મહિલાઓનો તલવાર રાસ… જીપ, બાઈક અને ઘોડા પર સવાર થઈને રાજપૂત મહિલાઓએ દેખાડ્યું શૌર્ય

Gujarat Talwar Garba: ગુજરાતના રાજકોટ શહેરના રાજપેલેસમાં રાજપૂત(RAAJPUT) મહિલાઓએ નવરાત્રીના પાવન પર્વ દરમિયાન આયોજિત કાર્યક્રમમાં રોમાંચક કારનામાઓ કર્યા. શોર્ય દેખાડતા મહિલાઓએ ખુલ્લી જીપ, બાઈક અને ઘોડા પર સવાર થઈને તલવાર રાસ કરતી દેખાઈ રહી છે. રાજકોટના રાણી સાહેબ કાદંબરી દેવીજીની અધ્યક્ષતામાં ભગિની સેવા ફાઉન્ડેશન(Gujarat Talwar Garba) દ્વારા સતત 16 માં વર્ષે પ્રાચીન રાસ ગરબામાં વિભિન્ન શૈલીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં તલવાર રાસ અત્યંત મહત્વપૂર્ણ છે.

જણાવી દઈએ કે દર વર્ષે તલવાર રાસમાં ક્ષત્રિય સમાજની માતા-દીકરીઓ દ્વારા નવીન રીતે પ્રદર્શન કરવામાં આવે છે. આ વર્ષે પણ મહિલાઓએ તલવાર રાસમાં કાર ,બાઈક, જીપ અને ઘોડા પર સવાર થયા છે. રાજપુત મહિલાઓનો આ રાસ જોઈને લોકો અચંબો પામી ગયા.

આટલું જ નહીં માત્ર 10 વર્ષની નાની દીકરીઓથી લઈને 60 વર્ષ સુધીના વૃદ્ધ મહિલાઓ આ રાસમાં ભાગ લે છે અને પારંપરિક તલવાર રાસ રમે છે. રાજકોટના જ રાજવી પરિવાર દ્વારા સંચાલિત ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 500 થી વધારે બહેન-દીકરીઓને તલવાર બાજીની તાલીમ આપવામાં આવી ચૂકી છે. તલવાર બાજી એ ખૂબ જ અઘરી ટ્રેનિંગ છે, જે મુખ્યત્વે પુરુષો દ્વારા કરવામાં આવે છે. પરંતુ રાજકોટની યુવતી અને મહિલાઓએ પણ તેમાં પોતાની મહારત મેળવી છે, જેનાથી ભવિષ્યમાં તેઓ પોતાની આત્મરક્ષા પણ કરી શકશે.

રાજ પેલેસમાં આ આયોજન છેલ્લા 16 વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. આ તલવાર રાસમાં દર વર્ષે નવા ગ્રુપ ભાગ લે છે. જેના માટે બે મહિના જેટલા સમય સુધી પ્રેક્ટિસ કરવી પડે છે. ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ દર વર્ષે કંઈક ને કંઈક નવું કરવા માંગે છે, જેનાથી તેઓને સુરક્ષા સાથે છૂટછાટ પણ મળે છે અને તેમની પ્રતિભાઓ પણ બહાર આવે છે.