’કમળ’ ડિટર્જન્ટનો ચમત્કાર; કાળામાં કાળા ધબ્બા દૂર કરે છે !

Published on: 10:53 am, Thu, 20 May 21

પૂર્વ IPS રમેશ સવાણી: CBIએ 17 મે 2021 ના રોજ, પશ્ચિમ બંગાળના TMCના 4 નેતાઓને કોલકાતા ખાતે એરેસ્ટ કર્યા છે. 2016 માં TMCના 6 નેતાઓ લાખો રુપિયાની લાંચ લેતા સ્ટિંગ ઓપરેશનમાં કેમેરા સામે ઝડપાઈ ગયા હતા. આ સ્ટિંગ ઓપરેશન પત્રકાર મેથ્યૂ સેમ્યુઅલે કર્યું હતું; જે નારદ ઘૂસકાંડ તરીકે ઓળખાય છે. TMC ના ચાર MLAને એરેસ્ટ કરવા ગવર્નરે CBIને અનુમતિ આપી હતી; પરંતુ પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ બિમાન બંદોપાધ્યાયએ કહ્યું છે કે ‘MLAને એરેસ્ટ કરતા પૂર્વે અધ્યક્ષની મંજૂરી લેવી જોઈએ, નહીં કે બીજેથી. તેથી CBIએ કરેલ અટકાયત ગેરકાનૂની છે !’

સવાલ એ છે કે 6 નેતાઓમાંથી માત્ર 4 નેતાઓને CBIએ કેમ એરેસ્ટ કર્યા? 2 નેતાને શામાટે એરેસ્ટ ન કર્યા? ચાર MLA માંથી મદન મિત્ર અને શોભન ચટ્ટોપાધ્યાય TMC છોડી સત્તાપકક્ષમાં (એટલે કેન્દ્રનો સત્તાપક્ષ) જોડાયા હતા; પરંતુ સત્તાપક્ષને છોડીને ફરી TMCમાં પરત ફરી ચૂંટણી જીત્યા હતા. એટલે દાઝ કાઢી હશે? સ્ટિંગ ઓપરેશન કરનાર મેથ્યૂ સેમ્યુઅલ કહે છે કે “મેં 6 નેતાઓને લાંચ પેટે રુપિયા આપ્યા હતા; છતાં CBIએ ‘સીલેક્ટિવ’ એરેસ્ટની કાર્યવાહી કેમ કરેલ છે? બધાને એરેસ્ટ કેમ કરેલ નથી?” જે બે નેતાને એરેસ્ટ નથી કર્યા તેના નામ છે; શુભેન્દુ અધિકારી અને મુકુલ રાય. આ બન્ને નેતાઓ TMC છોડીને સત્તાપક્ષમાં પ્રવેશ મેળવી લીધો હતો એટલે સત્તાપક્ષના ‘કમળ’ ડિટર્જન્ટથી બન્ને એકદમ સાફસુથરા થઈ ગયા હતા ! ચમત્કારિક ‘કમલ’ વોશિંગ પાવડરનો સ્પર્શ થતાં જ અતિ ભ્રષ્ટ નેતા પણ દેવદૂત બની જાય છે ! CBI તેને એરેસ્ટ કઈ રીતે કરી શકે?

વડાપ્રધાન દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરશે, એવી લોકોને અપેક્ષા હતી; પરંતુ ભ્રષ્ટાચાર દૂર કરવાને બદલે ભ્રષ્ટાચારને વધુ વ્યાપક બનાવી રહ્યા છે ! શુભેન્દુ અધિકારી કેમેરા સામે પાંચ લાખ રુપિયા લેતા પકડાઈ ગયો છે; છતાં CBI તેને એરેસ્ટ કરતી નથી ! સ્ટિંગ ઓપરેશનની વીડિયોગ્રાફી અંગે FSL કહે છે કે વીડિઓ સાચો છે. 3 નવેમ્બર 2017 ના રોજ મુકુલ રાય સત્તાપક્ષમાં જોડાઈ જતાં CBIએ તેને બચાવવા તપાસ ધીમી કરી દીધી હતી ! CBIની હાલત વિચિત્ર થઈ ગઈ છે ! હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના CM હતા; હાલના ગૃહપ્રધાનને CBIએ એરેસ્ટ કરેલ અને સુપ્રિમકોર્ટે તેમને ગુજરાતમાંથી તડીપાર કરેલ ત્યારે તેમણે આક્ષેપ કર્યો હતો કે CBI એટલે ‘કોંગ્રેસ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન !’ સુપ્રિમકોર્ટે CBIને ‘પિંજરનો પોપટ’ કહેલ ! અને હવે, વડાપ્રધાન CBI નો ઉપયોગ જાણે ‘પક્ષની નોકરાણી’ હોય તે રીતે કરે છે !

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.