આજે ચેન્નઈ અને દિલ્હી ફાઇનલમાં જવા માટે કરશે “કરો યા મરોની જંગ”,જાણો શું છે રણનીતિ.

Published on Trishul News at 2:02 PM, Fri, 10 May 2019

Last modified on June 11th, 2019 at 3:11 PM

ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો મુકાબલો આવતીકાલે શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ સામે થશે,ત્યારે બંને ટીમોની નજર આઇપીએલ-૧૨ની ફાઈનલમાં પ્રવેશવા તરફ રહેશે. ચેન્નાઈની અનુભવી ખેલાડીઓ ધરાવતી ટીમ આઇપીએલના બાર વર્ષના ઈતિહાસમાં આઠમી વખત ફાઈનલમાં પ્રવેશવાની આશા રાખી રહી છે. જ્યારે ગાંગુલી-પોન્ટિંગ જેવા અનુભવી લેજન્ડના માર્ગદર્શનમાં યુવા અને અનુભવી ખેલાડીઓનુું કોમ્બિનેશન ધરાવતી દિલ્હી કેપિટલ્સની ટીમને આઇપીએલના ઈતિહાસની સૌપ્રથમ ફાઈનલની તલાશ છે.

વિશાખાપટ્ટનમાં આવતીકાલે સાંજે ૭.૩૦ વાગ્યાથી ક્વોલિફાયર ટુ તરીકે ઓળખાતી બીજી ‘સેમિ ફાઈનલ’ રમાશે. દિલ્હી કેપિટલ્સે હાઈવોલ્ટેજ એલિમિનિટેરમાં આખરી એક બોલ બાકી હતો, ત્યારે હૈદરાબાદને બે વિકેટથી પરાજય આપ્યો હતો. હવે ઐયરની યુવા ટીમને વધુ એક મેજર અપસેટ સર્જવાની આશા છે. જ્યારે ક્વોલિફાયર-વનમાં મુંબઈ સામે હારી ચૂકેલા ચેન્નાઈને ફાઈનલમાં પ્રવેશવાની વધુ એક તક સાંપડી છે અને ધોનીને આશા છે કે, તેના ખેલાડીઓ દર વખતની જેમ આ વખતે પણ તેને નિરાશ નહિ કરે.

ચેન્નાઈના અનુભવ સામે દિલ્હીના યુવા-જોશની ટક્કર

૩૭ વર્ષીય ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં મોટાભાગના ખેલાડીઓ સિનીયર અને અનુભવી છે. ચેન્નાઈના ખેલાડીઓની સરેરાશ ઉંમર પીઢ કહી શકાય તેવી છે. તેમના મોટાભાગના સુપરસ્ટાર્સમાં અગાઉના જેવું જોશ-ફિટનેસ નથી પણ તેમનો અનુભવ અન્ય ટીમો કરતાં ચડિયાતો છે. ચેન્નાઈમાં ડુ પ્લેસીસ (૩૪ વર્ષ), રૈના (૩૨ વર્ષ), બ્રાવો (૩૫ વર્ષ) અને વોટસન (૩૭ વર્ષ) જેવા સીનિયર ખેલાડીઓ છે. બીજી તરફ શ્રેયસ ઐયરની કેપ્ટન્સી હેઠળની દિલ્હીની ટીમમાં મોટાભાગે યુવા ખેલાડીઓની ભરમાર છે. પૃથ્વી શૉ, રિષભ પંત, અક્ષર પટેલ, કિમો પોલ જેવા યુવા ખેલાડીઓ શાનદાર દેખાવ કરી રહ્યા છે. આ સાથે ધવન, ઈનગ્રામ, મુનરો, ઈશાંત અને મિશ્રા જેવા અનુભવીઓ પણ દિલ્હીની ટીમમાં સામેલ છે. દિલ્હી પાસે યુવા-અનુભવી ખેલાડીઓનું કોમ્બિનેશન છે.જેના કારણે આવતીકાલના મુકાબલાને અનુભવની સામે જોશની ટક્કર તરીકે જોવામાં આવી રહ્યો છે.

