ઉત્તરાખંડથી વતન લવાયા મૃતદેહો: અંતિમયાત્રામાં હિબકે ચડ્યું આખું ભાવનગર, હૈયું હચમચાવી દેતું પરિવારજનોનું આક્રંદ

Published on Trishul News at 5:15 PM, Tue, 22 August 2023

Last modified on August 22nd, 2023 at 5:16 PM

Uttarakhand Gangotri Accident: ઉત્તરાખંડમાં બનેલા માર્ગ અકસ્માતમાં ભાવનગર જિલ્લાના 7 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર ગંગોત્રી યાત્રાધામથી(Uttarakhand Gangotri Accident) પાછા ફરતી વખતે ભયાનક અકસ્માત સર્જાયો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગયી હતી. બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બેરિયર તોડીને યાત્રાળુથી ભરેલી બસ ખીણમાં પડી ગયી હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 28 જેટલા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે. 7 મૃતકોમાંથી 6 મૃતકોના મૃતદેહ અંતિમ સંસ્કાર માટે પોતાના વતન લવાયા હતા. જ્યારે એકની અંતિમ વિધિ હરિદ્વારમાં જ કરાઈ હતી. 2 મહુવા, 3 તળાજા અને 1 મૃતદેહને પાલિતાણા લવાયા બાદ મૃતકોની અંતિમ વિધિ કરાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ છવાયો ગયો હતો.

કરણજીત ભાટીના મૃત્યુથી પરિવારમાં આક્રંદ
ગઈકાલે રાત્રે તમામના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા. તમામ મૃતકોના સ્વજનો અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ લઇને વતન આવ્યાં હતાં અને વહેલી સવારે તેઓની અંતિમવિધિ પણ કરવામાં આવી હતી. બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા પાલિતાણાના 29 વર્ષીય કરણજીત ભાટીનો મૃતદેહ વતન પહોંચતા જ પરિવારના લોકોમાં આક્રંદ છવાયો હતો. ત્યારપછી સવારે તેમની અંતિમ યાત્રા નીકળતાં આખું ગામ હિબકે ચડ્યું હતું. નોંધનીય છે કે, 29 વર્ષીય કરણજીત ભાટીનું બસ અકસ્માતમાં મૃત્યુ થતાં ત્રણ બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

રાજુભાઇ મેર અને ગીગાભાઇની નીકળી અંતિમયાત્રા
તો અકસ્માતમાં મૃત્યુ પામેલા તળાજાના રાજુભાઇ મેર અને ગીગાભાઇ ભમ્મરના મૃતદેહ મધરાતે ગામ તળાજા લવાતા આખું ગામ ભેગું થઇ ગયું હતું. સવારે બંનેની અંતિમયાત્રા નિકળતા પરિવારના લોકોમાં અને સ્વજનોના આક્રંદથી હાજર સૌકોઇની આંખો ભીની થઇ ગઇ હતી. રાજુભાઈ મેર અને ગીગાભાઈની અંતિમયાત્રામાં કઠવા ગામે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. તળાજામાં નીકળેલી 35 વર્ષીય અનિરુદ્ધ જોશીની અંતિમયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

મહુવામાં રહેતા દંપતીનું પણ મોત નિપજ્યું
ઉત્તરાખંડમાં સર્જાયેલા અકસ્માતમાં ભાવનગર જિલ્લાના 7 લોકો પૈકી મહુવાના દંપતીનું પણ કરૂણ મોત નીપજ્યું હતું. મહુવાના ગણપતભાઈ મહેતા અને દક્ષાબેન મહેતાની આજે વહેલી સવારે અંતિમયાત્રા નીકળતાં મોટી સંખ્યામાં બ્રહ્ણ સમાજ જોડાયો હતો. મહુવામાં દંપતીની અંતિમયાત્રા નીકળતા ગામમાં શોકનો માહોલ છવાયો ગયો હતો.

કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી અનુસાર, બસ નંબર (uk 07 8585) 35 યાત્રીઓને લઈને ગંગોત્રીથી ઉત્તરકાશી તરફ જઈ રહી હતી. તે દરમિયાન બસચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા બસ ખીણમાં પડી ગયી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ મનેરી પોલીસ સ્ટેશન, SDRF અને NDRF અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. થોડીવારમાં ડીએમ અભિષેક રુહેલા અને એસપી અર્પણ યદુવંશી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોડી સાંજ સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 28 ઈજાગસ્તોને ખીણમાંથી બહાર કાઢીને હોસ્પિલટલ લઈ જવામાં આવ્યા હતા.

35 લોકો બસમાં હતા સવાર
ACP અર્પણ યદુવંશીએ જણાવ્યું છે કે, બસમાં શ્રદ્ધાળુઓ અને ડ્રાઈવર અને હેલ્પર સહિત કુલ 35 લોકો સવાર હતા. જેમાંથી 7 લોકોના મૃત્યુ નીપજ્યા છે. મૃતકોમાં ગણપતભાઈ મહેતા (ઉમર 61 રહે.મહુવા), દક્ષાબેન મહેતા (ઉમર 57 રહે. મહુવા), મીનાબેન ઉપાધ્યાય (ઉમર 51. રહે. ભાવનગર), રાજેશ મેર (ઉમર 40, રહે. તળાજા ), ગીગાભાઈ ભમ્મર (ઉમર 40, રહે તળાજા), અનિરુદ્ધ જોશી (ઉમર 35, રહે. તળાજા) અને કરણજીત ભાટી (ઉમર 29 રહે. પાલિતાણા) સામેલ છે.

Be the first to comment on "ઉત્તરાખંડથી વતન લવાયા મૃતદેહો: અંતિમયાત્રામાં હિબકે ચડ્યું આખું ભાવનગર, હૈયું હચમચાવી દેતું પરિવારજનોનું આક્રંદ"

Leave a comment

Your email address will not be published.


*