સુરતમાં પોલીસ ચોકી મોટી બનાવવા SMC નું ફૂટપાથ કવર કરી લેવાયું

pandesara police station

સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસે પોલીસ ચોકીનું (pandesara police station) ગેરકાયદે પાક્કું બાંધકામ ફૂટપાથ પર ઉભું કરી દીધું છે. ગરીબ ફેરિયાઓના લારી-ગલ્લાના દબાણ દૂર કરવા માટે ફોજ લઈને ઉતરી પડતા સુરત મહાનગર પાલિકાને પાંડેસરામાં પોલીસ ચોકીનું પાક્કું બાંધકામ દેખાતું નહીં હોય તેમ લાગે છે. કારણકે ચોકીના બાંધકામ વિરુદ્ધમાં કોઈ જ કાર્યવાહી મનપા તંત્ર દ્વારા કરાઈ નથી.ત્યારે આ અંગે સુરતના એક સ્થાનિકે ગૃહ રાજ્ય મંત્રી, રાજ્ય પોલીસ વડા, સુરત પોલીસ કમિશ્નર અને સુરત મહાનગરપાલિકાના કમિશ્નરને ફરિયાદ કરી છે.

ડિમોલીશન કરવા અરજી કરી
સુરતના એક આરટીઆઈ એક્ટિવિસ્ટએ પાંડેસરામાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની પોલીસ ચોકીને ગેરકાયદે ગણાવી તેનું ડિમોલીશન કરવા અરજી કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સુરત મનપા કમિશનરને મોકલેલી આ અરજીમાં સંજ્ય ઇઝાવાએ ગેરકાયદે ચોકીને તોડી પાડવા વિનંતી કરી છે. તેમજ આ મામલે અરજદારે સવાલ ઉઠાવ્યા છે કે સામાન્ય નાગરીકોના દબાણ મુદ્દે કાર્યવાહી કરતુ પ્રશાસન આ પ્રકારના ગેરકાયદે બાંધકામ અંગે કેમ કાર્યવાહી નથી કરતું? જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે? તેવો પણ સવાલ અરજીમાં કર્યો છે.

જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલા ભરવા માંગ
ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે, પોલીસ ખાતાએ કોઈ પણ કાયદેસરની પરવાનગી લીધા વગર, માર્જિન છોડ્યા વગર, ફૂટપાથ પર દબાણ કરીને ઈમારત બનાવી લોકોને ખોટા સંદેશો આપે છે. જેથી આ ઈમારત તાત્કાલિક ધોરણે તોડી પાડવી જોઈએ. પોલીસ ખાતાએ કાયદેસર મંજુરી લઈને નવું કાર્યાલય બનાવવા સરકારે હુકમ કરવો જોઈએ. આ ઉપરાંત ગેર કાયદેસર ઈમારત બનાવવા પાછળ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલા ભરવા જોઈએ.

જો કે આ વાત પણ એક મુદ્દાની વાત છે. હમણાં કોઈક સામાન્ય જનતા ગેરકાયદે દબાણ કરે તો મનપાની ટિમ ક્ષણભરનો પણ સમય નથી દેતી. જેમાં આપણે પાથરણાવાળાના ઉદાહરણ સારી રીતે જોઈએ છીએ. ત્યારે આ ઘટના જોતા એમ થાય છે કે કદાચ સામાન્ય જનતા અને પોલીસચોકી બનાવનાર અધિકારીઓ માટે કાયદો અલગ હશે.