કોરોના વાયરસને લઈને તમારા મનમાં રહેલા દરેક સવાલોના જવાબ આ લેખમાં મળી જશે- જાણો કોરોનાનું સાચું માયાજાળ

વિશ્વના 50 ટકા લોકો કોરોનાથી સંક્રમિત નહીં થાય અને દર્દીને કોરોના ફરી ઉથલો નહીં મારે એની કોઇ ગેરંટી નથી- એવાં અનેક રહસ્યો વચ્ચે વિજ્ઞાનીઓ જેમ…

વિશ્વના 50 ટકા લોકો કોરોનાથી સંક્રમિત નહીં થાય અને દર્દીને કોરોના ફરી ઉથલો નહીં મારે એની કોઇ ગેરંટી નથી- એવાં અનેક રહસ્યો વચ્ચે વિજ્ઞાનીઓ જેમ સંશોધનમાં આગળ વધે છે તેમ આ મહામારીના તાણાંવાણાં વધુ ગૂંચવાતા જાય છે. લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે. સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. છેલ્લા છ મહિનામાં ૧.૬ કરોડ લોકો આ રોગથી સંક્રમિત થયા છે અને ૬,૩૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં ૪૫,૦૦૦ની એવરેજ પર પ્રતિદિન કેસ નોંધાઈ રહ્યા છે અને આજદિન તક ૧૩ લાખથી વધારે કેસો નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક ૩૨,૦૦૦ને સ્પર્શી ચુક્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે એક તરફ કોરોનાની વેક્સિન ક્યારે આવશે? શું ખરેખર ભારતમાં હર્ડ ઇમ્યુનિટી આવી ચુકી છે કે આવશે? તેની સંભાવના કેટલી છે? કોવિડના દર્દીને ફરી પાછો ચેપ ન જ લાગે એવી કોઈ ગેરંટી ખરી? એક જ પરિવારનાં છ લોકો પૈકી બે સંક્રમિત થાય છે અને ચાર કેમ સંક્રમિત નથી થતા? જો કોરોનાની રસી ખરેખર શોધાઈ પણ જાય તો સમગ્ર દેશના તમામ ૧૩૫ કરોડ વસતીને રસી આપી શકાય ખરી? કેટલા ટકા લોકોને ચેપ લાગે તો ખરેખર હર્ડ ઇમ્યુનિટી આવે?…

ઉપરોક્ત તમામ પ્રશ્નોના સાચા ઉત્તરો હજી કોઈની પાસે ઉપલબ્ધ નથી. કોરોનાનું સંશોધન જેમ-જેમ આગળ વધતું જાય છે તેમ રહસ્યોના તાણાવાણા વધુને વધુ ગૂંચવાતા જાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચથી માંડીને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતા આંકડાઓ અને માહિતીની વિશ્વસનીયતા ક્યારેક શંકા-કુશંકા ઉપજાવે છે, કારણ કે આ સંસ્થાઓ ક્યારેક વિરોધાભાસી નિવેદનો પણ કરી નાખે છે. હમણાં ભારતમાં ૧૦ લાખ કેસ નોંધાયા બાદ હવે કહેવામાં આવે છે કે N-95 માસ્ક ન પહેરવું જોઈએ. નવાઇની વાત એ છે કે એક જમાનામાં કેટલીક રાજ્ય સરકારો ખુદ આ માસ્કનું વેચાણ જાહેર વિતરણ વ્યવસ્થાના ભાગરૂપે કરતી હતી. એટલું જ નહીં, મોટાભાગના મંત્રીઓ, સરકારી બાબુઓ અને પદાધિકારીઓ N-95 માસ્ક ધારણ કરીને ફરવામાં પોતાનું ગૌરવ સમજતા હતા. આવા અનેક વિરોધાભાસોનાં ઉદાહરણો આપી શકાય છે, પરંતુ એ ચર્ચામાં પડ્યા સિવાય કોરોના અંગેનાં રસપ્રદ સંશોધનો અને આવનારી પરિસ્થિતિ અંગેની અટકળો અને આગાહીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ મુનાસિબ રહેશે.

