ખેડૂતો માટે ખુશીના સમાચાર- વિરામ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી, એક સાથે સક્રિય થશે ત્રણ-ત્રણ ‘લો પ્રેશર’

Published on: 5:18 pm, Tue, 2 August 22

ગુજરાત (Gujarat)માં ચોમાસા (Monsoon)ની શરૂવાત જ ધમાકેદાર થઈ હતી. સમગ્ર ગુજરાતમાં મેઘકહેર સર્જાયો હતો. પરંતુ ત્યારબાદ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદે થોડો વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 5–6 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં સારી વરાપ જોવા મળશે અને કોઈક જગ્યાએ સામાન્ય છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 8થી 16 ઓગસ્ટ સુધીમાં રાજ્યનાં વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જો કે 8થી 18 તારીખ સુધીમાં અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવશે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ પણ વરસી શકે છે. તેમજ રાજ્યમાં 5 ઓગસ્ટ પછી વરસાદનું જોર વધતું જશે.

મળતી માહિતી અનુસાર, 7 અને 8 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાંથી બનેલી લૉ પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવતા 8 અને 9 તારીખમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જો કે બીજી સિસ્ટમ ગુજરાતમાં 11 અને 12 તારીખમાં આવશે. જેના કારણે આ સમયગાળા દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. જેના લીધે 13, 14 અને 15 તારીખમાં રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસી શકે છે.

આ સિવાય બંગાળની ખાડીમાંથી બનેલી ત્રીજી સિસ્ટમ 17 તારીખ આજુબાજુ ગુજરાત તરફ આવશે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. આવનાર રાઉન્ડ લાંબો ચાલે તેવું વેધર મોડલો જણાવી રહ્યા છે. ગુજરાતમાં 4 ઓગસ્ટથી લઈ અને 15-20 ઓગસ્ટ સુધીમાં ત્રણ લો-પ્રેસર બને તેવી પૂરી શક્યતા છે. લો-પ્રેસરને કારણે હવે ફરી ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.