જાણો આજના દિવસે કેમ કરવામાં આવે છે મૃત્યુના દેવ યમરાજની પૂજા ?

આપણા દેશમાં સૌથી વધારે ધામધૂમથી ઉજવાતા તહેવાર દિવાળીની શરૂઆત ધનતેરસથી થાય છે. ધનતેરસ કાળી ચૌદસના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. આજે ધનતેરસ છે. આજે ખરીદેલી વધુઓ ખૂબજ શુભ ગણાય છે. ધનતેરસની પૂજાને ધનત્રયોદશીના નામથી પણ ઓળખવામાં આવે છે.

ધનતેરસનો દિવસ ધન્વતરી તેરસ કે ધન્વતરી જયંતિના નામે પણ ઓળખાય છે. ધન્વતરી આયુર્વેદના દેવતા માનવામાં આવે છે. આ દિવસે ગણેશ-લક્ષ્મીને ઘરે લાવવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસે કોઇ કોઇને ઉધાર નથી આપતું. બધી જ વસ્તુઓ રોકડાથી ખરીદવામાં આવે છે. આજના દિવસે લક્ષ્મી અને કુબેરની સાથે-સાથે યમરાજની પણ પૂજા કરવામાં આવે છે.

આખા વર્ષમાં એકમાત્ર આ જ એ દિવસ છે, જ્યારે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવામાં આવે છે. આ પૂજા રાત્રે કરવામાં આવે છે. યમ માટે લોટનો દિવો બનાવી ઘરના મુખ્ય દ્વાર પર મૂકવામાં આવે છે. આ દિવાને યમનો દિવો કહેવામાં આવે છે. તેની દિવેટ દક્ષિણ દિશા તરફ રાખવી જોઇએ. નારાસડી, જળ, ફૂલ, ચોખા, ગોળ, નૈવેધ વગેરેથી સ્ત્રીઓ યમના દિવાની પૂજા કરે છે.

આ દિવો મૃત્યુના દેવ યમરાજ માટે કરવામાં આવતો હોવાથી, દિવો કરતી વખતે શ્રદ્ધાથી નમન કરી પ્રાર્થના કરવામાં આવે છે કે, ઘરના સભ્યો પર કૃપાદ્રષ્ટિ રાખે અને કોઇનું અકાળ મૃત્યુ ન થાય.

ચાંદી હોય છે ચંદ્રનું પ્રતીક

ધનતેરસના દિવસે ચાંદીની ખરીદીની પણ પ્રથા છે. જો ચાંદી ખરીદવી શક્ય ન હોય તો કોઇ વાસણ પણ ખરીદી શકાય છે. ચાંદી ખરીદવા પાછળ માનવામાં આવે છે કે, ચાંદી, ચંદ્રનું પ્રતિક છે, જે શીતળતા પ્રદાન કરે છે અને મનમાં સંતોષ રૂપી ધનનો વાસ થાય છે. સંતોષ જ સૌથી મોટું ધન ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *