સુરતમાં ભરબજારે માથાભારે વ્યક્તિએ યુવતીના કપડાં ફાડ્યા, વાંચો પુરી ખબર

Published on: 3:49 am, Sun, 20 January 19

સુરતમાં અવારનવાર ગુંડાગીરી, છેડતી ના કેસ વધી રહ્યા છે ત્યારે બેફામ બનેલા ગુંડાતત્વો  લિંબાયત ગોપાલ નગરમાં ઉતરાયણની સાંજે મોટી બહેન અને પિતરાઈ બહેન સાથે પાણીપુરી ખાવા ગયેલી યુવતીને ચાર યુવાનોએ પાણીપુરી ખાવા કેમ આવી તેમ કહી ઝઘડો કર્યા બાદ એક યુવાને સરેઆમ છેડતી કરતા તેના કપડા ફાડી નાખ્યા હતા. આ અંગે જાણ થતાં યુવતીના પરિવારજનો દોડી આવતા તેમના પર પણ હુમલો કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લિંબાયત વિસ્તારમાં માતા-પિતા અને પરિવારજનો સાથે રહેતી તેમજ કડિયા કામ કરતી ૨૨ વર્ષીય નિર્ભયા (નામ બદલ્યું છે) ગત ૧૪ મીના રોજ ઉતરાયણની રજા હોય સાંજે મોટી બહેન અને મામાની દીકરી સાથે ગોપાલ નગરમાં શાકભાજી લેવા ગઈ હતી.

શાકભાજી ખરીદી ત્રણેય પાણીપુરી ખાવા માટે ઊભી હતી તે સમયે સ્થાનિક માથાભારે યુવાન ભોલારામે નિર્ભયા ને પૂછયું હતું કે તું પાણીપુરી ખાવા કેમ આવી? નિર્ભયાએ તેને વળતો જવાબ આપતાં તેણે ઝઘડો કર્યો હતો. તે સમયે ત્યાં હાજર અન્ય માથાભારે યુવાનો પૈકી મિથુને નિર્ભયાને ઝાપટ મારતા નિર્ભયાએ તેને પણ ઝાપટ મારી દીધી હતી.

અન્ય યુવાન રાકેશે સરેઆમ છેડતી કરતા નિર્ભયાના કપડાં ફાડી નાખ્યા હતા.આથી નિર્ભયાની મામાની દીકરી ઘરે દોડી ગઇ હતી અને બનાવની જાણ કરતા તમામ પરિવારજનો ગોપાલ નગરમાં દોડી આવ્યા હતા. ત્યાં હાજર અન્ય યુવાન પ્રભાકરે પરિવારજનો સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો અને બાદમાં તમામ ફરાર થઈ ગયા હતા.

શરૂઆતમાં આ બનાવ અંગે નિર્ભયાએ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ પરિવારજનો અને કોન્ટ્રાક્ટરે હિંમત આપતા આખરે ગતરોજ ચારેય યુવાનો વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઇ એ બી ચૌધરી કરી રહ્યા છે.