આજના સ્વાર્થી જગતમાં નિસ્વાર્થભાવે કામ કરતા કેશુભાઇ ગોટીની કહાની સાંભળી તમે ચોંકી ઉઠશો

વલ્લભીપુર તાલુકાના હળીયાદ ગામમાં આર્થિક રીતે અત્યંત ગરીબ પરીવારમાં જન્મેલા કેશુભાઇ હરીભાઇ ગોટીના અનોખા સેવા યજ્ઞની વાત કરવી છે. બાળપણમાં ખૂબ ગરીબાઇ જોઇ. સવારે જમવાનું…

વલ્લભીપુર તાલુકાના હળીયાદ ગામમાં આર્થિક રીતે અત્યંત ગરીબ પરીવારમાં જન્મેલા કેશુભાઇ હરીભાઇ ગોટીના અનોખા સેવા યજ્ઞની વાત કરવી છે. બાળપણમાં ખૂબ ગરીબાઇ જોઇ. સવારે જમવાનું બનાવવા માટે ઘરમાં લોટ પણ ના હોય અને છોકરાઓને શું ખવડવીશ એવી પીડા સાથે માને રડતી પણ કેશુભાઇએ જોઇ છે. માત્ર 3 ચોપડી ભણેલા કેશુભાઇએ 1972માં હિરા ઘસવાનું ચાલુ કર્યુ અને ધીમે ધીમે સખત પરિશ્રમના પરિણામે હિરાના વેપારી બન્યા.

માણસ બે પાંદડે થાય એટલે મોજમજામાં નાણા વાપરે પણ કેશુભાઇએ જુદો જ સંકલ્પ કર્યો. પોતે જે ગરીબાઇ જોઇ છે એવી દારુણ ગરીબીમાં જીવતા પરિવાર માટે કંઇક કરવાની ભાવના સતત એના મનમા રમતી રહેતી. ઓછુ ભણેલા પણ વાંચનનો શોખ એટલે મહાપુરુષોના વિચારોમાથી સમાજસેવા કરવાની પ્રેરણા મળતી રહેતી.

એકવખત કેશુભાઇ એના કેટલાક મિત્રો સાથે આદીવાસી વીસ્તારની મુલાકાતે ગયા. આઝાદીના આટલા વર્ષો પછી પણ આદીવાસીઓને પશુવત જીવન જીવતા જોઇને એમના વિકાસ માટે કંઇક કરવું જોઇએ એવો વિચાર કર્યો. જો આદીવાસીઓને આર્થિક મદદ કરો તો થોડા દિવસ માટે એ એમનું પેટ ભરી શકે પણ જો એના બાળકોને શિક્ષણ માટેની યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે તો આખી પેઢીને ગરીબીમાંથી બહાર લાવી શકાય.

કેશુભાઇએ આદીવાસી વિસ્તારના બાળકો માટે શાળાઓ અને છાત્રાલયો બાંધવાનો સંકલ્પ કર્યો. આ માટે એમના માતાની સ્મૃતિમાં માતૃશ્રી કાશીબા હરીભાઇ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ અંતર્ગત પ્રથમ છાત્રાલય બાંધવા માટે એક ભાગીદાર શોધ્યા. છાત્રાલય બાંધકામના ખર્ચની 50% રકમ કેશુભાઇ ગોટીએ આપી અને બાકીની 50% રકમનું દાન આપવા માટે એમણે એમના મિત્ર ઘનશ્યામભાઇ ભોજાણીને તૈયાર કર્યા અને એવી રીતે આદીવાસી બાળકો માટેનું પ્રથમ છાત્રાલય બંધાયુ.

કેશુભાઇએ હવે એવો સંકલ્પ કર્યો કે મારે આવા 11 છાત્રાલયો બાંધવા છે. દરેક છાત્રાલયના બાંધકામમાં થનાર ખર્ચ પૈકીનો 50% ખર્ચ હું આપીશ અને બાકીના 50% ખર્ચ માટે એક ભાગીદાર દાતા શોધીશ. જે છાત્રાલય તૈયાર થાય એ છાત્રાલયમાં ભાગીદાર દાતા તરીકે જોડાનાર વ્યક્તિનું નામ રાખવામાં આવે છે. કેશુભાઇ કે એના પરિવારના કોઇ સભ્યના નામની એક તકતી પણ લગાવવાની નહી.છાત્રાલય બાંધકામમાં 50% રકમ આપવાની પણ નામ પોતાનું નહી સામે વાળાનું જ રાખવાનું જેથી બીજા લોકોને દાન આપવાની પ્રેરણા મળે.

જેમ જેમ દાતાઓ મળતા ગયા તેમ તેમ છાત્રાલયની સંખ્યાનો સંકલ્પ પણ વધતો ગયો. છેવટે કેશુભાઇએ એવો સંક્લ્પ કર્યો કે ભગવાનના નામની જે માળા ફેરવીએ એમાં 108 મણકા હોય માટે મારે પણ હવે 108 શાળાઓ-છાત્રાલયો આદીવાસી વિસ્તારના બાળકો માટે તૈયાર કરવી છે. આજદીન સુધીમાં 24 સંકૂલો તૈયાર કરીને લોકાર્પણ કરી દીધા છે. બીજા 3 સંકૂલ તૈયાર થઇ ગયા છે અને 10 સંકૂલોનું બાંધકામ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 50 સંકૂલ માટે દાતાઓ મળી ગયા છે અને બાકીના 58 સંકૂલો માટે પણ દાતા મળી જ રહેશે.

લાગણીથી તરબતર આ માણસ કોઇ જાતની પ્રસિધ્ધિની ભૂખ વગર અને નામની લાલસા વગર આદીવાસી બાળકોના ઉત્કર્ષ માટેની સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે. આજના સ્વાર્થી જગતમાં નિસ્વાર્થભાવે કામ કરતા કેશુભાઇ ગોટી જેવા લોકો પણ હયાત છે. -શૈલેશ સગપરીયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *