ફૂટપાથ પર સુતેલા 9 લોકોને બેફામ ડમ્પર ચાલકે કચડી માર્યા; 3નાં મોત, છ ગંભીર

Maharashtra Accident: મહારાષ્ટ્રના પુણે શહેરમાં ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને એક ટ્રકે કચડી નાખ્યા છે. આ દુર્ઘટનામાં બે બાળકો સહિત ત્રણ લોકોના મૃત્યુ થઈ ગયા છે અને છ લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારની મોડી રાત્રે લગભગ 12:30 વાગ્યે બની હતી. ફૂટપાથ (Maharashtra Accident) પર સુઈ રહેલા લોકો પર ટ્રક ચડાવી દેવામાં આવ્યો હતો. પ્રાથમિક જાણકારી અનુસાર ડમ્પર ચાલક નશામાં હતો. ડમ્પર ભાર્ગવ બિલ્ડ વેઝ એન્ટરપ્રાઇઝના નામે નોંધણી કરાયેલું હતું. ઘાયલોમાં ત્રણ લોકોની હાલત હજુ ગંભીર છે.

ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી
પોલીસના એક વરિષ્ઠ અધિકારીઓ જણાવ્યું કે કેશ નંદન ફાટા વિસ્તારમાં ફૂટપાથ પર ઘણા લોકો રાતના સમયે સુઈ રહ્યા હતા. તે સમયે એક ટ્રકે તેમને કચડી નાખ્યા, તેમાં ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. અને અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે અને તે વાતની માહિતી મેળવી રહ્યા છે કે ચાલકે દારૂ પીધેલો હતો કે નહીં.

ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ વૈભવી પવાર, વૈભવ પવાર અને વિશાલ પવાર તરીકે થઈ છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા અન્ય છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નશામાં હતો ડ્રાઇવર?
પુણે શહેર પોલીસના ડીસીપી ઝોન 4 હિંમત જાદવે જણાવ્યું કે શહેરના વાઘોળી ચોક વિસ્તારમાં ગઈકાલે રાત્રે ફૂટપાથ પર આરામ કરી રહેલા બે બાળકો સહિત ત્રણ લોકોને એક ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. જેનાથી તેમનું મૃત્યુ થઈ ગયું છે અને અન્ય છ લોકો ઘાયલ થઈ ગયા છે. દારૂના નશામાં ધૂત ડ્રાઇવરને મોટર વાહન અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની લાગુ પડતી ધારાઓ અંતર્ગત ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.