ડુમસની 2000 કરોડની જમીન કૌભાંડમાં ACBમાં પણ ગુનો દાખલ કરવા દર્શન નાયકની માંગ

Dumas’ 2000 crore land scam: સુરતના ડુમસ વિસ્તારની 2000 કરોડની જમીન કૌભાંડ મામલે તત્કાલ આયુષ ઓકની અટકાયત કરવામાં આવી છે. ત્યારે આ કૌભાડમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ કલેકટર આયુષ ઓક તેમજ અન્ય જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક અસરથી(Dumas’ 2000 crore land scam) પગલાં લેવા અને એસીબીની તપાસ કરવાની માંગ કરાઈ છે. ત્યારે આ મામલે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક ગાંધીનગર સ્થિત પોલીસ વડા અને એસીબીના નિયામકને આવેદનપત્ર પાઠવ્યું છે.

દર્શન નાયકે આ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, ડુમસમાં આવેલી અંદાજિત રૂ. બે હજાર કરોડ ઉપરાંતની સર્વે નં. ૩૧૧/૩ વાળી અંદાજિત ૨૧૭૨૧૬ ચોરસ મીટર સરકારી પડતર જમીન સસ્પેન્ડેડ કલેકટર આયુષ ઓકે સરકારી જમીનમાં ગણોતિયાના નામો દાખલ કરવા માટે તેમની સત્તાનો દૂરપયોગ કર્યો છે. આગળ તેમણે જણાવ્યું કે કરોડો રૂપિયાની લાંચ મેળવી છે એવું અમારું સ્પષ્ટ માનવું છે.

સરકાર દ્વારા કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લાંચ રૂશ્વત અધિનિયમની કલમ-૭ મુજબ સસ્પેન્ડેડ કલેકટર આયુષ ઓક સંપૂર્ણપણે જવાબદાર છે. અને તેમની સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવી આવશ્યક છે. તમને જણાવી દઈએ કે ડુમસની સર્વે નં. ૩૧૧/૩ વાળી સરકારી શીર પડતરની જમીનમાં સસ્પેન્ડેડ કલેકટર આયુષ ઓક દ્વારા ગણોતિયાના નામો દાખલ કરવા માટે ખોટી રીતે હુકમ કરવામાં આવ્યો હતો.

જે બાદ ફરિયાદને આધારે કલેકટર આયુષ ઓકને ગુજરાત સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કેસની તમામ હકીકતો ઉપરથી સાબિત થાય છે કે સસ્પેન્ડેડ કલેકટર આ બાબતે સંપૂર્ણપણે જવાબદાર છે. તેમની બદલીના 2 દિવસ પહેલા જ હુકમ કરવામાં આવ્યો હતો, તેમના હુકમ ઉપરથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે કે ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવા હુકમ કરવા બાબતે તેમના દ્વારા કરોડો રૂપિયાની લાંચ ગણોતિયાઓ પાસેથી લેવામાં આવી છે. જેની તપાસ કરાવવામાં આવે.

આ સાથે જ દર્શન નાયકે લખ્યું છે કે સસ્પેન્ડેડ કલેકટર આયુષ ઓકની આવક અને તેમની મિલકત અંગેની પણ તુલનાત્મક તપાસ હાથ ધરવામાં આવે, જેથી તેમની આવક અને તેમની મિલકતો વચ્ચેનું અંતર જાણી શકાય. જો આવક કરતાં મિલકત વધુ હોય તો પણ તેમની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો પણ દાખલ કરવામાં આવે એવી મારી માંગણી છે. આ સાથે જ તેમણે અન્ય જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે આ બાબતની નોંધ લઈ પુરાવાઓનો નાશ થાય તે પહેલા તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી છે.