યુક્રેનમાં(Ukraine) વર્તમાન અનિશ્ચિત વાતાવરણને ધ્યાનમાં રાખીને ભારતે(India) પોતાના નાગરિકોને અસ્થાયી રૂપે યુક્રેન છોડવાની સલાહ આપી છે. કિવમાં ભારતીય દૂતાવાસે ખાસ કરીને યુક્રેનમાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને ઘરે પરત ફરવા કહ્યું છે. યુક્રેન અને રશિયા(Russia) વચ્ચે ચાલી રહેલ તણાવ યુદ્ધમાં ફેરવાઈ જવાની સંભાવનાને કારણે આ સલાહ આપવામાં આવી છે. યુએસ (US), યુકે (UK), નોર્વે (Norway), જાપાન (Japan), લાતવિયા (Latvia) અને ડેનમાર્ક (Denmark) આ તણાવને કારણે પહેલાથી જ તેમના નાગરિકોને યુક્રેન છોડવા માટે કહી ચૂક્યા છે.
મળતી માહિતી અનુસાર ભારતીય દૂતાવાસે યુક્રેનમાં હાજર ભારતીયોને યુક્રેન છોડવા માટે સલાહ પત્ર મોકલ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને યુક્રેન છોડીને અસ્થાયી ધોરણે ઘરે પરત ફરવાની સલાહ આપવામાં આવી રહી છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે, ભારતીય નાગરિકોએ કોઈપણ જરૂરી કામ વગર યુક્રેન ન જવું જોઈએ અને ત્યાં હાજર નાગરિકોએ પણ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું જોઈએ.
યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં યુક્રેન મુદ્દે રશિયા વિરુદ્ધ અમેરિકાના પ્રસ્તાવ પર વોટિંગ કરવાથી ભારત દૂર રહ્યું હતું. આ સાથે ભારતે શાંતિપૂર્ણ મંત્રણા દ્વારા તાત્કાલિક તણાવ ઘટાડવાની અપીલ કરી હતી. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ સ્પષ્ટતા કરી હતી કે ભારતનું હિત એવા ઉકેલ શોધવામાં રહેલું છે કે, જે તમામ દેશોના કાયદેસર સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખીને તરત જ તણાવને દૂર કરી શકે અને તેનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં અને તેનાથી આગળ લાંબા ગાળાની શાંતિ અને સ્થિરતા હાંસલ કરવાનો છે.
યુક્રેનના મામલામાં રશિયા પર કડક પ્રતિબંધો લાદવાની પશ્ચિમી દેશોની ધમકીઓ વચ્ચે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે રશિયા સામેના કોઈપણ આર્થિક પ્રતિબંધમાં પક્ષકાર બની શકે નહીં. તે દરમિયાન વિવાદને કારણે પૂર્વ યુરોપમાં યુદ્ધની સંભાવના વચ્ચે યુક્રેનમાં એન્જિનિયરિંગ અને મેડિસિનનો અભ્યાસ કરતા 20,000 ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, પંજાબ અને રાજસ્થાનના છે.
આ વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા માટે દિલ્હીમાં રાષ્ટ્રપતિ સચિવાલયમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે- દેશભરમાંથી 18 થી 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુક્રેનની વિવિધ યુનિવર્સિટીઓમાં ગયા છે. તેમના જીવન સાથે જોડાયેલા ગંભીર મુદ્દા પર ભારત સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
જાણવા મળ્યું છે કે, રશિયાએ યુક્રેનની સરહદ પાસે એક લાખથી વધુ સૈનિકો એકઠા કર્યા છે. આનાથી પ્રદેશમાં યુદ્ધની શક્યતા વધી ગઈ છે. રશિયાએ સતત એ વાતનો ઇનકાર કર્યો છે કે, તે યુક્રેન પર હુમલાની યોજના બનાવી રહ્યું છે, પરંતુ અમેરિકા અને તેના NATO સહયોગીઓનું માનવું છે કે રશિયા યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે અને તેની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ, રશિયાની મુખ્ય માંગણીઓમાં યુક્રેનને NATOમાં સામેલ ન કરવા અને આ વિસ્તારમાંથી આવા હથિયારો હટાવવાનો સમાવેશ થાય છે, જેનાથી રશિયાને ખતરો બની શકે. આવા અનિશ્ચિત વાતાવરણને ધ્યાનમાં રાખીને ભારતે પોતાના નાગરિકોને પરત ફરવા માટે અપીલ કરી છે અને તેઓને પરત લાવવામાં પણ મદદ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.