Shailesh Sagpariya: રાજકોટનો ૮ ધોરણ પાસ આ પટેલ યુવક હોલીવુડની ફિલ્મોમાં કરી રહ્યો છે VFX એનિમેશનનું કામ

શૈલેષ સગપરિયા (Shailesh Sagpariya): જામનગર જિલ્લાના લતિપર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ પિપરિયાનો આઠમા ધોરણમાં ભણતો દીકરો ચિરાગ વેકેશન કરવા માટે ફાઈબાના ઘરે રાજકોટ ગયો હતો. એકદિવસ…

શૈલેષ સગપરિયા (Shailesh Sagpariya): જામનગર જિલ્લાના લતિપર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ પિપરિયાનો આઠમા ધોરણમાં ભણતો દીકરો ચિરાગ વેકેશન કરવા માટે ફાઈબાના ઘરે રાજકોટ ગયો હતો. એકદિવસ રાજકોટની ગેલેક્સી સિનેમામાં એ “અવતાર” ફિલ્મ જોવા ગયો. ફિલ્મ એને ખૂબ ગમ્યું અને ૧૩ વર્ષની ઉંમરના એ છોકરાએ એ વખતે જ નિર્ણય કર્યો કે મારે એનિમેશન ફિલ્મ ક્ષેત્રમાં આગળ વધવું છે.

ગામડે આવ્યા પછી ચિરાગે આ વાત એના પિતાને કરી. એનિમેશન શીખવા માટે કમ્પ્યુટર લઈ દેવાની વિનંતી કરી. કોઈ છોકરો કાચી ઉંમરે એના પિતાને આવી વાત કરે તો પિતા એને ઉધડો લઈને ભણવામાં ધ્યાન આપવાની સલાહ આપે પરંતુ મહેન્દ્રભાઈએ દીકરાને કમ્પ્યુટર લઈ આપ્યું અને મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા આપી. ચિરાગ અભ્યાસની સાથે ઇન્ટરનેટના માધ્યમથી એનિમેશન અને VFX બાબતે જાણકારી મેળવતો રહે. હાયર સેકન્ડરી અભ્યાસ વખતે સ્કુલેથી સીધો સાઇબર કાફે પર જ જતો રહે અને ત્યાં બે કલાક સુધી બધું શીખે.

૧૨મુ ધોરણ પુરુ કર્યા પછી ચિરાગે નક્કી કર્યું કે હવે મારે કોલેજ નથી કરવી એના બદલે હવે બધો જ સમય એનિમેશન અને VFX શીખવા માટે આપવો છે. દીકરાના આ નિર્ણયને માતા-પિતાએ પણ સ્વીકાર્યો. થોડી હિચકિચાટ જરૂર થઈ પણ દીકરાને ખરેખર ફિલ્મના આ ક્ષેત્રમાં રસ પડે છે અને એ આગળ વધી શકશે એવું લાગતાં મંજૂરી આપી.

ચિરાગે હવે પોતાનો પૂરો સમય પોતાને મનગમતા વિષય માટે ફાળવ્યો. ઈન્ટરનેટ પરથી મટીરીયલ ડાઉનલોડ કરીને વાંચે, આ વિષયને લગતા વેબીનાર એટેન્ડ કરે, યુટયુબ પર આ વિષય પરના વિડિયો જુવે. શરૂઆતમાં ભાષાના પ્રશ્નો પણ થતાં. ન સમજાય તો પડતું મૂકવાને બદલે એક એક શબ્દને સમજવા માટે ઊંડો ઉતરે અને એ રીતે ધીમે ધીમે એનિમેશન અને VFXના ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી. આ ક્ષેત્રમાં કોચિંગ પૂરા પાડતી ગુજરાતની એક નામાંકિત સંસ્થામાંથી સર્ટિફિકેટ મેળવવા માટે વિદ્યાર્થી તરીકે જોડાયેલો ચિરાગ થોડા જ મહિનામાં કોઇપણ જાતની ડિગ્રી વગર એના પ્રેકટીકલ જ્ઞાનને કારણે એ સંસ્થાનો ફેકલ્ટી પણ બની ગયો.

એકવખત બેંગ્લોરની એક ખ્યાતનામ સંસ્થા દ્વારા ભારતભરના એનિમેશન આર્ટિસ્ટના વર્કશોપનું આયોજન થયું હતું જેમાં ચિરાગ સર્ટિફાઇડ આર્ટિસ્ટ ન હોવા છતાં પોતે કરેલા કામના જોરે એ વર્કશોપમાં એન્ટ્રી મેળવી જ્યાં આ ક્ષેત્રના ઘણા લોકોના સંપર્કમાં આવ્યો. VFXમાં આખી દુનિયામાં MPC (મુવિંગ પિકચર કંપની) પ્રથમ નંબર પર છે. આ કંપનીની એક બ્રાંચ બેંચલોરમાં પણ છે જેની એક પેટા બ્રાંચ મુંબઈમાં કામ કરે છે. હોલીવુડની ઓસ્કાર નોમીનેટેડ ફિલ્મ CATનું કેટલુક કામ આઉટસોર્સિંગથી આ બ્રાંચને મળેલું. ફિલ્મના કેટલાક સીનમાં રોટો સ્કોપિક કામ માટે MPC ની પેટા બ્રાન્ચમાં કામ કરતા ચિરાગના મિત્રએ એમની કંપનીને ચિરાગની એક્સપર્ટાઈઝની વાત કરી અને ચિરાગને હોલીવુડની ફિલ્મનું કામ કરવાની તક મળી.

લતીપુર જેવા ગામડાનો અને માત્ર ૧૨ ધોરણ સુધી ભણેલ આ છોકરો પોતાની ક્ષમતાના જોરે હોલીવુડની ફિલ્મ સુધી પહોંચ્યો. ચિરાગ આજે રાજકોટમાં એનિમેશન અને VFXને લગતું કામ કરે છે અને ખૂબ સારી કમાણી પણ કરે છે. આવક કરતા પણ વધુ અગત્યનું છે એ પોતાને પ્રિય કામ કરે છે જેનો એને થાક જ નથી લાગતો. VFX બાબતે કોઈ એને અડધી રાતે ઉઠાડીને પણ કોઈ માહિતી કે માર્ગદર્શન માંગે તો હસતા હસતા આપે છે કારણકે એને એ ખૂબ ગમે છે. જો કે મોડી રાત સુધી દુનિયાના જુદા જુદા ખૂણે ચાલતા વેબીનારો એટન્ડ કરીને એ સતત પોતાની જાતને અપડેટ કરી રહ્યો છે.

વડાપ્રધાનના રૂટનો થ્રી-ડી મેપ તૈયાર કરવાનો હોય તો પણ સરકારી ખાતું ચિરાગને યાદ કરે છે. મિત્રો, જે ક્ષેત્રમાં રસ પડતો હોય એ ક્ષેત્રમાં આગળ વધતો માણસ એના જીવનમાં ક્યારેય પસ્તાતો નથી. ડિગ્રી કરતાં પણ નિપુણતા બહુ મહત્વની છે અને નિપુણતા રસનું ક્ષેત્ર હોય તો જ આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *