Pramukh Swami Shatabdi Mahotsav: ભારતના નૈતિક ઘડતરમાં સંત પરંપરાનું યોગદાન અનેરું છે. ભગવાન સ્વામિનારાયણે પણ એક વિશિષ્ટ સંત પરંપરાની ભેટ આપીને આ પરંપરાને ગૌરવાન્વિત કરી હતી. તેમણે ત્રણ હજાર થી વધુ પરમહંસો દ્વારા પવિત્ર નૈતિક, આધ્યાત્મિક જીવન જીવવા લાખો લોકોને પ્રેરિત કરીને શાંત ક્રાંતિ કરી હતી.
તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના પાંચમા ગુરુદેવ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મની મહાન સંત પરંપરાનું ગૌરવ વધાર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજના આ અપ્રતિમ યોગદાનને અંજલિ અર્પવા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે રાષ્ટ્રીય સંત સંમેલનનું આયોજન થયું હતું. જેમાં 250 કરતાં વધુ સંતો, મહંતો અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આજે સવારે 9 વાગ્યે નગરના મુખ્ય દ્વાર પાસે સર્વે અતિથિ સંતોનું વૈદિક મંત્રોચ્ચાર અને શાંતિ પાઠ સાથે પુષ્પમાળા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર પછી સર્વે સંતો શોભાયાત્રાના સ્વરૂપમાં પ્રમુખસ્વામી મહારાજની વિશાળ પ્રતિમા પાસે પહોંચ્યા. ત્યાં વેદોક્ત પૂજન સાથે સૌ સંતોએ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં. પૂજન અને પ્રદક્ષિણા બાદ સર્વે સંતોએ સમ્મેલનના સભાગૃહમાં સ્થાન ગ્રહણ કર્યું.
સાંજની સભામાં BAPS ના સંગીતવૃંદ દ્વારા ભક્તિ સંગીતના વિશિષ્ટ કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. BAPS ના પૂજ્ય આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ પ્રમુખસ્વામી મહારાજના સંતત્વના વિરલ ગુણો વિષે વક્તવ્ય આપ્યું હતું. BAPS ના વરિષ્ઠ સંતો દ્વારા સાધુતાના શિખર એવા પ્રમુખસ્વામી મહારાજ વિષે મનનીય પ્રવચનો કરવામાં આવ્યા હતાં.
સંત સંમેલનમાં પૂજ્ય સંતોનાં વક્તવ્યોના અંશો
ભારતીય આચાર્ય સભાના પ્રમુખ, પૂજ્યપાદ પરમાત્માનંદજી મહારાજે જણાવ્યું,
“સૌ પ્રથમ વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજને પ્રણામ. આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર છે કારણ કે આજે આ ભૂમિ સાધુ સંતોનાં ચરણકમળથી પાવન થઈ છે. કોઈ પણ સંસ્થાના પ્રાણ એ તેના સાધુ અને તેમની સાધુતા છે અને એ જ રીતે પ્રમુખસ્વામી મહારાજે ચારિત્ર્યયુક્ત સાધુ સમાજનું નિર્માણ કર્યું છે. ગુલામીના સમયમાં અનેક મંદિરોનો વિનાશ કરવામાં આવ્યા છે તો પણ હિન્દુ ધર્મનું રક્ષણ થયું છે કારણ કે તેનું રક્ષણ ખુદ ભગવાન અને અહીં પધારેલા સાધુ સંતો કરી રહ્યા છે.”
અખાડા પરિષદ અધ્યક્ષના પૂજ્ય રવીન્દ્રપૂરી મહારાજે જણાવ્યું,
“સૌ પ્રથમ હું દિવ્ય મહાન વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને વંદન કરું છું કારણકે તેમના જન્મશતાબ્દી મહોત્સવમાં આપણે સૌ અહીં મળ્યા છીએ. પ્રમુખસ્વામી મહારાજે જીવનમાં ગુજરાતથી લઈને વિશ્વનાં દરેક ખૂણે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે અને જે લોકો હિન્દુ ધર્મને માનતા નથી તેવા દેશમાં પણ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. દેશમાં ક્યાંય પણ ભગવા કપડાંને જોઈને સૌ વંદન કરે છે તે માટે આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજના આભારી છીએ કારણ કે તેમણે સાધુ સમાજનું ગૌરવ વધાર્યું છે.”
