વડોદરા(ગુજરાત): વડોદરામાં એક કુરિયર કંપનીના ટેમ્પોમાંથી 3.57 લાખની કિંમતના 5 લેપટોપની ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના વડોદરાના અકોટા ગોવર્ધનનાથજીની હવેલી રોડ પર આવેલા કોમ્પ્લેક્ષ પાસેની છે. આ ઘટનામાં ચોરી કરનાર બંટી-બબલીને ગોત્રી પોલીસે થોડાક જ કલાકોમાં ધડપકડ કરી છે. ચોરી કરનાર મુખ્ય આરોપી અગાઉ ડી.એચ.એલ. કુરીયર કંપનીમાં નોકરી કરતો હતો. તે દરમિયાન કોઈ કારણોસર નોકરીમાંથી કાઢી મુક્યો હતો. જેના કારણે બદલાની ભાવનાથી ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના નાના હબીપુરા ગામ સ્થિત ઠાકોર ફળિયામાં જયેશ રામચંદ્ર પાટણવાડીયા પરિવાર સાથે રહે છે અને તે પોર જીઆઇડીસીમાં આવેલી ડી.એચ.એલ. કુરીયર કંપનીમાં હિરેન અશ્વિનભાઇ મહેતાનો છોટા હાથી ટેમ્પોમાં ડ્રાઇવિંગનું કામ કરે છે. એટલું જ નહીં, તેઓ કંપનીનો માલ સામાન ટેમ્પોમાં મૂકીને ઓર્ડર પ્રમાણે ડિલિવરી પણ કરે છે. તેના કાકાનો પુત્ર વરૂણ પાટણવાડીયા પણ તેની સાથે કામ કરે છે.
1 સપ્ટેમ્બરના રોજ 11:30 વાગ્યાની આસપાસ જયેશ પાટણવાડીયા અને તેના કાકાનો પુત્ર વરૂણ પાટણવાડીયા ટેમ્પોમાં એચ.પી. કંપનીના 8 લેપટોપ તેમજ અન્ય સામાન ભરીને ઓર્ડર પ્રમાણે ડિલિવરી માટે ગયા હતા. આ દરમિયાન રસ્તામાં એક માણેજા ખાતેની ઓફિસમાં એક લેપટોપની ડિલિવરી આપીને અકોટા ગોવર્ધનનાથજીની હવેલી રોડ ઉપર વૈકુંઠ કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે આવેલી ઓફિસમાં સામાનની ડિલિવરી કરવા માટે ગયા હતા.
પોલીસ ફરિયાદમાં જાણવા મળ્યું છે કે, બપોરે 2 વાગ્યાના સુમારે જયેશ પાટણવાડીયા વૈકુંઠ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે સામાનની ડિલિવરી આપીને અલકાપુરી સેવેક્ષ કંપનીમાં ડિલિવરી માટે ગયા હતા. તે દરમિયાન ટેમ્પોમાં મૂકેલા 7 લેપટોપમાંથી 5 લેપટોપ જાણતા તે પણ ચોંકી ઉઠ્યો હતો. ત્યારબાદ ગોત્રી પોલીસ મથકમાં તેણે આ બનાવ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી.
તપાસ દરમિયાન ગોત્રી પોલીસે લેપટોપની ચોરી કરનાર આરોપી મીતેશ મુકેશ પરમાર અને ભાવીકા ઉમેદભાઇ પઢિયારની અટકાયત કરી હતી. તેમની પાસેથી 5 લેપટોપ અને એક્ટિવા સહિત કુલ 3,67,222 રૂપિયાનો માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.