લાખો હરિભક્તોએ ઉજવ્યો વિરલ સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનો જન્મદિવસ, જાણો વિગતે

ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર તથા વૈશ્વિક પ્રદાન કરનાર મહાન સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો 98મો ભવ્ય જન્મજયંતી મહોત્સવ 4 ડીસેમ્બર, બુધવારે નવી મુંબઈના નેરુલ સ્થિત ડી.વાય. પાટીલ…

ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર તથા વૈશ્વિક પ્રદાન કરનાર મહાન સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો 98મો ભવ્ય જન્મજયંતી મહોત્સવ 4 ડીસેમ્બર, બુધવારે નવી મુંબઈના નેરુલ સ્થિત ડી.વાય. પાટીલ સ્ટેડિયમ ખાતે ઉજવવામાં આવ્યો છે. ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાયેલા આ મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 60 હજારથી વધારે ભક્તો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિશ્વભરમાંથી 750 જેટલા સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા.

સાંજે 5.30 વાગ્યે ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ અને સંતો-યુવકોના કલાવૃંદની કીર્તન-ભક્તિથી કાર્યક્રમનો શુભારંભ થયો. સતત ત્રણ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વના ઉત્કર્ષ માટે આપેલા યોગદાનને વિશિષ્ટ રીતે પ્રસ્‍તુત કરવામાં આવ્યું હતું. વ્યક્તિ, પરિવાર અને સમાજની સળગતી સમસ્યાઓ અને વૈશ્વિક પડકારોના સમાધાન આપનારા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સ્પર્શથી અનેક લોકોનું આમૂલ જીવન-પરિવર્તન થયું હતું. પ્રમુખસ્વામી મહારાજના આ હૃદયસ્પર્શી પ્રભાવની પ્રેરક રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 3000 કરતાં વધારે બાળકો-યુવકોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન-સંદેશને વણી લેતા નૃત્ય-સંવાદની વિશિષ્ટ પ્રસ્‍તુતિ કરી હતી. સાથે સાથે સભાજનોને વીડિયો શો અને વરિષ્ઠ સંતો-મહાનુભાવોનાં મનનીય વક્તવ્યોનો લાભ પ્રાપ્ત થયો હતો.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સ્વાનુભવો વર્ણવ્યા હતા. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વૈશ્વિક મહાપુરુષ હતા, તેઓએ વધુમાં જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં હંમેશા દિવ્ય શાંતિનો અનુભવ થતો. ગમે તેટલા મોટા પ્રશ્નો કેમ ન હોય, પણ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં જતાં તે શમી જતા. તેમનું આવું વ્યક્તિત્વ અનેક લોકોએ અનુભવ્યું છે, અને તેમાંનો હું એક છું. તેઓશ્રીનું કાર્ય આજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ કરી રહ્યા છે. તેમનાં કાર્યો દ્વારા પ્રમુખસ્વામી મહારાજ હંમેશાં આપણી વચ્ચે જ છે.”

પ્રમુખસ્વામી મહારાજના પવિત્ર સ્પર્શથી થયેલા આમૂલ જીવન-પરિવર્તનોના એતિહાસિક સ્વાનુભવો હરિભક્તોએ મંચ પરથી રજૂ કર્યા ત્યારે વાતાવરણ ભાવવાહી બની ગયું હતું. સંસ્થાના વિદ્ઘધાન સંતોએ પણ સ્વામીજીના પ્રેરક અનુભવોની હૃદયસ્પર્શી પ્રસ્‍તુતિ કરી હતી, જેમાં વરિષ્ઠ સંતો પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી સહિતના સંતોનો સમાવેશ થાય છે.

કાર્યક્રમના અંતે બી.એ.પી.એસ. સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યુ હતું, “બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું” આ પ્રમુખસ્વામી મહારાજનો જીવનમંત્ર હતો, તેમના મનમાં 24 કલાક આ જ વિચાર હતો. તેમનું જીવન દિવ્ય હતું. પ્રમુખસ્વામી મહારાજની અહંશૂન્યતાની તુલના કોઈ સાથે ન થઈ શકે. આટલું નિરાળું વ્યક્તિત્વ હોવા છતાં બાળસહજ નિર્દોષ. તેમના યોગમાં જે કોઈ
આવતા તેમને એ દિવ્યતાનો અનુભવ થતો. આપણે પણ તેમના જેવા થઈને અને તેમના જીવનમંત્રને અપનાવીએ.”

આ પ્રસંગે ડી. વાય. પાટીલ સ્ટેડિયમના સૂત્રધાર જ્ઞાનદેવ યશવંતરાવ (ડી.વાય.) પાટીલ તથા તેમના પુત્ર વિજય પાટીલ સહિત અનેક અગ્રગણ્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની ચરમસીમારૂપે ઉપસ્થિત 60,000 કરતાં વધારે સંતો-મહાનુભાવો અને ભક્તોએ ભગવાનની મહાઆરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. આ મહોત્સવને સફળ બનાવવા માટે 10,000 કરતા વધું સ્વંયસેવકોએ દિન-રાત સેવા કરી કરી રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી ઉત્સવ પ્રસંગે મુંબઈના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર(દાદર)ના નેજા હેઠળ અનેક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વ્યસનમુકતિ, વાલીજાગૃતિ, બાળ-યુવા જાગૃતિ વગેરે સેવાકીય કાર્યક્રમ સંપન્ન થયા હતા. એમાંય બાળકો દ્વારા દવાખાનાઓમાં જઈને કરવામાં આવેલી પ્રાર્થના અને યુવાનો દ્વારા જાહેર સ્થાનોની સ્વચ્છતા-સેવા તો પ્રેરણાદાયક હતી.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની પંચવર્ષીય ઉજવણીની ચરમસીમારૂપે સન 2021માં અંતિમ સમારોહ ભવ્યતાથી વડોદરા ખાતે યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *