વિચારો..! ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપે “પાટીદાર” ચહેરો જ શા માટે પસંદ કર્યો?- જાણો શું હશે આગળની રણનીતિ

Published on: 11:08 am, Tue, 14 September 21

રાજકારણ(Politics): ગુજરાત(Gujarat) રાજ્યમાં અનામત માટેનું આંદોલન છેડી ચૂકેલા પાટીદાર(Patidar) સમાજને પોતાની નજીક આકર્ષવા માટે ભાજપે(BJP) પાંચ વર્ષ પછી ફરીથી પટેલ(Patel) સમાજમાંથી આવતા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને મુખ્યમંત્રીની ખુરશી સોંપી છે. ગુજરાત રાજ્યમાં પાટીદાર સમાજના લોકો ખુબ જ સક્રિય જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં નરેન્દ્ર મોદી(Narendra Modi) જેવો બીજો ચહેરો ભારતીય જનતા પાર્ટીને મળી શક્યો નથી. વર્ષ 2014માં તેમના ગુજરાતમાંથી બહાર નીકળ્યા બાદ રાજકીય પકડ પણ સાવ ઢીલી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પોતાનું રાજકીય સમીકરણ નક્કી કરવાનું શરૂ કરી દીધું છે.

વર્ષ 2022ની ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણીના સમીકરણને સરળ રાખવા માટે પટેલોને સાચવવા ખુબ જરૂરી છે કારણ કે, ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના રાજકીય મૂળને મજબૂત કરવામાં પટેલ સમાજ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ જ કારણ છે કે, પ્રથમ મોદી કેબિનેટના વિસ્તરણમાં ઓન ગુજરાત રાજ્યમાંથી સાત લોકોને સ્થાન આપવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર સમાજમાંથી આવતા દિગ્ગજ નેતા મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને રાજ્યના મંત્રીઓમાંથી કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારે તે જ સમયે હવે રાજ્યની સત્તા પટેલ સમાજના નેતાને સોંપવામાં આવી છે.

પાટીદાર સમાજનો કોઈપણ વ્યક્તિ નથી રહી શક્યો પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી:
ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ પહેલા 4 પાટીદારો મુખ્યમંત્રી બન્યા હતા જેમાં ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ બે વખત મુખ્યમંત્રી બનવા છતાં પણ પાંચ વર્ષ સુધી સત્તામાં રહી શક્યા ન હતા. બાબુભાઈ પટેલથી માંડીને કેશુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા પરંતુ, આ પાટીદાર મુખ્યમંત્રી કોઈ ને કોઈ કારણસર તેમનો રાજકીય કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.

ગુજરાતમાં પટેલ સમુદાયની રાજકીય શક્તિ :
જોવા જઈએ તો વર્ષ 2014 ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પાટીદાર સમાજના 60 % મત મળ્યા હતા. જ્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારના માત્ર 49.1 % મત મળ્યા હતા. વર્ષ 2017 ની ગુજરાતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર 99 અને કોંગ્રેસને 82 બેઠકો મળી હતી. ભાજપે વર્ષ 2012માં ગુજરાતમાં 50 પટેલોને ટિકિટ આપી હતી, જેમાંથી 36 પાટીદારો જીત્યા હતા.

જોવા જઈએ તો, તે જ સમયે વર્ષ 2017 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્યો ચુંટણી જીત્યા હતા. એક રીતે જોવામાં આવે તો વર્ષ 2017 માં પાટીદારોની નારાજગીને કારણે ભાજપને 8 બેઠકો ગુમાવવી પડી હતી. જોકે, ગુજરાત રાજ્યમાં હાલમાં ભાજપના 44 ધારાસભ્યો, 6 સાંસદો અને જેમાં પાટીદાર સમુદાયના ત્રણ સાંસદો છે.

ગુજરાતમાં આવનાર નવેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજને પોતાની તરફ ખેંચવાના તમામ પક્ષોના પ્રયાસો શરુ થઇ ગયા છે. કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પાટીદાર સમાજમાંથી આવનાર ગોપાલ ઈટાલિયાને પણ પાર્ટીની કમાન સોંપી દીધી છે અને હાલમાં આમ આદમી પાર્ટી સક્રિય ભાગ ભજવી રહી છે. ગુજરાત રાજ્યમાં નાગરિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સારો દેખાવ જોવા મળ્યો હતો. ખાસ કરીને જોવામાં આવે તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તેણે પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારમાં 27 બેઠકો પર જીત મેળવી હતી. ગુજરાત રાજ્યમાં પાટીદાર મતદારોના વર્ચસ્વ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ભુપેન્દ્ર પટેલના રૂપમાં એક ગજબ ચાલ ચાલી છે તેમ કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.