દાદરાનગર હવેલી(સંઘપ્રદેશ): તાજેતરમાં દાદરાનગર હવેલીમાંથી આજે ગોઝારી ઘટના સામે આવી હતી. ગટરની સફાઈની કામગીરી દરમિયાન ગુંગળાઈ જતા ત્રણ કામદારોના મોત નીપજ્યા છે. ડોક મરડીના આહીર ફળિયામાં ગટરલાઇનની સાફ-સફાઈ દરમ્યાન 3 કામદારોના કરૂણ મોત નિપજતાં સમગ્ર પ્રદેશમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો.
જાણવા મળ્યું છે કે, સેલવાસના ડોક મરડીના આહીર ફળિયામાંથી પસાર થતી ગટર લાઈનની સાફ સફાઈ ચાલી રહી છે. આ દરમિયાન ગટરની આ મુખ્ય લાઈનની સફાઈ કરવા ગટરમાં ઉતરેલ એક કામદાર ગટરમાં ફસાયો હતો. જેને જોતા ત્રણ અન્ય સાથી પણ તેને બચાવવા ગટરમાં કુદ્યા હતા.
જોકે, બંને કામદારો અંદર ફસાઈ જતાં ત્રીજો સાથી કામદાર પણ ગટરમાં ફસાયેલા પોતાના સાથીદારોને બહાર કાઢવા અંદર કૂદી ગયો હતો. કમનસીબે ત્રણે કામદારો ગટરલાઇનમાં ફસાઈ જતા આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ સેલવાસ ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે, ગટરમાં ફસાયેલા કામદારની કોઇ ભાળ ન મળતા, તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, ઘટનાની જાણ થતા જ પ્રદેશના કલેકટર, પ્રશાસનનાં ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કાફલો અને નગરપાલિકાના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈ ગટરમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવા, ગટર લાઇન ખોદી કામદારોને બહાર કાઢવા માટે ઓક્સિજન સિલિન્ડર સાથે બચાવની ટીમ ગટરમાં ઉતરી હતી અને બચાવ માટે તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા.
જોકે, બચાવમાં કલાકોનો સમય વિતી જતા કમનસીબે ત્રણે કામદારોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. આખરે કલાકોની મહેનત બાદ ત્રણેય કામદારોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમયે મૃતક કામદારોના પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો અને લોકોની પણ આંખ ભીની થઇ ગઈ હતી. આમ, ગટરની સાફ સફાઈ કરવા ઉતરેલા ત્રણેય સફાઇ કર્મીઓ પોતાના એકબીજાના સાથીને બચાવવા માટે ગટરમાં છલાંગ લગાવી હતી. પરંતુ, ત્રણેયના મોત નીપજયું હતું.
આ ગંભીર ઘટનાને લઈ જવાબદાર અધિકારીઓ જવાબદારી અંગે ગોળ ગોળ વાત કરી રહ્યા છે. જોકે, આ ઘટના બાદ પ્રદેશમાં ગટર લાઈનની સફાઈ કરતા સફાઈ કર્મીઓની સુરક્ષા બાબતે બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું સાબિત થઈ રહ્યું છે. આથી જીવને જોખમમાં મૂકી કામ કરતા આવા સફાઈ કામદારોની સુરક્ષામાં ચૂક બાબતે કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. મૃતક કામદારોમાં ધાર્મિક, રાજેશ અને ઈશ્વરનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.