અગામી 48 કલાક હીટવેવની આગાહી: ગુજરાતીઓ કાળજાળ ગરમીમાં શેકાવા થઇ જાવ તૈયાર, 43 ડિગ્રીએ પહોંચશે તાપમાન

Heatwave Forecast: ગુજરાતમાં હાલ ભુક્કા બોલાવતી ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે કાળઝાળ ગરમી સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. મંગળવારે અમદાવાદમાં 43.3 ડિગ્રી જ્યારે ભુજમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. હવામાન વિભાગની આજની(Heatwave Forecast) આગાહી પ્રમાણે, હીટવેવ અને વરસાદ બંનેની આગાહી આગામી સાત દિવસ માટે આપવામાં આવી છે.હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વાદળછાયું હવામાન થશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે
ગુજરાતમાં હાલ આગ ઓકતી ગરમી પડી રહી છે. ત્યારે મંગળવારે રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો હતો. અમદાવાદમાં બે દિવસ બાદ ચાર ડિગ્રી પારો ઉપર ગયો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા પ્રિ મોન્સુન એક્ટિવિટીની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કાંઠા વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે મંગળવારે અંબાજી અને અરવલ્લીમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયુ હતુ.હવામાન વિભાગએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે હળવા વરસાદની સંભાવનાઓ કેટલાક વિસ્તારો માટે છે. વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાત માટે વ્યક્ત કરાઈ રહી છે.

અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો
ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ છે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 41થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.આ ગરમીની વચ્ચે મંગળવારે અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. આવનારા દિવસોમાં પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં આવી વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે.સામાન્ય રીતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત પહેલાં મે મહિનામાં રાજ્યમાં ભારે ગરમી પડતી હોય છે અને દર ઉનાળે ગુજરાતમાં હીટવેવની સ્થિતિ જોવા મળે છે.

ગુજરાતમાં આ દિવસોમાં પડશે વરસાદ
હવામાન વિભાગે ગુજરાતમાં 11 મે સુધી હીટવેવની ચેતવણી આપી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો તથા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાનમાં કોઈ ઘટાડો થવાની સંભાવના નથી. જોકે, 11 મે બાદ રાજ્યના હવામાનમાં પલટો આવે તેવી સંભાવના જોવા મળી રહી છે અને અનેક વિસ્તારોમાં ફરીથી વાદળો છવાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે 12 અને 13 મેના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. સામાન્ય રીતે ભારતમાં એપ્રિલ મહિના બાદ પ્રિ-મૉન્સુન ઍક્ટિવિટીની શરૂઆત થતી હોય છે. એટલે કે આ એપ્રિલથી મે મહિનાના અંત સુધી અને ગુજરાતમાં 15 જૂન સુધી ચોમાસા પહેલાંનો વરસાદ પડતો હોય છે. વરસાદને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં થોડા સમયમાંથી ગરમીમાંથી થોડી રાહત મળે તેવી સંભાવના છે. ગુજરાતમાં હાલ ગરમીને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ આપ્યું છે અને 11 મે સુધી આ જ પ્રકારની સ્થિતિ રહે તેવી સંભાવના છે.

અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી રહેશે
આગામી 24 કલાકમાં અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેશે. તે બાદ અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. હીટવેવની વાત કરતા કચ્છમાં તાપમાન વધતા હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે તેમ જણાવ્યુ છે. કચ્છમાં વધતા તાપમાનને કારણે યલો એલર્ટની શક્યતા દર્શાવવામાં આવી છે.

ગુજરાતમાં આ વખતે કેવું રહેશે ચોમાસું?
હવામાન વિભાગે હાલ જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે માત્ર ચાર મહિનાના લાંબા ગાળાનું પૂર્વાનુમાન છે, જેમાં દર મહિને કેટલો વરસાદ પડશે તેની વિગતો નથી. આ વિગતો મે મહિનાના અંતમાં જારી કરવામાં આવશે. ઉપરાંત, કયા રાજ્યમાં કેટલો વરસાદ પડશે તે પ્રમાણે કોઈ આંકડા આપવામાં આવ્યા નથી. પરંતુ હવામાન વિભાગે લાંબા ગાળાની સરેરાશનો એક નક્શો જારી કર્યો છે. આ નક્શા પ્રમાણે ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું ખૂબ સારું રહે તેવી સંભાવના છે. નક્શા પ્રમાણે રાજ્યમાં ચાર મહિનાની લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. નક્શા પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે.