Ahemdabad Accident: અમદાવાદમાં(Ahemdabad Accident) મોડી રાત્રે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત જોઈને ભલભલા હચમચી ગયા છે. શહેરના બોપલ વિસ્તારમાં ફોર્ચ્યુનર કાર, થાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં 3 લોકોનાં મોત નીપજ્યાંના અહેવાલ છે. સાથે જ ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, ફોર્ચ્યુનરમાં દારૂની ખેપ ચાલી રહી હતી. દરમિયાન, બેફાન આવતા બુટલેગરે અકસ્માત સર્જ્યો હતો. ત્યારે આ મામલે બોપલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
થારે યુટર્ન લેતા ફોર્ચ્યુનરે મારી ટક્કર
મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલમાં વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ જતા બુટલેગરની કારનો અકસ્માત સર્જાયો હતો. બુટલેગરની ફોર્ચ્યુનર કાર વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુએ એક થારે યુટર્ન મારતા બંને કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે થાર 150 ફૂટ દૂર સુધી ફંગોળાઈ હતી અને તેમાં સવાર બંને વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે ફોર્ચ્યુનરમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને 30 વર્ષીય રાજુ સાહુ નામના શખ્સને બચાવી લેવાયો હતો. વિગતો મુજબ અકસ્માત વહેલી સવારે 4.31 વાગ્યે સર્જાયો હતો.
અકસ્માત બાદ રોડ પર દારૂની રેલમછેલ
ફોર્ચ્યુનર કારમાં દારૂનો જથ્થો ભરેલો હતો. અકસ્માત બાદ રોડ પર દારૂ અને બિયરની ટીનનો મોટો જથ્થો રોડ પર ઢોળાયો હતો અને ફોર્ચ્યુનર કારનો કુરચો વળી ગયો છે. કારમાં ફસાયેલા ઈજાગ્રસ્ત વ્યક્તિને બહાર કાઢવા માટે પોલીસને ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી અને કારના પતરા કાપીને ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં યુવકને સોલા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
બેફાન આવતા બુટલેગરે સર્જ્યો અકસ્માત?
અક્સમાતને પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન, ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. જો કે, ફોર્ચ્યુનર કારના માલિક અને તેને કોણ ચલાવી રહ્યું હતું ? તેમાં કેટલાક લોકો હતા તે અંગેની વિગત હાલ સામે આવી નથી. પ્રાથમિક તપાસ મુજબ, ફોર્ચ્યુનરમાં દારૂની ખેપ ચાલી રહી હતી. દરમિયાન, બેફાન આવતા બુટલેગરે અકસ્માત સર્જ્યો હતો. મૃતક લોકોની ઓળખ કરાઈ રહી છે. પોલીસે હાલ મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ગોઝારી ઘટના બનતા અનેક સવાલો
ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ લેશે આવા બુટલેગરો ?, પોલીસને માત્ર હપ્તામાં જ રસ છે કે કાર્યવાહી પણ થશે ?, કેમ બુટલેગરોને દાખલારૂપ સજા નથી અપાતી ?, અમદાવાદમાં બેફામ બુટલેગરોને કોનું છે રક્ષણ ?, ક્યાં સુધી આવા બુટલેગરોને છાવરશે પોલીસ ?, શું બેફામ બુટલેગરોને નથી પોલીસનો ડર?
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App