હે રામ! રક્ષા કરો: 150 ફૂટ ઊંડી બોરવેલમાં પડી 3 વર્ષની દીકરી, 18 કલાકથી ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન

Kotputli Borewell Rescue: રાજસ્થાનના કોટપૂતળીના બળીયાળીમાં સોમવારના રોજ એક ત્રણ વર્ષની દીકરી બોરવેલમાં પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર (Kotputli Borewell Rescue) બોરવેલ 700 ફૂટ ઊંડો છે પરંતુ દીકરી 150 ફૂટની ઊંડાઈએ છેલ્લા 18 કલાકથી ફસાયેલી છે. દીકરીને બચાવવા માટે સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફની ઘણી ટીમો જોડાયેલી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે સોમવારની બપોરે ચેતના નામની દીકરી રમી રહી હતી, એવામાં રમતા રમતા તેનો પગ લપસ્યો હતો અને તે બોરવેલમાં પડી ગઈ હતી. તેની જાણકારી તરત જ સ્થાનિક પ્રશાસનને આપવામાં આવી. ઘટના પર પહોંચેલા અધિકારીઓએ બાળકીને બચાવવા માટે એસડીઆરએફ અને એનડીઆરએફ પાસેથી મદદ માંગી છે.

બાળકીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હજુ સુધી ચાલી રહ્યું છે. બોરવેલમાં દોરીની મદદથી કેમેરો પણ અંદર દાખલ કરવામાં આવ્યો છે, જેથી બાળકીની હાલચાલ પર નજર રાખી શકાય. કેમેરામાં કેદ થયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે તે મદદ માટે હાથ હલાવતી દેખાઈ રહી છે. આ રેસ્ક્યુટીમાં એસડીઆરએફ અને એનડીઆરએફના કુલ 40 જવાનો મહેનત કરી રહ્યા છે. સાથે જ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી છે.

બાળકીની માતાએ સરકારને કરી અપીલ
આ ઉપરાંત આસપાસના એસ.પી, એસએસપી, ડીએસપી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત 40 પોલીસ કર્મીઓ ઘટના સ્થળ પર હાજર છે. આ ઉપરાંત તમામ સરકારી મેડિકલ સ્ટાફ પણ હાજર છે. સરકારને બાળકીની માતાએ અપીલ કરી છે કે મારી છોકરીને બચાવવામાં આવે.

એસડીએમ બ્રિજેશ ચૌધરી એ જણાવ્યું કે, એસડીઆરએફ, એનડીઆરએફ અને પ્રશાસનની ટીમો બચાવ અભિયાન ચલાવી રહી છે. એનડીઆરએફ ટીમના બચાવ ઉપકરણો બાળકી સુધી પહોંચી ગયા છે અને હવે તેઓ તેને બોરવેલમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેમજ એસડીઆરએફના એસ.આઇ રવિ કુમારે જણાવ્યું કે અમે બાળકી સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ તેની આજુબાજુ મોટા પ્રમાણમાં માટી હોવાને કારણે હજુ સુધી એના સુધી પહોંચી શકાયું નથી. અમે અમારી તરફથી તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ.