વિધાનસભા ગૃહમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર; રૂપિયા ખંખેરતા ઢોંગીઓ વિરુદ્ધ થશે કડક કાર્યવાહી

Prohibition of Black Magic Bill: ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024 રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ વિધાનસભામાં સર્વાનુમતે મંજુર થઈ ગયું છે. આ બિલ પર કોંગ્રેસના 3 અને ભાજપના 5 ધારાસભ્યએ ગૃહમાં પોતાના મત વ્યક્ત કર્યા હતા. ચર્ચાને અંતે પ્રસ્તાવ મત માટે બિલ મૂકવામાં આવતા સર્વાનુમતે અંધશ્રદ્ધા વિરોધી બિલ મંજૂર કરવામાં આવ્યું હતું. બિલમાં(Prohibition of Black Magic Bill) 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીનો દંડની જોગવાઈ કરાઈ છે. આ ગુનાની દોષિત વ્યક્તિને 6 મહિનાથી ઓછી ન હોય એટલી પણ 7 વર્ષ સુધીની કેદની અને 5 હજાર રૂપિયાથી ઓછા નહીં પણ 50 હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. તેમજ આ ગુનો બિન જામીનપાત્ર ગણાશે.

કાળો જાદુ રોકવા માટે ગુજરાતમાં કોઇ કાયદો નથી:
વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. ત્યારે સત્રના પ્રથમ દિવસે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને (તેનું) નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024, રજૂ કરવામાં આવ્યું હતું. કાળા જાદુ હેઠળ ચાલતી પ્રવૃત્તિને રોકવા માટે ગુજરાતમાં કોઈ ખાસ કાયદો નથી. જો કે વર્ષ 2023 ની સંહિતા મુજબ ગુનો નોંધવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ખાલી ભારતમાં જ કાળા જાદુની પ્રથા છે. એમ નથી પણ પશ્ચિમી દેશોમાં પણ આ પ્રથા જોવા મળે છે. દરેક જગ્યાએ આ પ્રક્રિયા રોકવા માટે અલગ અલગ કાયદા લાવવામાં આવ્યા છે. આઝાદીના 78 વર્ષ બાદ પણ આ પ્રકારની ઘટના ધ્યાન પર આવે છે જેને રોકવી જરૂરી છે. નવા કાયદા હેઠળ મહત્વના ગુના સામેલ કરવામાં આવ્યા છે. આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે તેમ બિલ રજૂ કરતી વખતે ગૃહરાજ્ય મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.

કેવા પ્રકારની બાબતનો ગુનાહીત કૃત્યમાં સમાવેશ?
1.શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે રહેલી પાતળી ભેદરેખા અંગેની કાયદાની કલમ – 2 માં સ્પષ્ટતા કરી છે.

2.માનવબલી, અઘોરી પ્રથા, કાળા જાદુ કે આ પ્રકારના અન્ય અમાનવીય, અનિષ્ટ કૃત્યોનું આચરણ, પ્રોત્સાહન, પ્રચાર- પ્રસાર.

3. ભૂત, ડાકણ કે દુષ્ટ આત્માને શરીરમાંથી બહાર કાઢવાના બહાને વ્યક્તિને દોરડા કે સાંકળથી બાંધીને, લાકડી કે ચાબુકથી માર મારીને, મરચાંનો ધુમાડો કરી અથવા વાળથી બાંધીને છત પર લટકાવી, અથવા શરીર ઉપર ગરમ પદાર્થથી ડામ આપવામાં આવે અથવા પગરખાં પલાળેલું પાણી પીવડાવી, માનવ મળમૂત્ર બળજબરીથી વ્યક્તિના મોઢામાં મૂકવામાં આવે વગેરે.

4. કહેવાતા ચમત્કારોનું પ્રદર્શન કરવું અને તેના દ્વારા પૈસા કમાય તેમજ કહેવાતા ચમત્કારોના પ્રચાર અને પ્રસાર દ્વારા લોકોને છેતરવા.
દિવ્ય શક્તિની કૃપા મેળવવાના હેતુથી કે કિંમતી ચીઝો, ખજાનો મેળવવા, અઘોરી કૃત્યો, કાળા જાદુના કૃત્યો કે અમાનવીય કૃત્યો કરી કોઇના જીવનને ભય કે ગંભીર ઇજા પહોંચાડવી.

5. અગમ્ય શક્તિનો પ્રભાવ છે કે આવી કોઈ શક્તિ છે તેવો બીજાના મનમાં ભય પેદા કરવો.

6. કોઈ વ્યક્તિ ડાકણ કે શૈતાનનો અવતાર છે તેની હાજરીથી ઢોરની દૂધ આપવાની ક્ષમતા ઘટે છે, તે દુર્ભાગ્ય લાવે છે કે રોગચાળો લાવે છે તેવા આક્ષેપો લગાડવા.

7. મંત્ર તંત્રથી ભૂત- ચુડેલને બોલાવવાની ધમકી આપી લોકોના મનમાં ભય ઉભો કરવો, કોઈ ભૂતપ્રેતના રોષથી શારીરિક ઈજાઓ કરવી.

8. કુતરું, સાપ કે વીંછી કરડવાના કિસ્સામાં કે અન્ય કોઈપણ માંદગીમાં વ્યક્તિને તબીબી સારવાર કરતા અટકાવવી અને દોરા, ધાગા, તંત્ર મંત્રથી સારવાર આપવી.

9. આંગળીઓ દ્વારા શસ્ત્રક્રિયા કરવાનો દાવો કરવો, અથવા સ્ત્રીના ગર્ભમાં રહેલા ગર્ભનું લિંગ બદલવાનો દાવો કરવો.

10. પોતાનામાં વિશેષ અલૌકિક શક્તિઓ હાજર છે, અને તેનો ભક્ત પાછલા જન્મમાં તેની પત્ની, પતિ અથવા પ્રેમી હતો તેવું દર્શાવી આવી વ્યક્તિ સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાવવું.

11. અલૌકિક શક્તિ દ્વારા માતૃત્વની ખાતરી આપી ગર્ભધારણ કરવામાં અસમર્થ હોય તેવી સ્ત્રી સાથે જાતીય સંબંધો બાંધવો.

ગુજરાતમાં બનેલી કેટલીક હ્રદય કંપાવી દેતી ઘટનાઓ
ગુજરાતમાં બનેલી કેટલીક અંધશ્રદ્ધાની હ્રદય દ્રાવક ઘટનાઓ ગૃહ સમક્ષ રજૂ કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ભારતમાં જ નહિ, દુનિયાના તમામ દેશોમાં કોઇને કોઇ સ્વરૂપે અંધશ્રધ્ધા જોવા મળે છે. આનાથી કોઇ પણ દેશ કે રાજ્ય બાકાત નથી. આઝાદીના 78 વર્ષ બાદ પણ આપણા રાજ્યમાં કેટલીક હ્રદય કંપાવી દેતી ઘટનાઓ આપણા ધ્યાને આવી છે. જેમ કે,
1) બનાસકાંઠા જીલ્લાના એક ગામમાં નરબલી આપવાથી પોતાના લગ્ન થઈ જશે એવો વહેમ રાખી માસુમ બાળકની હત્યા કરી નાંખવામાં આવી.
2) ગીર સોમનાથ જીલ્લામાં પોતાની 14 વર્ષની દિકરીને કોઈ વળગાડ છે તેવી મનમાં શંકા રાખી આ વળગાડ દૂર કરવા પોતાના ખેતરમાં દિકરીને બે કલાક આગ પાસે ઉભી રાખી, બાદમાં દાજેલી દિકરીને ચાર-પાંચ દિવસ સુધી ખેતરમાં જ ભુખ્યા બાંધીને રાખી મોત નિપજાવવામાં આવ્યું.
3) અરવલ્લી જીલ્લામાં ડાકણ હોવાનો વહેમ રાખી 70 વર્ષિય દાદીમાની હત્યા પોતાના જ પૌત્ર દ્વારા કરવામાં આવી.
4) સુરતમાં એક દીકરીને પોતાના ગુમ પિતાની ભાળ મેળવી આપવાના બહાને એક ઢોંગી તાંત્રિકે તેની સાથે શારીરિક શોષણ કરી, યુવા દિકરીની જીંદગી બરબાદ કરી નાંખી. આ ઉપરાંત ખેતરમાં સોનાના ચરૂ તેમજ અન્ય ખજાનો દટાયેલો છે, તેવા બહાના હેઠળ અનેક લોકો પાસેથી રૂપીયા પડાવી લેવામાં આવી હોવાની ઘટનાઓ પણ ધ્યાને આવી છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:  Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
  • એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App  આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App