કંડલા: એગ્રોટેક કંપનીમાં સર્જાઈ ખૌફનાક દુર્ઘટના, 5 શ્રમિકોના મોત; જાણો સમગ્ર ઘટના

Kandla News: ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોમાં હવે જાણે નવાઈ જ રહી નથી. કડીમાં તાજેતરમાં ભેખડ ધસી પડવાના કિસ્સામાં નવ શ્રમિકોના મોત નીપજ્યા હતા. હવે કચ્છના કંડલામાં એક દુર્ઘટના સર્જાઈ છે. કંડલાની એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકી (Kandla News) સાફ કરવા દરમ્યાન 5 શ્રમિકોનો મોત થયાં છે. આમ ગુજરાતમાં ત્રણથી ચાર દિવસમાં આ બીજી દુર્ઘટના બની છે.

કામદારોનું કેમિકલ ટાંકામાં ગેસ ગળતરથી મોત નીપજ્યું
કંડલા બંદર નજીક આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં મંગળવારે (15 ઓક્ટોબર) કેમિકલ ટેન્કની સફાઈ દરમિયાન પાંચ લોકોના મોત નીપજ્યા હતાં. મૃતકોમાં સુપરવલાઇઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે.

આ ઘટનામાં મૃત્યુ પામનારમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકોર નામના કામદારોનું કેમિકલ ટાંકામાં ગેસ ગળતરથી મોત નીપજ્યું હતુ. તમામના મૃતદેહોને પીએમ માટે રામબાગ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ શ્રમિકો પરપ્રાંતીય છે.

શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, બનાવી રાત્રે સાડા બારા વાગ્યાની આસપાસ સર્જાયો હતો. પ્રોડક્શનમાં વપરાતા ખાદ્યતેલનો નકારો કદડો (સ્લજ) ટેન્કમાં એકઠો થયો હતો. જેને સાફ કરવા સુપરવાઇઝર ટેન્ક ઉપર ચઢીને નિરીક્ષણ કરતો હતો. તે સમયે ટેન્કમાંથી ઉત્પન્ન થયેલાં ઝેરી ગેસના કારણે તે બેભાન થઈને ટેન્કની અંદર પડી ગયો હતો. જોકે, સુપરવાઇઝરને બચાવવા માટે ટેન્ક ઓપરેટરોએ પણ અંદર ઝંપલાવ્યું હતું. બંને જણાંને ગૂંગળામણ થતાં જોઈ બાજુમાં રહેલાં ત્રણ હેલ્પરોએ પણ એક પછી એખ ટેન્કમાં કૂદકો માર્યો.

જોતજોતામાં ટેન્કમાં ગયેલાં તમામ લોકો ગેસ ગળતરના કારણે ટેન્કમાં જ મૃત્યુ પામ્યા હતાં. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ફેક્ટરી ઈન્સપેક્ટર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ, તમામ મૃતકોના ઘરે શોકનો માહોલ સર્જાયો છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.