નજીવી બાબતે બોલાચાલી થતા સગાભાઈએ જ કુહાડીના ઘા ઝીંકીને કરી નાનાભાઈની હત્યા

સમગ્ર રાજ્યમાં હત્યાના બનાવોમાં ઉત્તરોતર વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક ઘટના સામે આવી રહી છે. બનાસકાંઠાનાં ડીસામાં સગા ભાઇએ જ ભાઈની હત્યા કરી હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. નજીવી બાબતમાં બન્ને ભાઈઓની વચ્ચે સામાન્ય તકરાર થતા મોટાભાઈએ નાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસને થતા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈને ગણતરીના કલાકોમાં હત્યારા ભાઈને પકડી પાડીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. ઘોર કળિયુગમાં કહેવામાં આવ્યું છે કે, ભાઇ ભાઈનો રહ્યો નથી.

સંબંધોનું ખૂન કરતી હોવાની ઘટના ડીસામાં બની છે. ડીસાના માર્કેટયાર્ડની પાછળ આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 21 વર્ષનાં પિન્ટુ ઉર્ફે રસિક સંપતભાઈ દેવીપૂજક તથા 32 વર્ષનાં સુરેશ સંપતભાઇ દેવીપૂજક નામના બંને અપરણિત ભાઈઓ તેની માતા સાથે રહેતા હતા.

બંને ભાઈઓ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. જો કે, તાજેતરમાં આર્થિક ભીંસમાં હોવાને લીધે દરરોજ બંને ભાઈઓ વચ્ચે નજીવી બાબતે તકરાર ચાલતી રહેતી હતી. જો કે, આ નજીવી બાબતે ચાલતી તકરારે મોટુ રૂપ ધારણ કર્યું હતું.

જેમાં ગતરોજ બંને ભાઈઓની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી કે, જેમાં ઉશ્કેરાયેલ મોટાભાઈ સુરેશે તેના જ નાનાભાઇ પિન્ટુને માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકી દીધા ત્યારે કુહાડીના ઘાથી પિન્ટુને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાની સાથે જ લોહી લુહાણ થઈ ગયો હતો.

પિન્ટુનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું હતું. જો કે, ઘટનાની જાણ થતાની સાથે લોકો ઘટનાસ્થળ પર એકત્ર થઈ ગયા હતા. ત્યારપછી આ સમગ્ર મામલાની જાણ ડીસા દક્ષિણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. જયારે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી તો મૃતકનાં મોટા ભાઈએ જ હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ દ્વારા મૃતકના મોટાભાઇ સુરેશને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કરીને ગણતરીનાં કલાકોમાં જ મોટા ભાઇ સુરેશને દબોચી લીધો હતો.

જો કે, હત્યારા સુરેશની પુછપરછ કરતા નજીવી બાબતમાં ચાલતા ઘરકકાસમાં જ હત્યા કરી હોવાનું ખુલતા પોલીસ દ્વારા હત્યારા સુરેશની અટકાયત કરીને જેલનાં સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે ત્યારે નજીવી બાબતોની તકરારમાં ખુદ નાના ભાઇની હત્યા કરનાર હત્યારા સુરેશ વિરુદ્ધ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *