ધોધના પાણીમાં એક જ પરિવારના 7 લોકો તણાયા, છેલ્લી ક્ષણનો ખૌફનાક વિડિયો વાયરલ

Lonawala Viral Video: મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક લોનાવાલામાં રવિવારે એક  મોટી દુર્ઘટના બની હતી. રજાઓ ગાળવા લોનાવાલા પહોંચેલા એક જ પરિવારના સાત સભ્યો ધોધના જોરદાર પ્રવાહમાં વહી ગયા હતા. આ ધોધ ભુસી ડેમની પાછળ એક ટેકરી પર બનાવવામાં આવ્યો હતો. ઘટના સ્થળ પર હાજર કેટલાક લોકોએ તેમને બચાવનો પ્રયાસ કર્યો હતો, જેનો વિડીયો(Lonawala Viral Video) સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર એક જ પરિવારના 7 લોકો લોનાવાલાના એક ધોધમાં નાહવા ગયા હતા. જો કે અચાનક જ પાણીનો પ્રવાહ વધતા પરિવારના તમામ સભ્યો ઘેરાય ગયા હતા. બચાવ બચાવની બુમો પાડી રહેલા પરિવારને બચાવવા સ્થળ પર હાજર લોકોએ મદદ પણ કરી હતી. પરંતુ પાણીનો પ્રવાહ વધતો જતો હતો હોવાથી તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જોત જોતામાં પરિવાર સંપૂર્ણપણે પાણીથી ઘેરાય ગયો હતો. પરિવાર એકબીજાના હાથ પકડી સાંકળ બનાવી ધમધમતા પાણીમાં ઉભા રહ્યા હતા. જો કે પરિવારના સભ્યોનો હાથ છૂટી જતા તમામ ધોધના પાણીમાં વહી ગયા હતા. 

જો કે NDRF કે SDRF મદદ માટે આવે તે પહેલા જ  સાતે સાત લોકો ધોધમાં વહી ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારની છે.  રવિવારે ત્રણના મૃતદેહ મળી આવ્યા હતા પરંતુ બીજા બે સભ્યોની શોધ બીજા દિવસે એટલે કે સોમવારે પણ ચાલુ રહી હતી. સોમવારે શોધ દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. આ સાથે આ અકસ્માતમાં મૃત્યુઆંક ચાર થઈ ગયો છે. હાલ એકની શોધખોળ ચાલુ છે. સાત લોકોનો આ પરિવાર મુંબઈથી માત્ર 80 કિમી દૂર એક હિલ સ્ટેશન (વોટરફોલ) પર રજાઓ મનાવી રહ્યો હતો..

ચોમાસા દરમિયાન આ પહાડી નગરની મુલાકાત લેનારા સેંકડો પ્રવાસીઓની જેમ, પરિવાર રવિવારે બપોરે ભૂશી ડેમના બેકવોટર પાસેના ધોધ પર પિકનિક માટે ગયો હતો. સવારથી પડેલા ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો હતો જેના કારણે ધોધમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. તેનો વિડિયો પણ સામે આવ્યો છે જ્યારે પરિવારની છેલ્લી ક્ષણોના ભયાનક દ્રશ્યોમાં તેઓ ધોધની મધ્યમાં એક ખડક પર એકબીજાને ચુસ્તપણે પકડી રહ્યા હતા અને કોઈક રીતે જમીન પર પાછા આવવાની આશામાં હતા, પરંતુ પાણીનો પ્રવાહ વધી ગયો હતો. એટલી ઝડપથી કે દરેક વ્યક્તિ પોતાનું સંતુલન જાળવી ન શક્યા અને તેઓ વહી ગયા હતા.

તેઓ મદદ માટે બૂમો પાડી રહ્યા હતા પરંતુ તે સમયે તેઓને કોઈ પ્રકારની મદદ મળી ન હતી. અન્ય પ્રવાસીઓ પણ કિનારે એકઠા થઈ ગયા અને મદદ માટે બોલાવવા લાગ્યા પરંતુ ધોધના જોરદાર પ્રવાહના કારણે કોઈ પણ વ્યક્તિ તેમને બચાવવા માટે અંદર કૂદી શકે તેમ નહોતું. આ ઘટના રવિવારે બપોરે 12.30 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દોરડા અને ટ્રેકિંગ ગિયર વડે બચી ગયેલા લોકોની શોધ શરૂ કરવામાં આવી હતી.