ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કર્યાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હવે સુરતના ઉદ્યોગપતિ જગતમાં એક ઉદ્યોગપતિએ આવી રીતે ભરતસિંહ નો પણ દાવ કરી લીધો હોવાની વિગતો ચર્ચાનો વિષય બની છે.

આ ઉદ્યોગપતિની વાત કરીએ તો તે પોતે કરોડપતિ છે અને એક સમયે હાર્દિક પટેલ માટે પોતાની તિજોરી ખોલી નાખનારા વ્યક્તિઓમાં સામેલ થાય છે. હાલમાં તો આ ઉદ્યોગપતિ ભાજપના નેતાઓ સાથે સારા સંબંધ ધરાવે છે અને ભરતસિંહ આ રકમ પડાવી લેનાર સામે ઉંહકારો કરી શકે એમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.