કોરોનાનો કોયડો હજી વણઉકેલાયેલો છે ત્યારે એક તરફ આ વાયરસના વ્યાપની આક્રમકતા વધી રહી છે, કેસની સંખ્યા વધી રહી છે, પરંતુ સાથોસાથ મૃત્યુઆંકની ટકાવારી એકંદરે ઘટી રહી છે. વાયરસથી શરીર પર થતી અસરની તીવ્રતા પણ ઘટી રહી છે. સાથોસાથ ઇન્ફેક્શન ટુ મોર્ટાલિટી અને કેસ ટુ મોર્ટાલિટીનો રેશિયો પણ ઘટી રહ્યો છે – એમ કોરોનાની સારવાર કરતા ડોક્ટરો માની રહ્યા છે ત્યારે આ વિષયના નિષ્ણાત ડોક્ટર અને પ્રોફેસર દિલીપ માવળંકર કહે છે કે ભારતમાં ખાસ કરીને દિલ્હી, મુંબઈ અને ગુજરાતમાં વૃદ્ધાશ્રમમાં જવલ્લે જ કોઇ વડીલનું મૃત્યુ કોરોનાને પગલે થયું છે. જો ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર કોરોના વાયરસની અસર સૌથી વધુ થતી હોય તો ગુજરાતના ૬,૦૦૦ HIV પોઝિટિવ દર્દીઓ પૈકી માત્ર ૧૯ને કોરોનાની અસર થઈ છે. સાથોસાથ થેલેસેમિયાની ટ્રીટમેન્ટ લેતા દર્દીઓમાં પણ કોરોનાનું સંક્રમણ નહીંવત્ જણાય છે. જ્યારે કેન્સરના દર્દીઓમાં કોરોનાની સંખ્યા જોવા મળી છે. આ ઉદાહરણ આપીને ડો.માવળંકર ઉમેરે છે કે દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ કોરોનાના સંદર્ભમાં અલગ-અલગ હોઈ શકે છે. એક જ પરિવારમાં સાથે રહેતા સભ્યો પૈકી ૫૦ ટકા સભ્યો કોરોનાથી સંક્રમિત થતાં નથી તેનું કારણ વ્યક્તિગત રોગપ્રતિકારક શક્તિ હોઇ શકે છે.

ટૂંકમાં, કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી કોરોનાની વેક્સિન ન શોધાય કે એન્ટી-વાયરલ ડ્રગ ઉપલબ્ધ ન થાય કે સાચા અર્થમાં હર્ડ ઇમ્યુનિટી ન આવે ત્યાં સુધી કોરોનાથી શી રીતે બચવું એ વ્યૂહરચના યાને માસ્ક, સેનેટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સ સિવાય કોઈ આરો-ઓવારો નથી – એ વાસ્તવિકતાનો પુનરોચ્ચાર કરીને ઉપલબ્ધ ડેટા જોઈએ તો દિલ્હીમાં ૨૦ ટકા લોકો સંક્રમિત થયા હોવાનું એક સર્વેક્ષણ કહે છે. જો આ સાચું હોય તો બે કરોડની વસતી ધરાવતા દિલ્હીમાં કમ-સે-કમ ૪૦ લાખ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવો જોઈએ કે સંક્રમિત થયા હોવા જોઈએ. અલબત્ત, આ તમામ અટકળો મેથેમેટિકલ મોડેલ્સના આધારે થઈ રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથન કહે છે કે સાચા અર્થમાં હર્ડ ઇમ્યુનિટીને આવતાં લાંબો સમય નીકળી જશે અને કમ-સે-કમ ૫૦થી ૬૦ ટકા વસતી સંક્રમિત ન થાય ત્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી આવતી નથી. સામા પક્ષે અમદાવાદના સેન્ટ્રલ ઝોનનું ઉદાહરણ આપતાં તજજ્ઞો કહે છે કે અમદાવાદમાં સૌથી વધુ કેસ શરૂઆતના તબક્કામાં આ વિસ્તારમાં નોંધાયા હતા અને હવે આ ઝોનમાં કેસની સંખ્યા નહિવત્ છે. બલકે, પૂર્વ અમદાવાદમાં પણ પશ્ચિમની સરખામણીમાં કેસની ટકાવારી ઘટી ચૂકી છે.

અમદાવાદમાં હવે ટેસ્ટિંગનું પ્રમાણ પણ ખાસ્સું વધ્યું છે, છતાં પણ નોંધાતા કેસોની ટકાવારી અમદાવાદમાં ઘટી રહી છે. જ્યારે સુરત તથા સૌરાષ્ટ્રમાં કેસોની સંખ્યા વધી રહી છે. ટૂંકમાં, અમદાવાદના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં હર્ડ ઇમ્યુનિટી આવી ચુકી છે – એમ માનવાને પુરતાં કારણો છે – એવું તજજ્ઞોનું એક જૂથ માની રહ્યું છે. અલબત્ત, હર્ડ ઇમ્યુનિટીના મુદ્દે વાદ-વિવાદ ચાલતો રહેશે, પરંતુ હર્ડ ઇમ્યુનિટી માત્ર અમદાવાદના સેન્ટ્રલ ઝોન પુરતી સીમિત રહે એનાથી સમગ્ર ગુજરાતનું કલ્યાણ થતું નથી – એ પણ એક વાસ્તવિકતા છે. ટૂંકમાં, કોરોનાના કહેરને અંકુશમાં શી રીતે લાવી શકાય? કોરોનાના કેલિડોસ્કોપમાં પ્રતિદિન નવા પડકારો જોવા મળે છે. નવાં સંશોધનો થાય છે ત્યારે કેટલાંક પોઝિટિવ તારણોની સાથે ચિંતાજનક ઘટનાક્રમ પણ જોવા મળે છે. દા.ત. કોરોનાનાં દર્દીઓમાં હૃદયરોગ તથા શ્વાસ લેવાની તકલીફો વધી રહી છે તથા આ રોગમાં એન્ટી-બોડી ઉત્પન્ન થવા છતાં ફરીથી ઉથલો નહીં મારે તેની કોઈ ગેરંટી અપાય તેમ નથી, કારણ કે આ વાયરસ નવો છે અને બ્રિટનમાં થયેલાં સંશોધનો અનુસાર ૯૦ દિવસ બાદ એન્ટી-બોડી પ્રમાણમાં ઓછા થયા છે અને વાયરસની તીવ્રતા વધી છે – એવા પણ કેટલાક દર્દીઓ જોવા મળે છે. સાથોસાથ વાયરસના મ્યૂટેશન્સ એટલે કે સ્વરૂપ અને વાયરસમાં પ્રોટીનનું બંધારણ પણ બદલાઇ રહ્યું છે, જેને કારણે વિભિન્ન દેશમાં તેની અસર અને આડઅસર અલગ-અલગ જોવા મળે છે.

