ચૂંટણી આવે અને નેતાઓ ના પક્ષ પલ્ટા શરુ થાય છે. છેલ્લા 4 વર્ષથી ભાજપમાં જોડાતા નેતાઓનો ઘસારો વધુ રહ્યો છે પરંતુ સમયની સાથે સાથે હવે આ પરમ્પરા તૂટી હોય તેવું લાગી રહયું છે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપની એક જ દિવસમાં બે વિકેટ પડી ગઈ છે. ભાજપનાં સાંસદ હરિશ મીણા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા પછી ભાજપનાં એક ધારાસભ્યએ પણ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. ભાજપનાં નાગોરનાં ધારાસભ્ય હબીબુર રહેમાન કોંગ્રેસમાં જોડાયા છે. ચૂંટણીનાં થોડા દિવસો પહેલા જ રાજસ્થાન ના રાજકારણમાં ધમાસાણ મચ્યુ છે.
કોંગ્રેસનાં સાંસદ રઘુ શર્માની હાજરીમાં રહેમાન કોંગ્રેસમાં જોડાયા હતા.
રહેમાને કહ્યું કે, ભાજપમાં ચૂંટાયેલા સભ્યો ગુંગળાઇ રહ્યા છે એટલા માટે કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. હું 10 વર્ષ પહેલા કોંગ્રેસમાં જ હતો. હવે મારી ઘર વાપસી થઇ છે. કોઇ પણ શરત વગર હું કોંગ્રેસમાં જોડાયો છું. હું પાર્ટીને મજબુત કરવા માટે કામ કરીશ. હું નાનપણથી જ કોંગ્રેસ સાથે જોડાયેલો છું. મને પરિવારમાં પાછા ફરતા આનંદ થાય છે.”
રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે રહેમાન મંત્રી હતા. જો કે, 2008માં તેમને ટિકીટ ન મળતા, તેઓ ભાજપમાં જોડાયા હતા. આ પછી તેઓ બે વખત ભાજપનાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, સોમવારે ભાજપની યાદીમાં તેમનું નામ ન આવતા તેઓ નારાજ થયા અને કોંગ્રેસમાં જોડાઇ ગયા.
હાલ દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. આ પહેલા, ભાજપનાં દૌસા બેઠકનાં સાંસદ હરિશ મીના કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. હરિશ મીના ભાજપનાં જોડાયા હતા એ પહેલા રાજ્યનાં પોલીસ વડા હતા. આ પછી તેઓ રાજકારણમાં જોડાયા અને ભાજપની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.
મીનાનું કોંગ્રેસમાં જોડાવું અગત્યનું પરિબળ સાબિત થાય એમ છે, કેમ કે, ભારતીય જનતા પાર્ટી છેલ્લા છ મહિનાથી રાજસ્થાનમાં મીના કોમ્યુનિટીને ભાજપ તરફ વાળવા માટે પ્રયાસ કરી રહી છે. હરિશ મીના રાજસ્થાનમાં દૌસા બેઠક પરથી પ્રતિનિધિત્વ કરે છે. આ વિસ્તારમાં મીના સમાજ અને ગુજ્જર સમાજની વસ્તી ઘણી છે.
દેશમાં મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તિસઢમાં વિધાનસભા ચૂંટણીઓ ચાલી રહી છે. આ તમામ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો 11 ડિસેમ્બરનાં રોજ જાહેર થશે.