અખાડા પરિષદ અધ્યક્ષના પૂજ્ય રવીન્દ્રપૂરી મહારાજે જણાવ્યું,
“સૌ પ્રથમ હું દિવ્ય મહાન વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને વંદન કરું છું કારણકે તેમના જન્મશતાબ્દી મહોત્સવમાં આપણે સૌ અહીં મળ્યા છીએ. પ્રમુખસ્વામી મહારાજે જીવનમાં ગુજરાતથી લઈને વિશ્વનાં દરેક ખૂણે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે અને જે લોકો હિન્દુ ધર્મને માનતા નથી તેવા દેશમાં પણ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. દેશમાં ક્યાંય પણ ભગવા કપડાંને જોઈને સૌ વંદન કરે છે તે માટે આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજના આભારી છીએ કારણ કે તેમણે સાધુ સમાજનું ગૌરવ વધાર્યું છે.”
પૂજ્ય કૃષ્ણમણી મહારાજે જણાવ્યું,
“ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વવ્યાપી બનાવવા અનેક સાધુ સંતોનું યોગદાન રહ્યું છે.
પોતાની જીવનશૈલીથી અને કાર્યોથી સમાજ ઘડતરનું કાર્ય કરવું એ આપણાં સાધુ સમાજનું કર્તવ્ય છે અને પ્રમુખસ્વામી મહારાજે તેમના સાધુતાયુક્ત જીવનથી અનેક લોકોને પ્રેરણા આપી છે.”
નિર્મલ અખાડાના અધ્યક્ષ પૂજ્ય જ્ઞાનદેવસિંહજી મહારાજે જણાવ્યું,
“સૌ પ્રથમ ભારતમાં જેટલા સંપ્રદાયો છે તેના તમામ સંતો-મહંતો તેમજ પ્રમુખસ્વામી મહારાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતોને વંદન કરું છું. આજે માત્ર ને માત્ર પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી ભારતવર્ષના તમામ સાધુ-સંતોનાં દર્શન આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થાય છે એ આપણાં માટે સૌભાગ્યની વાત છે. પ્રમુખસ્વામી મહારાજે તેમની પાસે આવેલા તમામ માણસોને અમૃત પીવડાવ્યું છે અને તેઓ સાચા અર્થમાં સંત પરમહિતકારી અને માનવતાના પૂજારી છે.”
આચાર્ય અવિચલદાસજી મહારાજે જણાવ્યું,
“સંતોની ભૂમિકા સમાજ માટે શું હોવી જોઈએ એ સમજવું હોય તો તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ અને બી.એ.પી.એસ સંસ્થા છે. આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈ રહ્યા છીએ એના નિર્માણ કાર્યમાં આ સાધુ સંતોએ ખૂબ જ પરિશ્રમ કર્યો છે અને ઉત્તમ વ્યવસ્થાનું આયોજન કર્યું છે. ભારતમાં અનેક ધર્મો અને સંપ્રદાયો છે અને દરેક ધર્મમાં આદર્શ ઉત્તરાધિકારીની જરૂર હોય છે અને પ્રમુખસ્વામી મહારાજે ૧૦૦૦ થી વધારે સંતોની ફોજ તૈયાર કરી દીધી છે. ધર્મ પ્રચારનું કાર્ય તો ઘણા લોકો કરી શકે છે, પણ સાચા અર્થમાં જેણે પોતાના ઘર અને પરિવારનો ત્યાગ કર્યો હોય તે જ સંત સમાજનો ઉદ્ધાર કરી શકે છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સેવા અને સમર્પણનાં દર્શન થાય છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.