દિલ્હીમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર બે મહિનામાં બીજી વાર કોરોનાથી સંક્રમિત થતાં દિલ્હીનું વહીવટીતંત્ર ચોંકી ઊઠ્યું છે, કારણ કે અત્યાર સુધી બ્રિટન, સ્પેન અને સાઉથ કોરિયાથી આ પ્રકારના અહેવાલો આવતા હતા, પરંતુ ભારતમાં એવું મનાતું હતું કે કોવિડની એન્ટી-બોડી શરીરમાં ડેવલપ થઈ ગયા બાદ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે અને જેને કારણે વાયરસ જો શરીરમાં પ્રવેશે તો આ એન્ટી-બોડી તેને ડી-એક્ટિવેટ કરી નાખે છે. પરિણામે વ્યક્તિને કોરોનાનું સંક્રમણ લાગે તેવી શક્યતા રહેતી નથી. આ થીયરીને કોરોના વાયરસ ખોટું પાડી રહી છે. એક અભ્યાસ સૂચવે છે કે ત્રણથી ચાર મહિના બાદ કેટલીક વ્યક્તિમાં એન્ટી-બોડી ન્યૂટ્રલાઇઝ થઈ જાય છે. લંડનના તબીબી વિજ્ઞાનીઓ આ અંગે ઊંડાણપૂર્વક સંશોધન પણ કરી રહ્યા છે. અલબત્ત, રોગપ્રતિકારક શક્તિ એટલે માત્ર એન્ટી-બોડી જ નહીં. ભારતમાં દિલ્હી અને અમદાવાદ સહિત અન્ય શહેરોમાં થયેલો સીરો-સર્વેક્ષણ કહે છે કે એવા સંખ્યાબંધ વ્યક્તિઓ જોવા મળે છે કે જેમને કોરોનાનો ચેપ લાગ્યો હશે, પરંતુ તેઓને એની પ્રતીતિ થઈ નહોતી, પરંતુ જ્યારે એન્ટી-બોડી ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે એ વ્યક્તિમાં કોરોના સામેની એન્ટી-બોડી ઉત્પાદિત થઈ હતી, જે સૂચવે છે કે આ વ્યક્તિ નિકટના ભૂતકાળમાં કોરોનાથી સંક્રમિત થયો હોવો જોઈએ. યુકે અને યુએસએનાં સંશોધનો સૂચવે છે કે કોરોનાનું સંક્રમણ થાય ત્યારબાદ ૨૦થી ૩૦ દિવસ સુધી તે પીક પર એટલે કે ચરમસીમાએ પહોંચે છે, પરંતુ ત્યારબાદ અમુક વ્યક્તિઓમાં એન્ટી-બોડીનું પ્રમાણ ઘટી પણ શકે છે. ટૂંકમાં, એન્ટી-બોડીએ જે-તે વ્યક્તિ માટે વેક્સિનનું કામ કરે એ જરૂરી નથી. હવે નવાઇની વાત એ છે કે વેક્સિન શોધવાનો સૌથી મોટો આધાર એન્ટી-બોડી પર રહેલો છે ત્યારે વિજ્ઞાનીઓને વેક્સિન બનાવતી વખતે આ મુદ્દો ગૂંચવી રહ્યો છે. તજજ્ઞો કહે છે કે રોગપ્રતિકારક શક્તિ એટલે કે વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમમાં એન્ટી-બોડી ઉપરાંત T સેલ્સ-કોષો પણ હોય છે. જે વાયરસ માટે ઘાતક થઈ શકે છે.

ટૂંકમાં એન્ટી-બોડી ચેપને અટકાવવાનું કામ કરે છે. જ્યારે T સેલ્સ વાયરસને ખતમ કરવાનું કામ કરે છે. માટે તેઓને કિલર T સેલ્સ તરીકે પણ ઓળખાય છે, અર્થાત્ રોગપ્રતિકારક શક્તિ દરેક વ્યક્તિમાં અલગ-અલગ સ્વરૂપે હોઈ શકે. કેટલાંક ઇન્ફેક્શનમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ મેમરી સેલ્સ ઉત્પન્ન કરે છે, જે જરૂર પડ્યે વાયરસના પુન:સંક્રમણ સામે ઝડપથી એન્ટી-બોડી ડેવલપ કરવાનું કાર્ય કરે છે. અલબત્ત, તબીબી વિજ્ઞાન પાસે હજી રોગપ્રતિકારક શક્તિ અંગે નક્કર કહી શકાય એવા ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ પ્રારંભિક અભ્યાસ ઉત્સાહિત કરે છે કે લાંબા ગાળે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વિકસે એવું મિકેનિઝમ વેક્સિનની દૃષ્ટિએ બનાવવામાં તબીબોને સફળતા મળશે. અત્યારે વિશ્વની ૨૦૦ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ કોરોનાની વેક્સિન બનાવી રહી છે. યુકે, ચીન, ઇઝરાયલ, ફ્રાન્સ, જર્મની અને અમેરિકાની કેટલીક ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ એડવાન્સ્ડ ટ્રાયલ પર પહોંચી ગઇ છે. ભારતમાં પણ હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ગયો છે ત્યારે કોરોનાની મહામારી સામે વેક્સિન, એન્ટી-વાયરલ ડ્રગ, પ્લાઝમા થેરાપી અને એન્ટી-બોડી ડેવલપમેન્ટનું મિકેનિઝમ દિવાળી સુધી હાથવગું બનશે એવી આશા છે. જેથી, આવનારું વર્ષ સુધરે…લાખો નિરાશામાં ખરેખર અમર આશા છુપાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *