વિદેશમાં સ્થાયી શિક્ષકોની હવે ખેર નહીં: ગુજરાતના અનેક જિલ્લાઓમાં શરૂ કરાયો ભૂતિયા શિક્ષકોનો સર્વે

School Teacher News: બનાસકાંઠાના શિક્ષક વિદેશ ગયા બાદ તેમની જગ્યાએ અન્ય શિક્ષક ભણાવી રહ્યા હતા. એ અંગે શિક્ષણ વિભાગને જાણ થતાં પગલાં લેવામાં આવ્યાં છે. ત્યાર બાદ અમદાવાદમાં પણ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યો છે. અમદાવાદ શહેરની સ્કૂલોમાંથી(School Teacher News) પણ 12 અને ગ્રામ્યમાંથી 1 શિક્ષક રજા પર છે, જેમાંથી 10 જેટલા શિક્ષક વિદેશ ગયા છે.

શિક્ષિકાને નોટીસ ફટકારવામાં આવી
રાજ્યની શાળામાં શિક્ષકોની ગેરહાજરી બાબતે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના રણકાંઠાને અડીને આવેલ ખારાઘોડા સ્ટેશન પ્રાથમિક શાળામા મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા રીનાબેન બારોટ શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી વિના સતત ગેરહાજર રહેતા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષિકાને નોટીસ ફટકારવામાં આવી છે અને દસ દિવસમાં ખુલાસા સાથે હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં 33 શિક્ષકોને બરતરફ
દાંતા તાલુકાના પાંછા શાળાની શિક્ષિકા અમેરિકામાં રહી શાળામાં નોકરી ચાલુ હોવાના ઉઠેલા વિવાદ બાદ જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી આવા શિક્ષકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, અને જે શિક્ષકો છેલ્લા ઘણા સમયથી લાંબી રજાઓ કોઈપણ મંજૂરી વિના રાખી અને સ્કૂલમાં નથી આવતા તેમના સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.

બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં 33 શિક્ષકોને બરતરફ કરવાની કર્યા બાદ 6 શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે, અને ખુલાસો માંગવામાં આવ્યો છે તેમના સામે પણ કડક કાર્યવાહી કરાશે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, વિદેશ ગયેલા શિક્ષકો રૂબરૂ હાજર થઈ શક્યા નથી માટે રાજીનામાંની કાર્યવાહી આગળ વધી શકી નથી તેમજ શિક્ષણ વિભાગના 2006ના મુજબ સીધી કાર્યવાહી થઈ શકતી નથી. આ પ્રકારની માહિતી DPEO દ્વારા જણાવવામાં આવી હતી.

બાળકોના ભવિષ્ય સાથે રમત રમતા શિક્ષકોમાં ફફડાટ
શિક્ષણાધિકારી શરદ ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું કે, કુલ 10 શિક્ષકો એક વર્ષથી વધુ સમયથી ગેરહાજર છે. જેમાંથી 5 શિક્ષકો વિદેશ ગયા છે. વિદેશમાં જે પાંચ શિક્ષકો છે તેને કારણ દર્શક નોટીસો અપાઈ છે. તમામ શિક્ષકોનાં ખુલાસા માંગવામાં આવ્યા છે. તેમજ જવાબ ન આપતા ફરીથી કારણ દર્શક નોટીસો પણ અપાઈ છે. શિક્ષકો જલ્દી હાજર થાય તેવી કાર્યવાહી કરાશે. તેમજ 90 દિવસની NOC લઈ લાંબા સમયથી ગેરહાજર હોય એવા 5 શિક્ષકો છે. તેમની જગ્યાએ અન્ય કોઈ શિક્ષક મુકીને ગયા હોય તેવું નથી. તો બીજી તરફ સતત ગેરહાજર રહેતા શિક્ષકોનો સર્વે હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા બાળકોના ભવિષ્ય સાથે રમત રમતા શિક્ષકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.