હૈદરાબાદમાં દિલ્હીને એડવાન્ટેજ : બોલરો પર મદાર

દિલ્હીએ એલિમિનેટરમાં હૈદરાબાદને તેના જ હોમગ્રાઉન્ડ પર હરાવ્યું હતુ અને અહી એલિમિનેટર રમ્યા બાદ તેમને ક્વોલિફાયર-ટુ રમવાની છે, જેના કારણે તેમને પરિસ્થિતિનો ફાયદો મળશે. ચેન્નાઈની ટીમ ઘરઆંગણે રમ્યા બાદ હૈદરાબાદ આવી હોવાથી તેમને પીચ અને પરિસ્થિતિને અનુકૂળ થવું પડશે. રબાડા જેવા સુપરસ્ટારની ગેરહાજરી છતાં દિલ્હીની બોલિંગની જવાબદારી ઈશાંત, બોઉલ્ટ અને કિમો પોલ તેમજ સ્પિનર મિશ્રાએ ઉઠાવી લીધી છે, જે બાબત ટીમ માટે અત્યંત મહત્વની પૂરવાર થશે. ચેન્નાઈની મજબુત બેટીંગ લાઈનઅપ સામે દિલ્હીના બોલરોનો દેખાવ પર જ તેમની સફળતા ટકેલી છે.

ચેન્નાઈના સ્પિન જાદુગરો સામે દિલ્હીના બેટસમેનોની કસોટી

આઇપીએલના ઈતિહાસની સફળ ટીમોમાં સ્થાન ધરાવતા ચેન્નાઈના બોલિંગ આક્રમણમાં સ્પિનરોની ભૂમિકા મહત્વની છે. રવિન્દ્ર જાડેજાની સાથે ઈમરાન તાહીર અને હરભજનની ત્રિપુટીએ ટોચના દિગ્ગજોને સસ્તામાં પેવેલિયન ભેગા કર્યા છે. હવે આવતીકાલના મુકાબલામાં પંત, પૃથ્વી શૉ, ઐયર, ધવન જેવા બેટ્સમેનોની કસોટી ચેન્નાઈના સ્પિનરો કરશે. ચેન્નાઈ પાસે દીપક ચાહર અને બ્રાવો જેવા મીડિયમ પેસરો છે, જે બાજી પલ્ટી શકે છે. દિલ્હી હવે વિનિંગ કોમ્બિનેશન જારી રાખશે કે ઓલરાઉન્ડર મોરીસને ટીમમાં સમાવશે તે અંગે અવઢવ છે.

ધોનીને બેટ્સમેનોના શાનદાર દેખાવની આશા 

ક્વોલિફાયર વનમાં મુંબઈ સામેની આંચકાજનક હાર બાદ ચેન્નાઈના કેપ્ટન ધોનીને બેટ્સમેનોના વધુ જવાબદારી સાથેના દેખાવની આશા છે. જાધવ જેવા ઓલરાઉન્ડરની ખોટ ચેન્નાઈને પડી રહી છે. મુંબઈ સામેની ક્વોલિફાયર-વનમાં ચેન્નાઈના ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો. વોટસન અગાઉ જેવા ફોર્મમાં જોવા મળતો નથી અને આ બાબત ચેન્નાઈ માટે ચિંતાજનક છે. ડુ પ્લેસીસ, વોટસન, રાયડુ, રૈના, વિજય, ધોનીની સાથે બ્રાવો તેમજ જાડેજા પણ એકલા હાથે મેચનું પાસું પલ્ટી નાંખવાની ક્ષમતા ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "આજે ચેન્નઈ અને દિલ્હી ફાઇનલમાં જવા માટે કરશે “કરો યા મરોની જંગ”,જાણો શું છે રણનીતિ."

Leave a comment

Your email address will not be published.


*