સામાન્ય ખેડૂત પરિવારની દીકરી જાતમહેનતથી પોલીસ ઇન્સ્પેકટર બની માતા પિતાનું નામ રોશન કર્યું

Published on Trishul News at 5:06 PM, Wed, 23 November 2022

Last modified on November 23rd, 2022 at 5:06 PM

જે લોકોને જીવનમાં પોતાનું લક્ષ્ય(target) હાંસલ કરવું હોય છે, તેઓ ગમે તેટલી અડચણો આવવા છતાં પણ પોતાના લક્ષ્ય સુધી પહોચતા હોય છે. ત્યારે હાલ આપણે આવી જ એક દીકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મૂળ સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ધ્રાંગધ્રા(Dhrangadhra) પથંકની અને છેલ્લા થોડા વર્ષોથી કચ્છ (Kutch)માં નોકરી કરતી ખેડૂત પુત્રી પોલીસ ઇન્સ્પેક્ટર(Police Inspector) બની છે. ખેતી સાથે જોડાયેલા પરિવારની પુત્રી પોલીસ ઇન્સ્પેક્ટર બની મહિલાઓ અને બાળકો વિરૂદ્ધ થતાં ગુના અટકાવવાની ઈચ્છા ધરાવે છે.

મળતી માહિતી અનુસાર, કુંદનબેન ગઢવી મૂળ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના વતની છે. તેઓ છેલ્લા બે વર્ષથી કચ્છમાં આઇ.સી.ડી.એસ.શાખામાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ, તેઓને બાળપણથી પોલીસમાં જોડાવાનો જુસ્સો હતો. તેથી આ સ્વપ્ન સાકાર કરવા તનતોડ મહેનત કરી અને ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 2ની પરીક્ષા પાસ કરી પોલીસ ઇન્સ્પેકટર બન્યા છે. આ રીતે સખત મહેનત દ્વારા તેઓએ પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે.

કુંદનબેનના જણાવ્યા અનુસાર, તેઓને બાળપણથી જ પોલીસ વિભાગમાં જોડાઈ દેશની સેવા કરવાનું સ્વપ્ન હતું. બાળપણમાં જ્યારે પોલીસની પરેડ થતી હોય ત્યારે હંમેશા એક ઈચ્છા જાગતી કે, જો હું પણ પોલીસમાં હોઉં તો એક સારી લીડર બની વિભાગને ગાઈડ કરી શકું.

વધુમાં કુંદનબેને જણાવ્યું હતું કે, ગાંધીધામમાં બે વર્ષ આઇ.સી.ડી.એસ. શાખામાં ફરજ બજાવતા ત્યારે બાજુમાં જ પોલીસ અધિક્ષકની કચેરીમાં પોલીસ કર્મીઓને પોતાનું કામ કરતા જોઈ ખાખી વર્દીની નોકરી પ્રત્યે આકર્ષાઇ હતી. આઈ.સી.ડી.એસ. શાખામાં ફરજ બજાવ્યા બાદ હવે પોલીસ વિભાગમાં હું મહિલાઓ અને બાળકો માટે ખૂબ સારી કામગીરી કરી શકીશ. આપણા દેશમાં થતાં જુવેનાઇલ ક્રાઈમ અને બાળકો પ્રત્યે થતાં ક્રાઇમ હું અટકાવી શકું તે તરફ પ્રયાસો કરીશ.

જાણવા મળ્યું છે કે, કુંદનબેન ગઢવીનો પરિવાર અનેક વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો છે. તેમનો પરિવાર પોતાના વતન ધ્રાંગધ્રાના પીપળી ગામે ખેતીવાડી સંભાળે છે. પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ કુંદનબેને પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી હતી. 2018માં પરીક્ષા આપ્યા બાદ ઇન્ટરવ્યૂ રાઉન્ડ સુધી પહોંચ્યા હતા. એટલે બીજી વખત ભરતી આવતા ફરી અથાગ મહેનતથી તૈયારી કરી ઇન્ટરવ્યૂ પણ પાસ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સામાન્ય ખેડૂત પરિવારની દીકરી જાતમહેનતથી પોલીસ ઇન્સ્પેકટર બની માતા પિતાનું નામ રોશન કર્યું"

Leave a comment

Your email address will not be published.


*