વડોદરાના રણોલી હાઈવે પર ટ્રેક્ટર ચાલકે બ્રેક મારતા રિક્ષા પાછળ ઘૂસી ગઈ, 7 વર્ષની બાળકીનું કરુણ મોત

Vadodara News: રાજ્યમાં દિવસેને દિવસે ગોઝારી અકસ્માતનો સિલસિલો યથાવત રહેતો જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા નજીક રણોલી હાઇવે બ્રિજ ઉપર ટ્રેક્ટર પાછળ પરિવાર સવાર ઓટો રિક્ષા ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓટો રિક્ષામાં સવાર પરિવારની બાળકીનું સ્થળ (Vadodara News) પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે 3 વ્યક્તિને ઇજાઓ પહોંચતા તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સાત વર્ષીય બાળકીનું સ્થળ પર કરુણ મોત
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના કલોલ ખાતેથી એક પરિવાર ઓટો રિક્ષામાં મરણ કાર્યમાં જવા માટે નીકળ્યો હતો. આ દરમરિયાન પરિવારને રણોલી હાઈવે બ્રિજ ઉપર અકસ્માત નડ્યો હતો.જેમાં આગળ જતાં ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી રિક્ષા ટ્રેક્ટરની પાછળ ધડાકા સાથે ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષાના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે પરિવારની સાત વર્ષીય બાળકીનું સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને રવાના થઈ ગયો હતો
આ બનાવને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જો કે લોકો સ્થળ પર પહોંચે તે પહેલાં ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને રવાના થઈ ગયો હતો. ટોળે વળેલા લોકોએ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. સારવાર લઈ રહેલા ત્રણે વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.આ બનાવની જાણ છાણી પોલીસને થતાં પોલીસ તુરતજ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મોતને ભેટેલ બાળકીના મૃતદેહનો કબજે લઈ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રાફિક વ્યવહાર ખોરવાયો
રણોલી બ્રિજ ઉપર બનેલા બનાવે વિસ્તારમાં ગમગીની ફેલાવી દીધી હતી. આ બનાવને પગલે એક તબક્કે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. અડધો કલાક બાદ ટ્રાફિક વ્યવહાર પૂર્વવત થયો હતો. આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.