ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા, સાધના ભવન માઉન્ટ આબુ દ્વારા સપ્ટેમ્બર-ઓક્ટોબર-૨૦૧૯માં નિ:શુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાનાર છે. જેની અંદર 18 થી 19 વર્ષની ઉંમર મર્યાદા ધરાવતા યુવક યુવતીઓ અરજી કરાવી શકે છે. આ વાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના કમિશનર દ્વારા જણાવાયું છે.
હિમાલય ભ્રમણ કાર્યક્રમમાં જોડાવવા માંગતા યુવક-યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. આ અરજીમાં પોતાનું પુરું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને શૈક્ષણિક લાયકાત વગેરે દર્શાવવાનું ફરજીયાત છે. તેની સાથે સાથે શારીરિક તંદુરસ્તી અંગેનું આરોગ્ય પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતી, ચઢાણનો કોચિંગ કોર્ષ કર્યાનું પ્રમાણપત્ર સામેલ હોવું જરૂરી છે. ઉપરાંત માઉન્ટ આબુ/જુનાગઢ ખાતે માનદ્ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી હોય તો તેની વિગતો દર્શાવવાની રહેશે.
સંપૂર્ણ વિગતો સાથેની અરજી તારીખ 31.8.2019 સુધીમાં આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, માઉન્ટ આબુ-૩૦૭૫૦૧ને આર.પી.એ.ડી.થી મોકલી આપવાની રહેશે.ઉમેદવારોની લાયકાત અને ગુણવત્તાના આધારે પસંદગી કરાશે. પસંદગી પામેલ ઉમેદવારોને તેમના વતનથી હિમાલય ખાતેના ભ્રમણ સ્થળ સુધી જવા-આવવાના પ્રવાસ ખર્ચ, ભોજન ખર્ચ તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે.અન્ય વ્યક્તિગત સાધન સામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલા ઉમેદવારને જાણ કરાશે.