શતાબ્દી મહોત્સવ: ‘મંદિર ગૌરવ દિન’માં હાજર રહ્યા અનેક દિગ્ગજો- પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતા જાણો શું કહ્યું

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: ગઈકાલે મહોત્સવના ચોથા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શન કરવા માટે આવ્યા હતા. તેઓ ‘મંદિર ગૌરવ દિન’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

જણાવી દઈએ કે, પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે સાંજે 5.15 વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વના 19 જેટલાં દેશોના 150 કરતાં વધુ બાળકો-યુવાનોના સંગીત વૃંદ દ્વારા 33 જેટલાં વિભિન્ન ભારતીય વાદ્યો દ્વારા અદ્ભુત ભક્તિ સંગીતની પ્રસ્તુતિ થઈ હતી. સિમ્ફની નામથી પ્રખ્યાત આ સંગીત કાર્યક્રમમાં વિશ્વના અનેક સંગીતજ્ઞ ભક્તો પણ જોડાયા હતા.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપના ચેરમને શિવકુમાર સુન્દરમ્ એ જાણો શું કહ્યું:
શિવકુમાર સુન્દરમ્ એ જણાવતા કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજનો જીવન મંત્ર એ માનવ સેવા હતો. મારા માટે મંદિરો એ શક્તિના કેન્દ્રો છે અને તેના કારણે વ્યસનમુક્તિ જેવા અનેક સમાજ સેવાના કાર્યો થાય છે. 1990 માં હું મુંબઈ આવ્યો હતો અને મારું પહેલું નિવાસ સ્થાન હતું “દાદર સ્વામિનારાયણ મંદિર” અને આજે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી આપના સામે ઊભો છું. “જનસેવા એ જ પ્રભુસેવા” એ સૂત્ર આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આબેહૂબ જોવા મળે છે. હું સ્વામિનારાયણ સંસ્થા અને મહંત સ્વામી મહારાજ નો ઋણી છું કે આપે મને અહી આવવાનો મોકો આપ્યો.

સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયા:
ગગજી સુતરીયાએ કહ્યું હતું કે, BAPS માં પ્રમુખસ્વામી મહારાજ ના હોત તો આ સંસ્થા સફળતાના શિખરો સર ના કરી શકી હોત. BAPS સંસ્થાને સંપૂર્ણ સહયોગ માટે સરદારધામ ટ્રસ્ટ હંમેશા કટિબદ્ધ છે.

અયોધ્યા રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરિ મહારાજ:
આજે મારું અહોભાગ્ય છે કે હું અહી દિવ્ય તીર્થ અંને કુંભ મેળા રૂપી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું પરંતુ મને દુઃખ પણ થાય છે કે હું અહી માત્ર ૧ દિવસ માટે જ કેમ આવ્યો. પ્રમુખસ્વામી મહારાજે દર્શાવેલી દિશામાં જીવન જીવીશું તો જીવન ઉન્નત બનશે. પ્રમુખસ્વામી મહારાજ ચૈતન્ય મંદિર સમાન હતા કારણકે તમામ નાના મોટા લોકોને પ્રમુખસ્વામી મહારાજ પોતાના લાગતા હતા. પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં સાધુ હતા કારણકે સાધુ નો જીવન મંત્ર “સર્વજીવહિતાવહ” હોય છે અને પ્રમુખસ્વામી મહારાજ દશેય દિશામાં ગંગાની જેમ વહીને સર્વજીવોના કલ્યાણ માટે જીવનભર પુરુષાર્થ કરતા રહ્યા છે.

વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામ મંદિર ને ૧૦૦૦ વર્ષ સુધી નુકશાન ના થાય એવું બનાવડાવ્યું છે પરંતુ પ્રમુખસ્વામી મહારાજે જે સાધુતા યુક્ત સંત સમાજ અને સમર્પિત સ્વયંસેવક સમાજનું નિર્માણ કર્યું છે તેને તો ચિરંતન કાળ સુધી નુકશાન નહિ થાય એવો મને દ્રઢ વિશ્વાસ છે. આજે હું પ્રમુખસ્વામી મહારાજને એક જ પ્રાર્થના કરવા માગું છું કે, “તમે સૂરજ સમા તેજસ્વી છો તેનું એક નાનું કિરણ અમારા જીવનમાં પણ ઉતરે જેથી અમારું જીવન પણ ઉન્નત થઈ જાય”

આ BAPS સંપ્રદાય એ તમામ સંપ્રદાયોનું નેતૃત્વ કરી શકે તેવો સંપ્રદાય છે અને તેના માટે હું પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. ભારત દેશના ઉત્થાન કાર્યમાં પ્રમુખસ્વામી મહારાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો અતુલ્ય યોગદાન છે અને તેના કારણકે દુનિયાના દેશો ગૌરવ સાથે ભારત દેશ ને જોવે છે.

વિશ્વ ઉમિયાધામ પ્રમુખ રતિભાઈ પટેલ:
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં નતમસ્તકે વંદન કરું છું અને સાથે સાથે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને નતમસ્તકે વંદન કરું છું. મને ગૌરવ થાય છે કે આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કારણકે પ્રમુખસ્વામી મહારાજે દેશ અને વિદેશના હજારો હરિભક્તોમાં સેવા અને સમર્પણની ભાવનાને પ્રજ્વલિત રાખી છે અને સેવા પરમો ધર્મ સૂત્ર ને સાકાર કર્યું છે.

પ્રમુખસ્વામી મહારાજે હરિભક્ત ને જે પ્રેમ આપ્યો છે તેનું ઋણ ચૂકવવા માટે વિશ્વભરના હરિભક્તો એ નગરની રચના કરી છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિ નું મૂળ આધ્યાત્મિક ચેતના છે અને તેનો આધાર મંદિર છે અને હિન્દુ સંસ્કૃતિ ને જાગૃત રાખવાનું કાર્ય પ્રમુખસ્વામી મહારાજે મંદિરો બાંધીને કર્યું છે. ઉમિયાધામ મંદિરની પ્રથમ શિલાનું પૂજન મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે થયું છે. મંદિર થકી માનવ ઉત્કર્ષનું ભગીરથ કાર્ય પ્રમુખસ્વામી મહારાજે બાંધેલા મંદિરો દ્વારા કરવામાં આવે છે.

સંધ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ દિગ્ગજો:
જણાવી દઈએ કે, ડૉ રમાકાંત પાંડા, ચીફ કન્સલ્ટન્ટ ફોર કાર્ડીઓવાસ્ક્યુલર થોરાસિક સર્જન, રતિભાઈ પટેલ, પ્રમુખ-વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, પૂજ્ય સ્વામી ગોવિંદ દેવ ગિરિજી, કોશાધ્યક્ષ- શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, ગગજી સુતરીયા, પ્રમુખ – સરદારધામ, એસ. સિવકુમાર, ચેરમેન – એક્સિક્યુટિવ કમિટી – BCCL,( ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ) અને  યશવંતભાઈ શુક્લ, ચેરિટી કમિશનર – ગુજરાત સરકાર હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *