વધુ એક બીમારીનો કહેર: 143ના મોત, 7 મહિના અગાઉ જ WHOએ આપી હતી ચેતવણી; જાણો લક્ષણો

Disease X Symptoms: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના દક્ષિણ-પશ્ચિમ પ્રાંતમાં નવેમ્બર મહિના દરમિયાન રોગ Xને કારણે 143 લોકો મૃત્યુ પામ્યા છે. ચેપગ્રસ્ત લોકોમાં ફ્લૂ જેવા લક્ષણો જોવા મળ્યા છે, જેમાં મુખ્ય છે તાવ અને ગંભીર માથાનો દુખાવો. તબીબી ટીમ રોગને (Disease X Symptoms) શોધવા માટે નમૂનાઓ એકત્રિત કરી રહી છે અને તેની તપાસ કરી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા સતત વધી રહી છે. સારવારના અભાવે બિમાર લોકો ઘરોમાં જ મરી રહ્યા છે. મહિલાઓ અને બાળકો આ રોગથી સૌથી વધુ પ્રભાવિત થાય છે.

WHOએ આપી આ જાણકરી
WHOએ કહ્યું કે, તેમને ગયા અઠવાડિયે આ બીમારી વિશે માહિતી મળી હતી. WHO કોંગોના જાહેર આરોગ્ય મંત્રાલયના સહયોગથી આ રોગની તપાસ કરી રહ્યું છે. પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ અને સારવારનો અભાવ તેને વધુ ભયાનક બનાવી રહ્યો છે.

આવો જાણીએ શું છે આ રોગ
X રોગ એવો શબ્દ છે કે જેને WHOએ સંભવિત રોગ માટે પ્લેસહોલ્ડર તરીકે ઉપયોગ કર્યો છે. જે મનુષ્યોમાં ચેપનું કારણ બની શકે છે અને તે હજુ પણ તબીબી વિજ્ઞાન માટે અજાણ છે. જો આપણે તેને સરળ ભાષામાં સમજીએ તો રોગ X એ એવા રોગો અથવા ચેપનો ઉલ્લેખ કરે છે જેના વિશે હાલમાં કોઈ જાણતું નથી. ઉદાહરણ તરીકે ડબ્લ્યુએચઓએ પ્રથમ રોગનો ઉલ્લેખ 2018માં કર્યો અને બીજા જ વર્ષે 2019માં કોરોના વાયરસની મહામારી ફાટી નીકળી.

બાળકોનો કાળ છે આ રોગ
આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટર જીન કાસેયાએ જણાવ્યું હતું કે, કોંગોમાં નોંધાયેલા 376 કેસમાંથી લગભગ 200 કેસ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના છે. આ રોગ પ્રથમ 24 ઓક્ટોબરે ક્વાંગો પ્રાંતના પંઝી હેલ્થ ઝોનમાં બહાર આવ્યો હતો.

આ છે આ રોગના લક્ષણો
આ રોગમાં દર્દીઓમાં ગંભીર લક્ષણો જોવા મળે છે. X રોગથી પીડિત દર્દીઓમાં તાવ, માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને એનિમિયાની અસર જોવા મળે છે. શ્વસન સંબંધી રોગોની સાથે નિષ્ણાતો મેલેરિયા અને ઓરી જેવા અન્ય રોગોની પણ તપાસ કરી રહ્યા છે.

આ રીતે ફેલાઈ છે આ રોગ
આ રોગ એવા સમયે બહાર આવ્યો જ્યારે ફ્લૂના કેસ વધી રહ્યા હતા. નિષ્ણાતોને શંકા છે કે, આ રોગ હવા દ્વારા ફેલાય છે. આ રોગે નવા પેથોજેન્સના ફેલાવાની ચિંતા વધારી છે. WHO એ રોગના ફેલાવાની પેટર્નને ફેલાતા રોકવામાં મદદ કરવા માટે કોંગોમાં આવશ્યક દવાઓ, ડાયગ્નોસ્ટિક કીટ અને નિષ્ણાતો મોકલ્યા છે.