હવે સુરત પોલીસને પણ મળશે વિકેન્ડ હોલીડે, જાણો શું છે જાહેરાત

લોકહિતના સતત નિર્ણય લઇ રહેલા સુરત શહેર પોલીસ કમિશનરે ગઈકાલે  સુરત શહેરમાં ફરજ બજાવતા તમામ પીઆઈ અને પીએસઆઈને અઠવાડિયામાં એક દિવસ વીકલી ઓફ આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો…

લોકહિતના સતત નિર્ણય લઇ રહેલા સુરત શહેર પોલીસ કમિશનરે ગઈકાલે  સુરત શહેરમાં ફરજ બજાવતા તમામ પીઆઈ અને પીએસઆઈને અઠવાડિયામાં એક દિવસ વીકલી ઓફ આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. તે મુજબ દર રવિવારે પીઆઇને વીકલી ઓફ રહેશે જ્યારે સેકન્ડ પીઆઇ અને તમામ પી.એસ.આઈ.ને રવિવાર સિવાય કોઈ પણ દિવસે વીકલી ઓફ મળશે. થોડા દિવસ અગાઉ જ સુરતના કમિશ્નર સતીશ શર્માને DGP તરીકે પ્રમોટ કરાયા છે.

સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને વીકલી ઓફ મળે તે બાબતે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાએ જોર પકડયું હતું. તાજેતરમાં મધ્યપ્રદેશ સરકારે આ અંગે નિર્ણય લીધા બાદ પોલીસ તે દિશામાં પહેલ કરશે કે કેમ તે અંગે સોશિયલ મીડિયામાં પણ ચર્ચા થઈ રહી હતી. દરમિયાન, આજે સુરત શહેર પોલીસ કમિશનર સતિષ કુમાર શર્માએ નિર્ણય લીધો હતો કે શહેર પોલીસમાં ફરજ બજાવતા પીઆઈ અને પીએસઆઈને અઠવાડિયામાં એક વીકલી ઓફ અપાશે. તે મુજબ દર રવિવારે પીઆઇને વીકલી ઓફ રહેશે અને તે દિવસે પોલીસ સ્ટેશન નો ચાર્જ જે તે પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ અથવા સિનિયર પીએસઆઇ સંભાળશે. આ સેકન્ડ પીઆઇ અથવા સિનિયર પીએસઆઇને રવિવાર સિવાયના દિવસે વીકલી ઓફ મળશે.

ઉપરાંત, જે તે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય તમામ પી.એસ.આઈ.ને રોટેશન મુજબ જુદા જુદા દિવસો નક્કી કરી વીકલી ઓફ આપવાની જવાબદારી જે તે પોલીસ મથકના પીઆઇ ની રહેશે. જોકે, વીકલી ઓફના દિવસે પીઆઈ કે પીએસઆઈ હેડક્વાર્ટર છોડી શકશે નહીં તેમજ કોઈ રજા સાથે વીકલી ઓફના દિવસને જોડી શકશે નહીં. આ અંગે પોલીસ કમિશનર સતીશકુમાર શર્માનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે સુરતમાં આ પ્રથમ વખત થઈ રહ્યું છે પરંતુ તેઓ જ્યારે વડોદરાના પોલીસ કમિશનર પદે હતા ત્યારે તેમણે વડોદરા પોલીસમાં આ નિર્ણય લીધો હતો.

એક દિવસ આરામ મળે તે હેતુથી નિર્ણય

પીઆઈ અને પીએસઆઈને રજા પગાર મળતો નથી તેથી રજાના દિવસોમાં તેઓ કામ કરે તો તેમને એક દિવસ આરામ મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. જોકે, સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતા પીઆઇ અને પી.એસ.આઇ આ નિર્ણયથી ખુશ તો છે પરંતુ તેનો સંપૂર્ણ અમલ થાય તેવું ઇચ્છી રહ્યા છે. પોલીસ કમિશનરનો આ નિર્ણય માત્ર કાગળ ઉપર ન રહે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે.

કોન્સ્ટેબલ, એએસઆઇ માટે વીકઓફ છે પણ લઇ શકતા નથી

પોલીસ કમિશનરના નિર્ણયને પગલે કોન્સ્ટેબલ થી એએસઆઈ સુધીના પોલીસકર્મીઓમાં પણ જુદી જુદી ચર્ચા થઈ રહી છે. તેમને વીકલી ઓફ તો મળે છે. પરંતુ કામના ભારણને લીધે તેઓ તેને લઇ શકતા નથી. આવા પોલીસ કર્મીઓ માટે રજાના દિવસે નોકરી કરે તો રજા પગારની જોગવાઈ પણ છે. પરંતુ તે રકમ મળતા મહિનાઓ નીકળી જાય છે. આવા પોલીસ કર્મીઓની માંગણી છે કે મહિનામાં બે વખત તેમને રજા આપવામાં આવે. જેથી પરિવાર સાથે સમય વિતાવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *