પંચમહાલ(ગુજરાત): તાજેતરમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જુના વલ્લભપુર ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાંથી જૂની વાડી ગામના 14 વર્ષીય સગીરની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જોકે, ત્રણ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ છે એ વિમાસણના કારણે મૃતદેહ આખી રાત નદીમાં પડી રહ્યો હતો. છેવટે સવારે ખેડા જિલ્લાની સેવાલીયા પોલીસ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જુના વલ્લભપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં 14 વર્ષીય સગીરની લાશ તરી રહી હોવાની જાણ જાગૃત નાગરિકને થતાં તેણે શહેરા પોલીસને જાણ કરી હતી. પરંતુ, નદીમાં મળી આવેલી લાશ ખેડા, પંચમહાલ કે મહીસાગર આ ત્રણમાંથી કયા જિલ્લાની હદમાં છે તે નક્કી ન થતાં આખી રાત લાશ નદીમાં પડી રહી હતી.
આ દરમિયાન, મૃતદેહ કયા જિલ્લાની હદમાં છે તે જાણવા કરતા માનવતાની રાહે કામગીરી કરવામાં આવે તેવી લાગણી સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ શહેરા પીઆઇ નીતિન ચૌધરી દ્વારા તત્પરતા દર્શાવતા અને કયા જિલ્લાની હદમાં મૃતદેહ છે તેની પરવા કર્યાં વગર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે.બી.સોલંકી દ્વારા જિલ્લાના પોલીસ તંત્રને ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી હતી. પરંતુ, તેમના જણાવ્યા અનુસાર સવાર સુધી આ મૃતદેહ પાણીમાં તરી રહ્યો હતો. આખરે ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ સ્ટેશનથી પોલીસ કર્મીઓ દ્વારા આ મૃતદેહ નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતદેહ જૂની વાડી ગામના 14 વર્ષીય સગીર વિરેન્દ્ર સોલંકીનો હોવાનું જાણવા મળ્યું હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.