વ્હાલસોયી દીકરીના લગ્ન પહેલા જ સુરતના પિતાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ

Surat Accident News: સુરતમાં એક કમકમાટી ભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે. હીરાબાગ પી.પી.સવાણી સ્કૂલ નજીક બાઈક પર જતા બે મિત્રોને અન્ય બાઈક ચાલકે ટક્કર મારતા આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમના મિત્રને પગમાં ઈજા થઈ હતી. જે બાદ અકસ્માત સર્જનાર અન્ય બાઈક ચાલકને ઝડપી પાડી મેથીપાક આપી પોલીસના હવાલે કર્યો હતો.

આધેડનું ઘટનાસ્થળે જ થયું મોત
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ,જામનગરના ધ્રોલના વતની અને એ.કે.રોડ વિશ્વકર્મા સોસાયટી ખાતે રહેતા 49 વર્ષીય પ્રકાશભાઈ વિઠ્ઠલભાઈ સાપરીયા કડીયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.શુક્રવારે રાત્રે તેઓ તેમના મિત્ર કેતન વેગડ સાથે ચા પીવા નીકળ્યા હતા. તેઓ હીરાબાગ પાસેથી પસાર થતા હતા. ત્યારે બેફામ પસાર થતા અર્જુન નામના બાઈક ચાલકે તેમની બાઈકને ટક્કર મારતા પ્રકાશભાઈ અને તેમના મિત્ર કેતનભાઈ પટકાયા હતા. જેમાં પ્રકાશભાઈનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે કેતનભાઈને પગના ભાગે ઈજા થઈ હતી.

ઘટના સર્જનાર યુવકને લોકોએ આપ્યો મેથીપાક
અકસ્માત બાદ લોકોએ બેફામ બાઈક હંકારી અકસ્માત સર્જનારા અર્જુનને ઝડપી પાડ્યો હતો અને મેથીપાક આપી પોલીસના હવાલે કરી દીધો હતો. બનાવ અંગે કાપોદ્રા પોલીસે બાઈક ચાલક અર્જુન સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માર્ચમાં પુત્રીના લગ્ન થવાના હતા
મૃતક પ્રકાશભાઈ સાપરિયા પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે. જેમાં તેમની મોટી પુત્રીના લગ્ન થઈ ગયા છે. બીજી પુત્રીના આગામી માર્ચ મહિનામાં લગ્ન થવાના હતા. તેમજ તેમનો સૌથી નાનો પુત્ર હાલ ધોરણ 10માં અભ્યાસ કરે છે. પ્રકાશભાઈના અકસ્માતમાં મોતને પગલે પરિવારનો આધાર છીનવાઈ ગયો છે.