જામનગર-ખંભાળિયા હાઇવે પર અકસ્માતમાં ચાર લોકોને ભરખી ગયો કાળ- જે યુવકની સગાઈ હતી તેનું પણ મોત

Jamnagar-Khambhaliya highway accident: રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે જામનગર-ખંભાળિયા હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત (Accident in Jamnagar)માં ચાર લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે ત્રણ લોકો ઘાયલ થતાં સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા હતા. મોરબીનો સતવારા પરિવાર પોતાના પુત્રની સગાઈ કરવા માટે ગઈકાલે ખંભાળિયા ગયો હતો. ત્યાં સગાઈ કરી પાછો ફરી રહ્યો હતો ત્યારે જ ખટિયા ગામના પાટિયા નજીક સામેથી આવી રહેલી એક અન્ય કાર સાથે જોરદાર ટક્કર થતાં જેની સગાઈ હતી તે યુવક સહિત ચાર લોકોનાં દર્દનાક મોત (4 people died in accident) નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, મોરબીમાં રહેતા ખાણધર પરિવારના પુત્રની આજે ખંભાળિયામાં સગાઈનો પ્રસંગ હતો. જેને કારણે પરિવારના સભ્યો કારમાં સવાર થઈ ખંભાળિયા ગયા હતા. ખંભાળિયા સગાઈની વિધિ પૂર્ણ કર્યા પછી જામનગર તરફ સ્વીફ્ટ કારમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટઝડપે આવી રહેલી વોક્સવેગન કાર ડીવાઈડર કૂદી બીજી બાજુ આવી ગઈ હતી અને સ્વીફ્ટ કાર સાથે જોરદાર રીતે અથડાઈ હતી.

જેના કારણે જેની સગાઈ હતી તે યુવક ચેતન ખાણધર તેમના બહેન મનીષાબહેન, રીનાબેન ખાણધર અને અન્ય એક વ્યકિત મળી એમ કુલ ચાર લોકોના દર્દનાક મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, સતત ટ્રાફિકથી ધમધમતા જામનગર-ખંભાળિયા હાઈવે પર બે કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતના કારણે કારના ભુક્કા બોલી ગયા હતા. કારમાં ઘાયલ થયેલા લોકોને આજુબાજુથી દોડી આવેલા લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. 108ની ટીમને જાણ કરાતા 108ની ટીમ પણ તાત્કાલિક પણે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિકજામ થતા પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ અકસ્માત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગમખ્વાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની યાદી:
વાત કરવામાં આવે તો અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાં ભૂદરભાઈ ખાણધર, હેતવી નરેન્દ્રભાઈ ખાણધર, ફલક પ્રવીણભાઈ હડીયલ અન નેહલ ચુનીલાલ હડીયલનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *