હાલમાં શ્રીલંકા (Sri Lanka) માં ખાદ્યપદાર્થોની કટોકટી વધતી જ જાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે તમામ નાગરિકોને તેમના પોતાના ઉપયોગ માટે પોતાની જાતે જ શાકભાજી ઉગાડવા જણાવ્યું છે. આ માટે સરકાર લોકોને પ્રોત્સાહિત કરવા માટે જમીનના હિસાબે આર્થિક મદદ પણ કરી રહી છે તેવું જાણવા મળ્યું છે. સરકારનું કહેવું છે કે આનાથી કૃષિ ઉત્પાદકતામાં સુધારો થશે. શ્રીલંકામાં ખાદ્યપદાર્થોની અછત (The shortage of plenty of food) હોવાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે.
મળતી માહિતી મુજબ શ્રીલંકાની સરકારે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ 20 પેર્ચ જમીન એટલે કે, લગભગ 505 ચોરસ મીટરમાં શાકભાજીની ખેતી કરે છે, તો તેને 5000 રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે. તેમજ જે લોકો વધુમાં વધુ એક એકર સુધીની જમીન પર શાકભાજીની ખેતી કરવા માગે છે, સરકાર તેમને 10 હજારનું ભથ્થું આપશે. આ માહિતી સહ-કેબિનેટ પ્રવક્તા અને વૃક્ષારોપણ મંત્રી ડો. રમેશ પથિરાન દ્વારા આપવામાં આવી હતી.
મંત્રીએ કહ્યું કે તેનું લક્ષ્ય શ્રીલંકાના મુશ્કેલીગ્રસ્ત કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન અને માથાદીઠ વપરાશને વેગ આપવાનું છે. “સંકટના સમયે જ્યારે અમુક ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થયો હોય, ત્યારે અમે આ સવલતોનો ઉપયોગ કરવા માટે તમામ શ્રીલંકાને આદરપૂર્વક આમંત્રિત કરીએ છીએ”. સરકારે કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અમે તમામ શ્રીલંકાને આમાં સક્રિયપણે યોગદાન આપવા વિનંતી કરીએ છીએ.
જાણવા મળ્યું છે કે, શ્રીલંકાની સરકારે થોડા સમય પહેલા કહ્યું હતું કે હવે દેશમાં સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી કરવામાં આવશે. આ નિર્ણયનો ભારે વિરોધ થયો હતો. નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે આનાથી શ્રીલંકાની ખાદ્ય સંકટ વધુ મુશ્કેલ બનશે. કેટલાક સરકારી અધિકારીઓએ ખાદ્ય કટોકટી અંગે ચેતવણી આપી હતી, ત્યારબાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જો કે, હવે રાસાયણિક ખાતરો પરનો પ્રતિબંધ હવે નાબૂદ કરવામાં આવ્યો છે અને એગ્રોકેમિકલ્સની આયાતને મંજૂરી આપવામાં આવી છે. તેમ છતાં પણ ખેડૂતોને ખેતી માટે પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહેતું નથી.
22 ડિસેમ્બરે કૃષિ મંત્રાલયના સચિવ પ્રો. ઉદિત કે જયસિંઘેએ ખાદ્ય કટોકટી અંગે નિવેદન આપ્યું હતું, ત્યારબાદ ગોટાબાયા રાજપક્ષની સરકારે તેમને અનૌપચારિક રીતે પદ પરથી હટાવી દીધા હતા. આ પહેલા પણ સરકારના કૃષિ પરના ટોચના સલાહકાર પ્રોફેસર બુધી મારમ્બેને સરકારે હટાવી દીધા હતા. રાસાયણિક ખાતરો પરના સંપૂર્ણ પ્રતિબંધની ટીકા કર્યા બાદ તેમને તમામ સરકારી હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પોતાના ટીકાકારોને આ રીતે દબાવવા બદલ રાજપક્ષે સરકારની ટીકા થઈ રહી છે તેવું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.