દેશના લાખો યુવાનોને PM મોદીની મોટી ભેટ- આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકાર 10 લાખ લોકોને રોજગારી આપશે

Published on: 11:59 am, Tue, 14 June 22

રોજગારના મુદ્દે અવારનવાર વિપક્ષી પાર્ટીઓના સવાલોનો સામનો કરતી મોદી સરકારે જવાબ આપવાનો પ્લાન તૈયાર કર્યો છે. કેન્દ્ર સરકારના વિભાગો અને મંત્રાલયોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે PM મોદીએ મિશન મોડમાં ભરતી અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર આગામી દોઢ વર્ષમાં તેના વિવિધ વિભાગોમાં 10 લાખ ભરતી કરશે.

પીએમઓ ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘PM નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે આદેશ આપ્યો છે કે આગામી દોઢ વર્ષમાં 10 લાખ ભરતી મિશન મોડમાં કરવામાં આવે.

મોટાભાગની ભરતી કેન્દ્રના આ સરકારી વિભાગોમાં થશે –
મોટાભાગની ખાલી જગ્યાઓ કેન્દ્રના મુખ્ય મંત્રાલયો અને વિભાગો જેમ કે પોસ્ટ, ડિફેન્સ (સિવિલ), રેલવે અને રેવન્યુમાં છે. રેલવેમાં લગભગ 15 લાખની મંજૂર પોસ્ટની સામે, લગભગ 2.3 લાખ પોસ્ટ ખાલી છે. સંરક્ષણ (નાગરિક) વિભાગમાં આશરે 6.33 લાખ કર્મચારીઓની મંજૂર સંખ્યા સામે લગભગ 2.5 લાખ જગ્યાઓ ખાલી છે. તેવી જ રીતે પોસ્ટ વિભાગમાં કુલ 2.67 લાખની મંજૂર સંખ્યા સામે લગભગ 90,000 જગ્યાઓ ખાલી છે, જ્યારે મહેસૂલ વિભાગમાં, 1.78 લાખ કર્મચારીઓની કુલ મંજૂર સંખ્યા સામે લગભગ 74,000 જગ્યાઓ છે.

કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, “સ્ટાફની તીવ્ર અછતને કારણે કેટલાક વિભાગોના કામને અસર થઈ રહી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન, કોરોના રોગચાળાને કારણે, નવી ભરતીની પ્રક્રિયાને અસર થઈ છે, જ્યારે કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની મંજૂર સંખ્યા પણ વધારવામાં આવી છે. આ ખાલી જગ્યાઓ ભર્યા બાદ કેન્દ્ર પાસે વિપક્ષના સવાલોના જવાબ હશે.

2020માં જ કેન્દ્રમાં 9 લાખ સરકારી જગ્યાઓ ખાલી હતી –
કેન્દ્રીય કર્મચારી અને તાલીમ મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે ગયા વર્ષે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે 1 માર્ચ, 2020 સુધીમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 8.72 લાખ જગ્યાઓ ખાલી હતી. હાલમાં, આ આંકડો વધી શકે છે. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર પદો છે, જેમાંથી હાલમાં 31 લાખ 32 હજાર પદો પર નિયુક્તિ છે. આ રીતે 8.72 લાખ જગ્યાઓ પર ભરતીની જરૂર છે. એટલું જ નહીં, 2016-17 થી 2020-21 દરમિયાન ભરતીનો ડેટા આપતા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે SSC દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓ દ્વારા 2,14,601 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. આ સિવાય RRB દ્વારા 2,04,945 એપોઇન્ટમેન્ટ આપવામાં આવી છે. જ્યારે UPSC એ 25,267 ઉમેદવારોની પસંદગી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.