ગુજરાતના ખેડૂત હજુ રડશે? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીએ ચિંતા ઉભી કરી

Weather Forecast Today: દિવાળીનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે તેને લઈને લોકોમાં ભારે જિજ્ઞાસા છે. હવામાન વિભાગે (IMD Gujarat) આવનારા દિવસોમાં વાતાવરણને લઈને આગાહી કરી છે, જે મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. જ્યારે, આગામી ચાર દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહિવત છે.

આગામી દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે
રાજ્યમાં દિવાળીનાં તહેવાર દરમિયાન હવામાન કેવું રહેશે તેને લઈને માહિતી સામે આવી છે. હવામાન વિભાગ (Gujarat Weather IMD) દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરશે. જો કે, આગામી ચાર દિવસ તાપમાનમાં ફેરફાર થવાની નહિંવત શક્યતાઓ છે. હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણએ જણાવ્યું કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી સેલ્સિયસ અને લધુત્તમ 21.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

અંબાલાલ પટેલની આગાહી Ambalal Patel Forecast
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, દાના વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વર્તાશે. આહવા, વલસાડ, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ દાના વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે. 70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી કરી છે. તો સરહદના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ 27 ઓક્ટોબર સુધી દાના વાવાઝોડાની અસર જોવા મળી શકે છે.તો બીજી તરફ અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવેમ્બરના પ્રારંભિક સમયમાં, 6થી 8 નવેમ્બરના દરમ્યાન પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો નીચે જવાની ધારણા છે. રાજ્યમાં આ સમય દરમિયાન ઠંડીની શરૂઆત થશે અને વાતાવરણમાં ઠંડક વધતી જોવા મળશે.

રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા દેખાઈ નથી રહી
તો બીજી તરફ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજથી સાત દિવસ એટલે કે, બીજી નવેમ્બર અને બેસતા વર્ષના દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે. રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા દેખાઈ નથી રહી.