વડોદરામાં મા-દીકરીનાં શંકાસ્પદ મોતનું સામે આવ્યું રહસ્ય: પતિએ જ પત્નીનું ગળું દબાવ્યું અને દીકરીની ઝેર પીવડાવી કરી હત્યા

Published on: 3:15 pm, Wed, 13 October 21

વડોદરા(ગુજરાત): બે દિવસ પહેલાં વડોદરા(Vadodara)ના ન્યૂ સમા રોડ(New Sama Road) ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટી(Chandan Park Society)માં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં રહસ્ય પરથી હાલ પડદો ઊંચકાયો છે. પતિએ જ પત્ની અને પુત્રીની ગળુ દબાવી હત્યા કર્યા બાદ ઝેર પીવડાવી દીધું હોવાની ચોંકાવનારી વિગતોનો ખુલાસો થવા પામ્યો છે. પોલીસ(Police) તપાસમાં માતા-પુત્રી(Mother-daughter)ની બેવડી હત્યા પતિના અન્ય મહિલા સાથે આડા સબંધ, ઘર જમાઇ તરીકે રહેવાની મજબૂરી તેમજ પત્નીની અજુગતી માંગણીઓ જેવાં વિવિધ કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સમા પોલીસ દ્વારા પત્ની અને પુત્રીની હત્યા કરીને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમા પોલીસ મથકમાંથી મળેલી માહિતી મુજબ, આ પટેલ પરિવાર પંચમહાલના નાંદરવાનો છે. જ્યારે તેજસનું વતન ત્યાંથી 15 કિલોમીટરના અંતરે આવેલું એરંડી ગામ છે. લગ્ન બાદ તેજસ શોભનાના ઘરે ઘર જમાઇ તરીકે રહેતો હતો. આ ઉપરાંત, તેજસને નોકરી પણ શોભનાના ભાઇએ અપાવી હતી. તેજસને ઘર જમાઇ તરીકે રહેવું ગમતું ન હતું. પરંતુ, પત્ની શોભનાની જીદના કારણે તેને મજબૂરીથી રહેવું પડતું હતું. પત્નીની અજુગતી માંગણીઓ વધુ પડતા ખર્ચા કરાવતી હોવાથી બંને વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતાં હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગત બહાર આવી છે કે, તેજસને અન્ય મહિલા સાથે આડા સબંધ હોવાની જાણ થતાં ઝઘડાઓ શરૂ થયા હતા.

ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં માતા-પુત્રીનાં શંકાસ્પદ મોતના બનાવમાં પોલીસ હત્યાની થિયરી પર તપાસ કરી રહી છે. પોલીસની ટીમો દ્વારા મંગળવારની મોડી રાત સુધી મહિલાનાં પતિ અને પરિવારજનોની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેજસ પટેલ ભાંગી પડ્યો હતો અને તેણે પત્ની શોભના તથા પુત્રી કાવ્યાની ગળુ દબાવી હત્યા કર્યા બાદ ઉંદર મારવાની દવા પીવડાવી દીધી હોવાની કબુલાત કરી હતી.

અહી ઉલ્લેખનીય છે કે, શહેરના ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં 36 વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા પટેલ રવિવારે રાત્રે 12 વાગે ગરબા રમીને ઘરે આવ્યાં હતાં. ત્યારબાદ બંનેની તબિયત બગડતાં પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તબીબ દ્વારા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. માતા-પુત્રીનાં શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ તાતકાલીક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા માતા-પુત્રીના રહસ્યમય મોતના બનાવમાં મહિલાના ગળામાં ઇજાના નિશાન હોવાથી આ રહસ્યમય મોતનો ભેદ ઉકેલવા માટે પેનલ પોષ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું તેમજ વીસેરા પણ લેવામાં આવ્યા હતા. પોષ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટમાં પતિ તેજસ પટેલ દ્વારા પત્ની શોભના અને પુત્રી કાવ્યાનું ગળું દબાવ્યા બાદ ઝેર પીવડાવી દેવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા પત્ની અને પુત્રીની બેવડી હત્યા કરનાર પતિ તેજસ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.