હાલમાં અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. રાજ્યમાં ધોળા દિવસે ખૂની ખેલ ખેલાય છે. આ દરમિયાન રાજકોટ શહેરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારા નરેન્દ્રસિંહ જાડેજાની હત્યા કરનારા ચારેય આરોપીઓને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જે તે સમયે નરેન્દ્રસિંહ રાજકોટ પૂર્વના એસીપીના કમાન્ડો તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.
આ કેસની હકીકત એવી છે કે, ગોંડલ તાલુકાના મેસપર ગામમાં વર્ષ- 2017માં થયેલી પંચાયતની ચૂંટણીઓમાં થયેલી હરીફાઈના કારણે મેસપર ગામના રહીશો રાજેન્દ્રસિંહ જટુભા જાડેજા, માધુભા પ્રવિણસિંહ જાડેજા, મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા, ક્રિપાલસિંહ અજીતસિંહ જાડેજા અને એક બાળ આરોપી દ્વારા ધોળા દિવસે બપોરના સમયે અનિરૂધ્ધ સિંહ જાડેજાને મોટર સાઈકલ ઉપરથી પછાડી તેના માથા ઉપર કુહાડીનો ઘા મારી હત્યાની કોશિષ કરવામાં આવી હતી.
અનિરૂધ્ધસિંહે પોતાના બચાવમાં પોતે મરણ પામ્યા હોવાનું નાટક કર્યું હતું. જેથી પાંચેય આરોપીઓએ આ વ્યક્તિને મૃત સમજી લીધો હતો. આ સમયે સામેથી આવી રહેલા નરેન્દ્રસિંહ જાડેજાને પણ આ પાંચેય આરોપીઓ મોટર સાઈકલ ઉપરથી પછાડી દઈ તલવાર, ધારીયું અને કુહાડીથી મારવા લાગ્યા હતા.
આ સમગ્ર બનાવમાં મોતનું નાટક કરી રહેલા અનિરૂદ્ધસિંહ જાડેજાએ પોતે નજરે જોયો હતો. ત્યારબાદ પાંચેય આરોપીઓ બેભાન થઈ ગયેલા નરેન્દ્રસિંહ જાડેજાને તેમની વાડીએ લઈ ગયા હતા. જ્યાં નરેન્દ્રસિંહની હત્યા કરવામાં આવી હતી. નરેન્દ્રસિંહનું અપહરણ થયાની સમગ્ર હકીકત અનિરૂધ્ધસિંહ જાડેજાએ જોઈ હતી.
તા. 12/5/2018ના રોજ બનેલા આ બનાવ બાદ આરોપી રાજેન્દ્રસિંહ જાડેજા તા.13/5/2018ના રોજ પોલીસ સમક્ષ રજૂ થયા હતા. બીજા ચાર આરોપીઓ તા.18/5/2018ના રોજ પોલીસ સમક્ષ રજૂ થયા હતા. પોલીસ દ્વારા આ આરોપીઓના બનાવ સમયે પહેરેલા કપડાં કબજે કરવામાં આવ્યા હતાં. તમામ કપડાંઓમાંથી રાજેન્દ્રસિંહ જાડેજાનાં કપડાં ઉપર તથા તેમને ઉપયોગમાં લીધેલી કુહાડી ઉપર મૃતક નરેન્દ્રસિંહ જાડેજાના લોહીના ડાઘ મળી આવ્યા હતા.
આ કેસમાં સરકાર તરફે નિમાયેલ સ્પે.પી.પી.એસ.કે.વોરાએ દલીલો કરતા જણાવ્યું હતું કે, આરોપી રાજેન્દ્રસિંહ જાડેજાના કપડાં અને હથિયાર ઉપર મૃતકનું લોહી મળી આવ્યું છે. આથી તેમણે હત્યા કરી હોવાનું સ્પષ્ટપણે સાબિત થાય છે. આ ઉપરાંત, અનિરૂદ્ધસિંહ જાડેજાને મોટર સાઈકલ ઉપરથી પછાડી તેને શરીર ઉપર અસંખ્ય ઈજાઓ કરવી તેમજ નરેન્દ્રસિંહ જાડેજાને ઈજાઓ કરી તેને અર્ધભાન અવસ્થામાં વાડી ઉપર લઈ જવા આ સમગ્ર કાર્યવાહી માટે બેથી વધુ વ્યકિત હોવી અનિવાર્ય છે.
ફક્ત એક જ વ્યક્તિ આટલા લાંબા સમય સુધી બે-બે વ્યક્તિઓને ઈજાઓ કરી એકનુ મૃત્યું નિપજાવે તેવું અશકય છે. આ કારણે ફરિયાદમાં જે પાંચ આરોપીઓના નામ આપવામાં આવ્યા છે. તે તમામ આરોપીઓએ ગુનો આચરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ ભજવેલ હોવાનુ સ્પષ્ટપણે જણાઈ આવે છે.
આ ઉપરાંત રજુઆત કરવામાં આવી હતી કે, જે હત્યાની કોશિષનો બનાવ આરોપીઓના ઘરની સામે જ બનવા પામે તે બનાવ અંગે આરોપીઓ કશું જાણતા ન હોવાથી તે માનવાપાત્ર વાત નથી. આ કારણે આરોપીઓ પોતાની નિર્દોષતા સાબિત કરવા ઉપરાંત આ બનાવમાં કયા અન્ય વ્યક્તિઓ હતા? શા કારણે બનાવ બન્યો હતો? તે અંગે કોઈ વિગતો જાહેર ન કરે ત્યારે આરોપીઓએ જ આ હત્યા અને હત્યાની કોશિષના ગુનો આચરેલો હોવાનું સ્પષ્ટ થાય છે.
આ કેસમાં નામદાર અધિક સેશન્સ જજ એચ. પી. મહેતા દ્વારા આરોપી રાજેન્દ્રસિંહ જટુભા જાડેજા, માધુભા પ્રવિણસિંહ જાડેજા, મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા, ક્રિપાલસિંહ અજીતસિંહ જાડેજાને હત્યા અને હત્યાની કોશિષના ગુનામાં આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.